Surendranagar,તા.20
સુરેન્દ્રનગર જિલ્લામાં ડિસેમ્બર મહિનામાં કાનુની માપ દંડ વિભાગ દ્વારા ૪૧૩ એકમોમાં તપાસ કરવા સાથે રૂા. ૫.૮૩ લાખનો દંડ વસુલાયો હતો. જ્યારે ખોરાક નિયમન તંત્રએ ૨૬૯ ખાદ્ય પદાર્થોના નમુના લેવા સાથે ૩૪ હોટેલો સહિતની જગ્યાઓએ તપાસ કરાઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં કાનુની માપ વિજ્ઞાાન વિભાગ દ્વારા સમયાંતરે ચેકીંગ હાથધરી નિયમોના ઉલંધ્ધન બદલ દંડ સહિતની કાર્યવાહી હાથધરવામાં આવે છે. ત્યારે ગત ડિસેમ્બર મહિનામાં કચેરીની ટીમ દ્વારા જિલ્લાના ૨૧ જેટલા પેટ્રોલ પંપ, એલ.પી.જી. ગેસ ડિલર, એજન્સી, ફેરીયા-૯, રાશનીંગ દુકાનો-૧૭, તેમજ અન્ય વેપારીઓ અને ફેરિયાઓ સહિત ૪૧૩ એકમોમાં તપાસ હાથધરવામાં આવી હતી. અને ગુન્હા માંડવાળ પેટે રૂા.૩,૮૦૦ તેમજ ચકાસણી અને મુંદ્રાકન પેટે રૂા.૫.૮૩ લાખની ફી પણ વસુલવામાં આવી હતી. ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ૨૬૯ ખાદ્ય પદાર્થોના નમુનાઓ લઈ પાંચ જેટલા નમુનાઓનું ચેકીંગ હાથધરાવમાં આવ્યું હતું. આ સિવાય ૩૪ જેટલી જુદીજુદી હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ ફરસાણની દુકાન, ખાણી પીણી લારી, અનાજ કરિયાણાની પેઢીની મુલાકાત લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી.