Ayodhya,તા.10
રામ મંદિર પર હુમલો કરવાનાં ષડયંત્રમાં આરોપીઓની ધરપકડ બાદ હવે ચૈત્ર રામ નવમી પર અહીં આવનારાં સંભવિત 30 લાખ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પ્રશાસન એલર્ટ મોડ પર છે. હોળી, રમજાન અને રામનવમીના તહેવારોની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ તકેદારી લેવાનું શરૂ કર્યું છે.
આ સાથે જ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા રામનવમી પર આવનારાં શ્રદ્ધાળુઓના સરળ અને સુવિધાજનક દર્શનની વ્યવસ્થા કરવા માટે પોતાની યોજના મુજબની કામગીરી શરૂ કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ રામનવમી પહેલાં મંદિરનાં પહેલાં માળે રામ દરબારની મૂર્તિઓ સ્થાપિત કરવા માંગે છે.
જયપુરમાં ભગવાન રામ, માતા જાનકી અને ત્રણેય ભાઈઓની મૂર્તિઓનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે, જેને ટૂંક સમયમાં અયોધ્યા લાવવામાં આવશે.
મહાકુંભની દોઢ મહિના સુધી ચાલેલી ભીડ વ્યવસ્થામાંથી બહાર આવ્યાં બાદ હવે મંદિર ટ્રસ્ટને ભારે વ્યવસ્થિત મેનેજ કરવાની મુશ્કેલીઓને સમજવાનો નવો અનુભવ થયો છે. જેને પહોંચી વળવા મંદિર ટ્રસ્ટ વ્યવસ્થામાં ફેરફાર કરી રહ્યું છે.
ચૈત્ર રામ નવમી પર ભગવાન રામની જન્મ જયંતિની પૂર્ણ ભવ્યતા સાથે ઉજવણી કરવા માટે લાખો ભક્તોને સુલભ અને સુવિધાજનક દર્શનની યોજના પર કામ શરૂ થઈ ગયું છે. મહાકુંભની ભીડનો અનુભવ લઇ ભીડ વ્યવસ્થા સાથે રામલલ્લાના દર્શનની વ્યવસ્થા કરવા માટે સુવિધાજનક આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ સમય દરમિયાન બાંધકામના કામોની સમીક્ષા કરવામાં આવી રહી છે ત્યારે દર્શનાર્થે ભાવિકોને કોઈ પણ પ્રકારની તકલીફ અને અગવડતા ન પડે તે માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે
રામ મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટી ડો.અનિલ મિશ્રાના જણાવ્યાં અનુસાર, ઉનાળાની ઋતુમાં રામનવમી દરમિયાન દર્શન માર્ગની ઉપરનાં સમગ્ર વિસ્તારને આવરી લેવા માટે છત્રનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મંદિર પરિસરની અંદર પ્રવેશ દ્વારથી દર્શન પથ સુધીનાં વિસ્તારને ઢાંકી દેવામાં આવશે જેનું નિર્માણ કામ એલ એન્ડ ટી અને પીએફસીને સોંપવામાં આવ્યું છે.
છતના નિર્માણ માટે સામગ્રી એકત્રિત કરવાનું કામ શરૂ થઈ ગયું છે. છત લગભગ 600 મીટરની લંબાઈમાં બનાવવામાં આવશે. પીવાના શુદ્ધ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો માટે લોકરની સંખ્યા વધારવામાં આવી રહી છે. વીઆઈપી ગેટ નંબર 11 બંધ કરીને ગેટ નંબર 3થી શ્રદ્ધાળુઓને મોકલવામાં આવશે. તેની પાસે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રામ મંદિર પર હુમલો કરવાનાં ષડયંત્રને પગલે આ વર્ષે રામનવમીનો મેળો વહીવટી તંત્ર માટે પણ પડકારજનક છે. આગામી તા.14 માર્ચ 2025ના રોજ હોળીના તહેવારને સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ ચંદ્ર વિજયસિંહની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાગૃહમાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં વહીવટી અને પોલીસ વિભાગ, વેપારી મંડળ, શાંતિ સમિતિ અને હોળીના તહેવારની ઉજવણી કરતી સમિતિઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. અચાનક બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ડીએમ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકે સંવેદનશીલ સ્થળોને ચિહ્નિત કર્યા હતાં અને કડક સુરક્ષા વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી. આગામી હોળી, રમઝાન અને નવરાત્રીના તહેવારો માટે કંટ્રોલ રૂમ તથા મહાનગરપાલિકા કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે.
13 માર્ચનાં રોજ હોલિકા દહન પર્વ અને 14 માર્ચે હોળીના તહેવારની શાંતિપૂર્ણ રીતે પૂર્ણાહુતિ થાય તે માટે મુખ્યાલયની સાથે તહસીલો અને નગરોમાં સમિતિઓની બેઠકો યોજવાની સૂચના આપવામાં આવી છે.