રાજ્ય સરકારે ૨૧૯૭૮ લોકોને ૨૬૨ કરોડની લોન આપી ગૃહ રાજ્ય મંત્રી Harsh Sanghvi

Share:

Gandhinagar,તા.૨૨

ગુજરાતમાં વ્યાજખોરોની વિરૂધ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા ટુંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં અનેક સામાન્ય, મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો ઘરનો પ્રસંગ સાચવવા, બાળકોના ભાવી સુરક્ષિત કરવા ઉચ્ચ શિક્ષણ માટે કે સંતાનોને વિદેશ મોકલવા સહિતના કારણોસર ક્યારેક ઉંચા વ્યાજે ધિરાણ લઇ વ્યાજખોરોના ચક્રવ્યુહમાં ફસાઇ જાય છે. વ્યાજખોરોની ચુંગાલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઇવના આયોજન કર્યા હતા.૩૧મી જુલાઇ ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે માસમાં ૫૬૫ વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

માણસ જ્યારે વ્યાજના વિષચક્રમાં ફસાઈ જાય છે ત્યારે પોતાના સગા-સબંધી અને મિત્રો અંતર રાખી લે છે લોકો દૂર ભાગે છે. તેવા સંજોગોમાં વડાપ્રધાન મોદીએ વિવિધ યોજનાઓ જેવી કે (૧) પ્રધાનમંત્રી મુદ્રા યોજના (૨) બાજપાઇ બેન્કેબલ લોન યોજના (૩) પી.એમ.સ્વનિધિ યોજના (૪) કિસાન સાથી યોજના (૫) પર્સલન લોન યોજના (૬) મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (૭) વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (૮) દંત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના (૯) જયોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના (૧૦) માનવ કલ્યાણ યોજના (૧૧) ઔદ્યોગીક સહકારી મંડળીની પેકેજ યોજના હેઠળ લોકોને લોન અપાવી છે.

ફકત વર્ષ-૨૦૨૩માં જે લોકો વ્યાજખોરીમાં બરબાદ થઈ ગયા છે તેવા લાચાર અસહાય લોકોને મદદ કરવા માટે જુદી જુદી બેંકોની મદદથી રાજ્યના ૩૮ પોલીસ જીલ્લાઓમાં લોન મેળાઓનું આયોજન કરી ૨૧૯૭૮ લોકોને ૨૬૨ કરોડની લોન અપાવવાનું કામ કરવામાં આવ્યુ છે.

સમગ્ર રાજ્યમાં ડ્રાઇવ દરમિયાન યોજાયેલા લોક દરબાર અંગે પુછાયેલા પુરક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા મંત્રીએ કહ્યુ કે,૨૧ જૂન ૨૦૨૪થી ૩૧ જુલાઈ ૨૦૨૪ સુધીની વ્યાજખોરો વિરૂધ્ધની ઝુંબેશ દરમ્યાન સમગ્ર રાજ્યમાં કુલ ૧૬૪૮ લોકદરબારો યોજવામાં આવ્યા હતા. જેમાં ૭૪૮૪૮ લોકો હાજર રહ્યા હતા.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *