Rajkot, તા. 11
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઉનાળો આરંભે જ અતિ આકરો બની ગયો છે અને બે દિ’માં જ તાપમાન 1 થી 7 ડિગ્રી વધી ગયું છે. ગઇકાલે ‘યલો’ બાદ આજે રાજકોટ, અમદાવાદ સહિત 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. દરમ્યાન ગઇકાલે રાજકોટ ઉપરાંત આઠ સ્થળોએ તાપમાન 40 થી 42 ડિગ્રી વચ્ચે નોંધાતા લોકો શેકાયા હતા.
ગઇકાલે ભુજ ખાતે 42, રાજકોટમાં 41.7, સુરતમાં 41.8, અમરેલીમાં 40, અમદાવાદમાં 40.4, વડોદરામાં 49.8, ભાવનગરમાં 39.2, ડાંગમાં 41.4, ગાંધીનગરમાં 40.4, પોરબંદરમાં 39.2 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું.
જયારે ઉનાળાના તાપમાનમાં આગમન વચ્ચે વધારા-ઘટાડાનો દૌર ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસ ઘટે છે. મંગળવારે સવારે જામનગરમાં પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો સડસડાટ 37.9 ડીગ્રીએ પહોંચી ગયો હતો.
હોળી પહેલા ગરમીનો પારો 37 ડિગ્રીથી વધતા શહેરીજનો આકરા તાપથી તોબા પોકારી ઉઠ્યા હતાં. માર્ચ માસના બીજા સપ્તાહના પ્રારંભે ઉનાળાએ ગતિ પકડતા બપોરે અંગ દઝાડતા તાપના કારણે લોકોએ કામ વગર ઘરની બહાર જવાનું ટાળ્યું હતું.
આગામી સમયમાં હિટવેવ સાથે કાળજાળ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાન 20.6 ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 18 ટકા ઘટીને 55 ટકા રહ્યું હતું.
પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ 6.2 કીમી રહી હતી. બેવડી ઋતુના કારણે શહેરમાં મચ્છરોનો ત્રાસ વધતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના જિલ્લામાં ગરમીનો પારો હાઈ જતો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે (11મી માર્ચે) 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આ ઉપરાંત આગામી 2-3 દિવસ તાપમાનનો પારો 40-42 ડિગ્રી રહેવાનો અંદાજ છે. જ્યારે છેલ્લા સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં તીવ્ર ગરમી અને સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળ્યું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે 11મી માર્ચ, 2025ના કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરા અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. જેમાં કચ્છ, મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને સુરત જિલ્લામાં હીટવેવની ચેતવણીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે. તથા રાજ્યમાં આગામી 2-3 દિવસ ગરમીનો પારો હાઈ રહેવાની સંભાવના છે, ત્યારે 12 માર્ચ, 2025ના રોજ રાજ્યના ચાર જિલ્લામાં હીટવેવની ચેતવણીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની આગાહી છે.
રાજ્યમાં આગામી ચાર દિવસ હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે હીટવેવના કારણે શું અસર થાય છે તે જાણીએ. હીટવેવમાં ઉચ્ચ તાપમાન, લાંબા સમય સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેલા અથવા ભારે કામ કરતાં લોકોમાં ગરમીની બીમારીના લક્ષણોની શક્યતા વધી જાય છે. જેમાં નબળા લોકો સહિત બાળકો, વૃદ્ધો ક્રોનિક રોગ ધરાવતા લોકોમાં આરોગ્યની ચિંતા રહે છે.