Surat અસામાજિક તત્વોએ ફિલ્મી સ્ટાઈલમાં આતંક મચાવ્યો

Share:

આ સામાજિક તત્વોએ જ્વલનશીલ પદાર્થથી ઘર સળગાવવાના પ્રયાસ કર્યા અને એક ફોર વ્હીલર કાર સળગાવી દીધી હતી

Surat, તા.૨૨

માંગરોળના પીપોદ્રા  માં આવેલ એક સોસાયટીમાં નજીવી બાબતે અસામાજિક તત્વો આતંક મચાવી આખી સોસાયટી બાનમાં લીધી હતી.  તલવાર જેવા ઘાતક હથિયાર અને બોટલમાં જ્વલનશીલ પદાર્થ લઈને આવેલા આ સામાજિક તત્વોએ જ્વલનશીલ પદાર્થથી ઘર સળગાવવાના પ્રયાસ કર્યા અને એક ફોર વહીલર કાર સળગાવી દીધી હતી. પોલીસે મુખ્ય આરોપી ઇસમ બુટલેગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

માંગરોળ તાલુકાના પીપોદ્રા ગામે આવેલ પાર્થ રેસિડેન્સીમાં  સાંજના સમયે એક અકસ્માતની ઘટના બની હતી અને ગોવિંદ સિંહ રાજપૂત નામના વ્યક્તિના દીકરાની બાઈક એક ઈસમની બાઈક સાથે અથડાઈ ગઈ હતી જોકે તે બબાલનું તે સમયે સમાધાન થઈ ગયું હતું પરંતુ એ ઘટનાની અદાવત રાખી ૧૫ થી ૨૦ જેટલા ઈસમો જ્વલનશીલ પ્રવાહી ભરેલી બોટલો અને તલવાર ધારીયા જેવા હથિયાર લઈ સોસાયટીમાં ધસી આવ્યા હતા અને રીતસરનો આતંક મચાવ્યો હતો. ગોવિંદસિંહ રાજપૂતના ઘરમાં ઘૂસવાની કોશિશ કરી હતી અને ગોવિંદસિંહના પરિવાર પર ઘાતક હથિયાર લઇ તૂટી પડ્યા હતા.

ગોવિંદ સિંહને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા તેમજ તેમના પત્ની  અને દીકરાને પણ ઇજા પહોંચાડી હતી. જોકે પરિવાર એ ગેટ ને તાળું મારી દેતા આ અસામાજિક તત્વોએ આખા ઘર પર જ્વલનશીલ  પ્રવાહી નાખી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ ઘર બહાર પાર્ક કરેલી તેમની કાર પણ સળગાવી દીધી હતી અને આજુબાજુના ઘરમાં પણ ભારે તોડફોડ કરી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો .

જોકે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી, પરંતુ જે ઘટના બની તેને લઈ સ્થાનિકોએ પોલીસ પર રોષ વ્યકત કર્યો હતો. પોલીસે આ આતંક મચાવનાર આજ વિસ્તારમાં રહેતા બુટલેગર પદ્મનાભ મલેક ઉર્ફે રાકેશ પકોડાની ગણતરીના સમયમાં ધરપકડ કરી લીધી હતી. આ રાકેશ પકોડા અગાઉ પણ પ્રોહીબિશનના ગુનામાં પોલીસને હાથે ઝડપાઇ ચુક્યો છે. પોલીસે રાકેશ પકોડાની ધકરપકડ કરી આતંક મચાવવામાં સાથે અન્ય કોણ કોણ વ્યક્તિઓ હતા તેની પૂછપરછ કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. સુરત જિલ્લામાં દિવસે દિવસે ગંભીર પ્રકારના ગુનાઓ સતત વધી રહ્યા છે, ચોરી ,ધાડ ,લૂંટ ,હત્યા ,બળાત્કાર, જેવા ગુનાઓ સામાન્ય બની ગયા છે.  આ ગુનેગારો પર પોલીસની પકડ ઢીલી થઈ ગઈ હોય એવું સુરત જિલ્લામાં દેખાઈ રહ્યું છે. આજે બનેલી આ હીંચકારી  હુમલાની ઘટનામાં આખી સોસાયટી થર થર કાપી રહી છે અને ભયભીત થઈ ગઈ છે. પોલીસ દ્વારા કડક પગલાંઓ લઇ આ ગુનાઓ થતા અટકાવવામાં નહીં આવે તો ગુજરાતને યુપી બિહાર બનતા વાર નહીં લાગે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *