Stock Market માં મોટી ઉથલપાથલ,સેન્સેક્સ 849 પોઈન્ટ તૂટ્યો

Share:

Mumbai,તા.21

શેરબજારમાં આજે પીએસયુ અને રિયાલ્ટી શેર્સમાં મોટાપાયે વેચવાલીના પગલે શેરબજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. મોર્નિંગ સેશનમાં સેન્સેક્સ તેની ટોચથી 1072.93 પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે ગઈકાલના બંધ સામે 849 પોઈન્ટનું ગાબડું નોંધાવ્યું છે. નિફ્ટીએ પણ તેની અત્યંત મહત્ત્વની 23300ની સાયકોલોજિકલ સપાટી ગુમાવી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રપ્રમુખ પદે કામગીરી સંભાળવાની સાથે રોકાણકારોમાં સકારાત્મક પગલાંઓનો આશાવાદ વધ્યો છે. જો કે, ટ્રમ્પે સત્તા પર આવતાની સાથે જ કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદી દેતાં વૈશ્વિક બજારોમાં ફરી એકવાર ટેરિફ વોર શરૂ થવાની ભીતિ પણ વધી છે. એશિયન બજારોના સથવારે તેમજ માર્કેટ ઓવરસોલ્ડ હોવાના કારણે આજે ભારતીય શેરબજાર તૂટ્યા હોવાનું માર્કેટ નિષ્ણાતો જણાવી રહ્યા છે.

10.40 વાગ્યે સેન્સેક્સ 660.48 પોઈન્ટ તૂટી 76412.96 પર, જ્યારે નિફ્ટી 158.20 પોઈન્ટ તૂટી 23186.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સ્મોલકેપ અને મિડકેપ શેર્સમાં પણ પ્રોફિટ બુકિંગ વધ્યું છે. બીએસઈ ખાતે સમાચાર લખાયા ત્યાં સુધીમાં 2268 શેર ઘટાડા તરફી અને 1322 શેર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. 175 શેરમાં લોઅર સર્કિટ અને 193 શેરમાં અપર સર્કિટ વાગી હતી. આજે વધુ 80 શેર 52 વીક હાઈ થયા હતા. જ્યારે 39 શેરમાં વર્ષનું તળિયું નોંધાયુ હતું.

રોકાણકારોની મૂડી 4.41 લાખ કરોડ ઘટી

શેરબજારમાં મોટાપાયે વોલેટિલિટીના પગલે આજે રોકાણકારોની મૂડી 4.41 લાખ કરોડ ઘટી છે. સરકારી કંપનીઓના શેર્સ પણ તૂટ્યા છે. આજે મઝગાંવ ડોક 3.02 ટકા, એનબીસીસી 3.13 ટકા, આઈટીઆઈ 2.86 ટકા, આઈઆરએફસી 2.90 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ ક્રૂડ ઓઈલ કંપની બીપીએસીએલ, હિન્દુસ્તાન પેટ્રોલના શેર્સમાં ઉછાળો જોવા મળ્યો છે. રિયાલ્ટી સેગમેન્ટમાં પણ ટ્રેડેડ તમામ સ્ક્રિપ્સમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ નોંધાતાં શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *