Mumbai, તા.3
મુંબઇ શેરબજારમાં બે દિવસની તેજીને આજે બ્રેક લાગી હતી અને નફારૂપી વેચવાલીના દબાણથી મંદીનો આંચકો અનુભવાયો હતો. સેન્સેક્સમાં 600 પોઇન્ટનું ગાબડું પડ્યું હતું.
શેરબજારમાં આજે માનસ મંદીનું હતું. શરૂઆત જ ગેપડાઉન હતી. વૈશ્વિક નબળાઇને પગલે નફારૂપી વેચવાલીનું દબાણ આવ્યું હતું. અમેરિકામાં નવા વર્ષે હુમલા, જુદા-જુદા દેશો વચ્ચે વધતું ભૌગોલિક ટેન્શન, ટ્રમ્પના સત્તારૂઢ થયા બાદ ટ્રેડવોરની આશંકા જેવા કારણોની વિપરીત અસર હતી.
વિદેશી સંસ્થાઓએ ગઇકાલે નેટ ખરીદી કરી હોવાના આંકડા જાહેર થતાં હોવા છતાં તેની કોઇ સારી અસર નહતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે વૈશ્વિક ઘટનાક્રમોની અસર વર્તાશે. ઉપરાંત આવતા દિવસોમાં જાહેર થનારા કોર્પોરેટ પરિણામોનો પ્રભાવ પડવાનું મનાય છે.
શેરબજારમાં આજે ભારતી એરટેલ ટેકનો, એચડીએફસી બેંક, ઇન્ફોસીસ, આઇસીઆઇસીઆઇ બેંક, લાર્સન, મહિન્દ્ર, સ્ટેટ બેંક, ટીસીએસ જેવા શેરોમાં ગાબડા હતા. બજાજ ફાઇનાન્સ, કોટક બેંક, મારૂતી, એનટીપીસી, રીલાયન્સ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાઇટન, એક્સીસ બેંક, ઓએનજીસી વગેરે ઉંચકાયા હતા.
મુંબઇ શેરબજારમાં સેન્સીટીવ ઇન્ડેક્સ 622 પોઇન્ટના ગાબડાથી 79321 હતો તે ઉંચામાં 80072 તથા નીચામાં 79266 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 153 પોઇન્ટના ઘટાડાથી 24034 હતો તે ઉંચામાં 24196 તથા નીચામાં 24000 હતો.