આરોગ્ય વિભાગના આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ય વિગત અનુસાર દેશમાં જીવનશૈલી આધારિત હાઈપર ટેન્શન અને ડાયાબિટીસનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. આ રોગોને નાથવા માટે સમગ્ર દેશમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજવાનો નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો છે. તે મુજબ ૩૦ વર્ષની વધુ વયના હોય તેવા નાગરિકોના બ્લડપ્રેસર અને સ્યુગર લેવલની તપાસ કરવામાં આવનાર છે. આ પ્રમાણે ભાવનગર જિલ્લામાં હાલ ૩૦ વર્ષથી વધુ વય હોય તેવા ૯ લાખ ૧૧ હજાર જેટલા નાગરિક છે.
૩૦ વર્ષથી વધુ વય ધરાવતા જિલ્લાના નાગરિકોને ભાવનગરની સર ટી. હોસ્પિટલ, પાલિતાણાની ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને મહુવાની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટર્સમાં નાગરિકોને બી.પી. અને સ્યુગર ચેક કરી અપાશે.
દરમિયાનમાં, શહેરની સર ટી. હોસ્પિટલમાં ગઈ કાલ તા. ૪ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષસ્થાને તબીબી સ્ટાફની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, તો સર ટી. હોસ્પિટલમાં આ માટેની ઓપીડી કાર્યરત છે જ, પરંતુ આ સ્પેશિયલ ડ્રાઈવને અનુલક્ષીને તા. ૩૧મી માર્ચ સુધી બપોરે ૩ વાગ્યાથી ૫ વાગ્યા દરમિયાન સ્પેશિયલ ઓપીડીનો શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત સ્પેશિયલ ડોક્ટર્સને નોમિનેટ કરી દેવામાં આવ્યા છે અને આજથી આ સ્પેશિયલ ઓપીડીનો મેડિસિન ડિપાર્ટમેન્ટમાં રૂમ નં.૬૨, ૬૩, ૬૪ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમ સૂત્રોએ જણાવ્યું હતું.