Surat,તા.29
સુરત પાલિકાના તબક્કાવાર હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે પાલિકા હવે સરકારી જગ્યાની માંગણી કરી રહી છે. આ પહેલા પાલિકાને પ્રાથમિક સુવિધા માટે સરકાર દ્વારા જગ્યા આપવામા આવી હતી. હવે ઈચ્છાપોરમાં સુએઝ પંપીગ સ્ટેશન તથા સર્વિસ રિઝર્વેયર તથા કનકપુર વિસ્તારમાં નવા પ્રકલ્પોના નિર્માણ માટે જગ્યાની માંગણી કરવામાં આવી છે.
પાલિકાના હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારમાં પાણી-ડ્રેનેજની સુવિધા પુરી પાડવા માટે પાલિકા તબક્કાવાર આયોજન કરી રહી છે. હાલમાં સુરત પાલિકાના ઉધના બી-ઝોન વિસ્તારમાં પાણી પુરવઠા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈચ્છાપોરમાં સુએઝ પંપીગ સ્ટેશન તથા સર્વિસ રિઝર્વેયર બનાવવા માટે પાલિકા દ્વારા આયોજન કરવામા આવી રહ્યું છે. સુરત પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા મોજે : તલંગપુર, બ્લોક નં. 224 ક્ષે. 1,18,270 ચો.મી. જમીન પૈકી ક્ષે.25,000 ચો.મી. સરકારી જગ્યા ફાળવણી અર્થે આગળની જરૂરી કાર્યવાહી કરવા પત્ર લખવામાં આવ્યો હતો. હાલ સાઉથ ઝોન-બી (કનકપુર) વિસ્તારમાં હાલમાં તમામ ટી.પી.સ્કીમ મુસદ્દારૂપ મંજૂર હોય તથા બાકીના વિસ્તારમાં ટી.પી.સ્કીમ સરકારની મંજૂરી અર્થે સાદર કરેલ હોય અથવા ટી.પી.સ્કીમનું આયોજન થયેલું નથી. ઉપરાંત સુરત મહાનગરપાલિકા પાસે પર્યાપ્ત માત્રામાં જગ્યા ઉપલબ્ધ ન હોવાથી નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવા સુરત મહાનગરપાલિકાને સરકારી જમીનની જરૂર છે.
આ જગ્યાની માંગણી અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે તેમાં ઈચ્છાપોરમાં કુલ 3,765 ચો.મી વિસ્તારમાં સુએઝ પંપીગ સ્ટેશન તથા સર્વિસ રિઝર્વેયર પ્રોજેક્ટ સાકાર થશે. તેમજ કનકપુર નવા વિસ્તારમાં પાણી પુરવઠો પુરો પાડવા માટે નવા પ્રકલ્પોના નિર્માણ માટે કુલ 1,18,270 ચો.મી જમીન પૈકીની 23,722 ચો.મી સરકારી જમીન માટે માંગણી કરાશે.