NASA,તા.31
NASA અને બોઈંગે સાથે મળીને એ નિર્ણય લીધો છે કે, 6 સપ્ટેમ્બર 2024ના રોજ મોડી રાત્રે લગભગ 3:15 વાગ્યા આસપાસ સ્ટારલાઇનર કેપ્સ્યુલ સ્પેસ સ્ટેશનથી અલગ થશે. 7 સપ્ટેમ્બરના રોજ સવારે લગભગ 10:00 વાગ્યે તે પૃથ્વી પર લેન્ડ થશે. લેન્ડિંગ ન્યૂ મેક્સિકોના વ્હાઈટ સેન્ડસ સ્પેસ હાર્બરમાં કરાવવામાં આવશે.
NASA પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને વેબસાઈટ પર તેનું લાઈવ પ્રસારણ પણ કરશે. આ એ જ સ્પેસક્રાફ્ટ છે જેના દ્વારા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર 5 જૂનના રોજ સ્પેસ સ્ટેશન ગયા હતા. 8 દિવસ બાદ તેઓ આ જ યાન દ્વારા પરત ફરવાના હતા, પરંતુ ટેકનિકલ ખામીના કારણે બંને સ્પેસ સ્ટેશન પર અટકી ગયા છે.
સ્ટારલાઇનરને ખાલી લેન્ડ કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો?
અગાઉના બે અકસ્માતો નાસાના વિજ્ઞાનીઓ અને વહીવટીતંત્રના મગજમાં ઘર કરી ગયા છે. જેના કારણે સ્ટારલાઇનરને ખાલી લેન્ડ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અકસ્માતો છે- ચેલેન્જર અને કોલંબિયા સ્પેસ શટલ અકસ્માત. આ અકસ્માતોથી NASAના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સન એટલા પ્રભાવિત છે કે તેમણે સ્ટારલાઇનરને ખાલી લેન્ડ કરાવવાનો નિર્ણય લીધો છે.
કોલંબિયા સ્પેસ શટલ અકસ્માત 1 ફેબ્રુઆરી 2003ના રોજ થયો હતો. ચેલેન્જર અકસ્માત જાન્યુઆરી 1986માં થયો હતો. બંને અકસ્માતોમાં નાસાના કુલ 14 એસ્ટ્રોનોટ્સ માર્યા ગયા હતા. જેમાં ભારતીય મૂળની કલ્પના ચાવલા પણ હતી.
સ્ટારલાઇનરની આખી સ્ટોરી
સુનીતા વિલિયમ્સ જે સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ દ્વારા સ્ટેશન ગયા છે તે તેની પ્રથમ માનવયુક્ત ટ્રાયલ ઉડાન હતી. જો તમે સ્ટારલાઇનરની આખી સ્ટોરી વાંચશો તો તમને ખબર પડશે કે આ અવકાશયાન શરૂઆતથી અંત સુધી સમસ્યાઓથી ઘેરાયેલું રહ્યું છે.
બોઇંગ ડિફેન્સ, સ્પેસ એન્ડ સિક્યોરિટી કંપનીએ અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશન સુધી પહોંચાડવા અને લાવવા માટે સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટનું નિર્માણ કર્યું હતું. નાસાએ કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ હેઠળ બોઈંગને આ સ્પેસક્રાફ્ટ બનાવવા માટે કહ્યું. કરોડો-અબજોનું ફંડિંગ કર્યું. આ સ્પેસક્રાફ્ટનું મોડલ પ્રથમ વખત 2010માં રજૂ કરવામાં આવ્યું હતું.
નાસાએ ઓક્ટોબર 2011માં બોઇંગને સ્પેસક્રાફ્ટ બનાવવા માટે લીલી ઝંડી આપી હતી. સ્ટારલાઇનરને બનતા 6 વર્ષ લાગી ગયા અને તે2017માં બન્યું. ટેસ્ટ ફ્લાઇટ્સ 2019 સુધી ચાલુ રહી. આ ફ્લાઈટ્સમાં કોઈ માણસો સામેલ ન હતા. પ્રથમ માનવરહિત ઓર્બિટલ ફ્લાઇટ પરીક્ષણ 20 ડિસેમ્બર 2019 ના રોજ થયું હતું. આ ફ્લાઈટમાં કોઈ માણસો ન હતા.
સોફ્ટવેરની બે ખામીઓને કારણે તે બીજી ભ્રમણકક્ષામાં પહોંચી ગયું. સ્પેસ સ્ટેશનથી ડોકિંગ ન થઈ શકી. બે દિવસ પછી ન્યૂ મેક્સિકોમાં વ્હાઇટ સેન્ડ્સ મિસાઇલ રેન્જ પર લેન્ડ થયું.
સ્ટારલાઇનરની બીજી ઉડાન પણ ખામી વાળી
બીજી માનવરહિત ઉડાન 6 એપ્રિલ 2020ના રોજ થઈ હતી. તેનો ઉદ્દેશ્ય સ્પેસ સ્ટેશન સુધી જવાનો હતો. ડોકિંગ કરવાનું હતું. પરત ફરવાનું હતું પરંતુ લોન્ચિંગ ટાળવું પડ્યું હતું. ઓગસ્ટ 2021માં લોન્ચની તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ પછી સ્પેસક્રાફ્ટના 13 પ્રોપલ્શન વાલ્વમાં ખામીઓ સામે આવી હતી.
ત્યારબાદ બોઇંગે આખા સ્પેસક્રાફ્ટને ફરીથી બનાવ્યું. મે 2022માં ટ્રાયલ ફ્લાઈટ માટે તૈયારીઓ કરવામાં આવી હતી. સ્ટારલાઇનરે 19 મે 2022ના રોજ ફરી ઉડાન ભરી. આ વખતે તેમાં બે ડમી અવકાશયાત્રીઓ બેસાડવામાં આવ્યા હતા. એટલે કે માણસો જેવા દેખાતા નિર્જીવ મોડેલ. પરંતુ ઓર્બિટલ મેન્યૂવરિંગ અને એટીટ્યૂડ કંટ્રોલ સિસ્ટમ થ્રસ્ટર્સ ફેલ થઈ ગઈ.
કોઈક રીતે 22 મે 2022ના રોજ સ્ટારલાઇનરને સ્પેસ સ્ટેશન સાથે જોડવામાં આવ્યું. 25 મે 2022ના રોજ સ્ટારલાઇનર સ્પેસ સ્ટેશનથી પરત પૃથ્વી આવ્યું. રીએન્ટ્રી સમયે સ્પેસક્રાફ્ટથી નેવિગેશન સિસ્ટમ ખરાબ થઈ. કમ્યૂનિકેશનમાં ખામી સર્જાઈ. આ સાથે જ જીપીએસ સેટેલાઈટ સાથે કનેક્શન તૂટ્યું. પરંતુ બોઈંગે કહ્યું કે, આ સામાન્ય છે.
ત્રીજી ઉડાન
ત્રીજી માનવયુક્ત ઉડાન વર્ષ 2017માં નક્કી કરવામાં આવી હતી. પરંતુ વિવિધ કારણોસર વિલંબ થતાં તે જુલાઈ 2023 સુધી આવી ગઈ. 1 જૂન 2023ના રોજ બોઇંગે કહ્યું કે અમે આ ઉડાનને ટાળી રહ્યા છીએ. 7 ઓગસ્ટ 2023ના રોજ કંપનીએ કહ્યું કે સ્પેસક્રાફ્ટની તમામ સમસ્યાઓ હલ થઈ ગઈ છે. આગામી ઉડાન 6 મે 2024 ના રોજ નક્કી કરવામાં આવી હતી. એટલે કે આ વર્ષે.
પરંતુ આ લોન્ચિંગ ફરી ટાળવામાં આવી. કારણ કે એટલસ રોકેટમાં ઓક્સિજન વાલ્વમાં થોડી સમસ્યા આવી રહી હતી. ત્યારબાદ સ્પેસક્રાફ્ટમાં હિલિયમ લીક થવાને કારણે લોન્ચિંગ ટાળવામાં આવ્યું. 5 જૂનના રોજ સુનિતા વિલિયમ્સ અને બેરી બૂચ વિલમોર આ સ્પેસક્રાફ્ટને લઈને અવકાશ માટે રવાના થયા હતા. તેઓ 13 જૂને 8 દિવસ પછી પાછા ફરવાના હતા પરંતુ હજુ સુધી તેઓ સ્પેસ સ્ટેશન પર જ ફસાયેલા છે.
આ સ્ટારલાઇનરની પ્રથમ માનવયુક્ત ઉડાન હતી……..
સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટની આ પ્રથમ માનવયુક્ત ઉડાન છે. એટલે કે તે સુનીતા અને બેરી સાથે સ્પેસ સ્ટેશન માટે ઉડાન ભરી છે. અવકાશ યાત્રા હંમેશા જોખમોથી ભરેલી રહી છે. પરંતુ આ મિશને તો બોઇંગ માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. સવાલ એ થાય છે કે શું આપણા અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશન પર જોખમમાં છે?
સ્પેસ સ્ટેશન એક સમયે આઠ સ્પેસક્રાફ્ટને ડોક કરી શકે છે. એટલે કે અહીં કોઈપણ સમયે નવા સ્પેસક્રાફ્ટને જોડવાની શક્યતા છે. 365 ફૂટ લાંબા સ્પેસ સ્ટેશનમાં પૂરતી જગ્યા છે, જ્યાં સુનિતા વિલિયમ્સ આરામથી અને સુરક્ષિત રીતે રહી શકે છે. જો સ્પેસક્રાફ્ટમાં કોઈ સમસ્યા હોય તો તેને કોઈપણ સમયે પૃથ્વી પર પરત મોકલી શકાય છે. જે વિલંબ થઈ રહ્યો છે તે સાવચેતીના કારણે થઈ રહ્યો છે.