Gandhinagar તા.10
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારના સેશનમાં ધો.10નું સંસ્કૃત હિન્દી સીંધી ઉર્દુ સહિતની દ્વિતીય ભાષાના પેપર લેવાવાની સાથે જ આ પરીક્ષા વિધીવત પૂર્ણ થવા પામી છે જેની સાથે જ વિદ્યાર્થીઓ હળવાફૂલ બની ગયા છે.
ધો.10નું સંસ્કૃત- હિન્દી સહિતની દ્વિતીય ભાષાના પેપર ટેકસબુક આધારીત સરળ નિકળ્યા હતા. આજના આ પેપરમાં રાજકોટ શહેર-જીલ્લામાં નોંધાયેલા 42928 માંથી 42164 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 764 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
સવારને સેશનની પરીક્ષામાં રાજકોટ શહેર જીલ્લામાં કોપીકેસ કે ગેરરીતીનો એક પણ કિસ્સો નોંધાયો ન હતો જયારે ધો.12 સાયન્સની પરીક્ષા આજે સાંજે વિધીવત રીતે પૂર્ણ થનાર છે. ધો.12 સાયન્સની પરીક્ષામાં બપોરના સેશનમાં કમ્પ્યુટર અધ્યયન તેમજ ગુજરાતી હિન્દી સીંધી સંસ્કૃત પ્રથમ દ્વિતીય ભાષાના પેપર પરીક્ષા કેન્દ્રો પરથી લેવામાં આવી રહ્યા છે.
ધો.10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થતા હવે આવતીકાલ તા.11ને મંગળવારથી ઉતરવહીઓની તપાસણી બોર્ડ દ્વારા શરૂ કરી દેવામાં આવનાર છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, ઉતરવહીઓની તપાસણી માટે બોર્ડ દ્વારા આ વખતે વિદ્યાર્થીઓની પરીક્ષાની હોલ ટીકીટની સાથે જ શિક્ષકોના ઓર્ડરો પણ ઓનલાઈન કાઢવામાં આવેલ હતા. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે દો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ અંતીમ તબકકામાં લેવાઈ રહી છે. આ સામાન્ય પ્રવાહની પરી તા.13ના પૂર્ણ થશે.