Surat માં ગણેશ પંડાલમાં પથ્થરમારાનો મામલો, અત્યાર સુધી 27 આરોપી ઝડપાયા

Share:

Surat,તા.09

સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ તરૂણોના પથ્થરમારાથી તંગદિલી સર્જાઈ હતી. રાત્રે 9 વાગ્યા બાદ 12થી 14 વર્ષના તરુણોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. આયોજકોએ 6 સગીરને પકડી પોલીસને સોંપ્યા હતા. તરૂણો સહિત તમામના પિતાને પણ સગરામપુરા પોલીસ લઈ ગઈ હતી. હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. ટોળા વિખેરવા લાઠીચાર્જ કરાયો અને 10થી વધુ ટીયરગેસ છોડાયા હતાં.

ત્યાર બાદ આ વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. તેમજ કોમ્બિગ શરૂ કરવામાં આવ્યું હતું. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે, પથ્થરમારામાં અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે શાંતિપૂર્ણ માહોલ છે. તેમજ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ તંત્ર એલર્ટ

સુરતની ઘટના બાદ રાજ્યનું પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્યના પોલીસ વડા આજે તમામ જિલ્લાના SP, IG તથા પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજશે. તહેવારોના ટાળે રાજ્યમાં કોમી એકતા જળવાય અને અસાજિક તત્વો સામે કડક પગલાં લેવા બાબતે ચર્ચા કરવામાં આવશે. તમામ જિલ્લાઓમાં શાંતિ સમિતિ સાથે બેઠક યોજાશે.

ગુજરાતમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ચલાવી લેવામાં નહી આવે 

હર્ષ સંઘવી એક્સ પર લખ્યું ‘સુરત શહેરમાં ગણેશ પંડાલ પર પથ્થરબાજીની ઘટનામાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરમાં સૂર્યોદય પહેલાં જ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવશે. વીડિયો અને ડ્રોન વિઝ્યુઅલની મદદ વડે કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. સીસીટીવી. વીડિયો વિઝ્યુઅલ્સ, ડ્રોન વિઝ્યુઅલ્સ અને અન્ય ટેક્નોલોજીથી નજર રાખવામાં આવી રહી છે.  કોમ્બિંગ હજુ પણ ચાલુ છે. કાયદો અને વ્યવસ્થા તોડવાનો પ્રયત્ન કરનાર કોઇપણ વ્યક્તિને છોડવામાં નહી આવે. તમામ આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. અમારી ટીમો પથ્થરબાજોની ઓળખ કરવામાં અને તેમને સજા અપાવવામાં આખી રાત કર્યું હતું અને હજુ  પણ ચાલુ છે. મહેરબાની કરીને ખોટા મેસેજથી સાવધાન રહો. હું અને મારી ટીમ ઘટનાસ્થળે હાજર છીએ. મેં ગાંધીનગરના તમામ કાર્યક્રમ રદ કરી નાખ્યા છે આખો દિવસમાં સુરતમાં જ રહીશ. બપોર બાદ પત્રકાર પરિષદ સંબોધી તમામ માહિતી આપીશ.

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો તૈનાત

સુરત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.  સ્થિતિ બગડે તે પહેલાં સુરત પોલીસે શહેરના તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. સૈયદપુરા વિસ્તારમાં મોટાપાયે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યા છે. ડ્રોન વડે પોલીસ નજર રાખી રહી છે. કારણ કે કોઇપણ સ્થળે ટોળા ભેગા થાય તો તેને તાત્કાલિક ઝડપી શકાય.

ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે : પોલીસ કમિશનર

સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. અલગ-અલગ ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં મૂર્તિ પર પથ્થરમારો, બીજા ઘટનાસ્થળ પર પથ્થર મારવાનો અને કતારગામ વિસ્તારમાં વાહન સળગાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. અમે જલદી શાંતિ સમિતિની બેઠક યોજીશું. જેમાં આ પ્રકારની ઘટના સર્જાઇ હોવાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવશે. જે લોકોને શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને અમે છોડીશું નહી. સીસીટીવી ફૂટેજનું ચેકિંગ ચાલુ છે, જેટલા આરોપીઓ પકડાયા છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આખી રાત ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે, જેમાં ધરકપકડ અને અટકાયતનો દૌર ચાલુ રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *