Prayagraj,તા.18
પ્રયાગરાજ જંક્શનના સિટી સાઈડમાં સંગમ સ્નાન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ભીડ ગઈકાલે રાત્રે 10 વાગ્યે અચાનક વધી જતાં 10.30 વાગ્યે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે કોઈ દુર્ઘટના ન ઘટે તેની અગમચેતી સાથે રેલવે તંત્રે જંક્શન પર શ્રદ્ધાળુઓનો પ્રવેશ અટકાવી દીધો હતો.
શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે પ્રયાગરાજ જંક્શન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ અને રેલવે તંત્રે એલર્ટ જારી કરી શ્રદ્ધાળુઓને ખુસરોબાગ તરફ ડાયવર્ટ કર્યા હતા. તેમજ નાસભાગ ન થાય તે માટે મુસાફરોને ધીરજથી કામ લેવા સલાહ આપી હતી.
ભીડ વધતાં રેલવે તંત્રે પ્લેટફોર્મ પર મહાકુંભ સ્પેશિયલ ટ્રેનોને એક પછી એક ઝડપથી રવાના કરી હતી. પ્લેટફોર્મ એકથી માંડી પાંચ સુધી છ જેટલી ટ્રેન પંડિત દિનદયાલ ઉપાધ્યાય, કાનપુર, માનિકપુર રૂટ તરફ રવાના કરવામાં આવી હતી. આરપીએફ અને રેલવે સ્ટાફને મુસાફરોને કતારમાં સ્ટેશન પહોંચાડ્યા હતા, જેથી ધક્કા-મુક્કી ન થાય. અડધા કલાકની અંદર જ પ્રયાગરાજ જંક્શનના પેસેન્જર રૂમ ખાલી કરી દેવામાં આવ્યા હતાં. ભીડ ઓછી થતાં વખુસરોબાગથી શ્રદ્ધાળુઓને સ્ટેશન તરફ જવાની મંજૂરી આપવામાં આ હતી. આરપીએફ અને રેલવે સ્ટાફે સતર્કતા સાથે સ્થિતિ સંભાળી હતી. જેથી બાદમાં અવરજવર રાબેતા મુજબ શરૂ થઈ હતી.
રેલવે તંત્ર દ્વારા જંક્શન પર પ્રવેશ બંધ કરી દેતાં લોકોએ બૂમાબૂમ કરી હતી. જો કે, આરપીએફ અને રેલવે સ્ટાફે સમય સૂચકતા સાથે કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે, જંક્શનના યાત્રાળુઓને આશ્રય સ્થળ પર ઉપસ્થિત શ્રદ્ધાળુ સ્પેશિયલ ટ્રેનમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતાં. ત્યારબાદ સ્થિતિ સામાન્ય થઈ હતી. ભારે ભીડના કારણે 30 મિનિટ સુધી યાત્રીઓનો જંક્શન પર પ્રવેશ બંધ રહ્યો હતો.