Hyderabad,તા.૫
બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને મળ્યા અને રાજ્યમાં આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે ચાર એમ્બ્યુલન્સનું દાન કર્યું. અભિનેતાએ સૂદ ચેરિટી ફાઉન્ડેશનને આપેલા સમર્થન બદલ સીએમ નાયડુનો આભાર માન્યો અને કૃતજ્ઞતા વ્યક્ત કરી.
સોનુ સૂદે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથેની તસવીરોની શ્રેણી શેર કરી જેમાં તે મુખ્યમંત્રીનું સ્વાગત કરતા અને તેમની સાથે પોઝ આપતા જોવા મળ્યા. અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, “જીવન બચાવવા માટે એમ્બ્યુલન્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આંધ્રપ્રદેશ રાજ્યને ચાર એમ્બ્યુલન્સનું દાન કરીને દર્દીઓને સમયસર સારવાર પૂરી પાડવાની આ સફર શરૂ કરીને મને આનંદ થાય છે. સ્વસ્થ ભારત તરફ કામ કરવાના અમારા પ્રયાસો ચાલુ રાખવા માટે સમર્થન અને માર્ગદર્શન આપવા બદલ ચંદ્રબાબુ નાયડુ સરનો હૃદયપૂર્વક આભાર.”
સોનુ સૂદને મળ્યા બાદ સીએમ ચંદ્રબાબુ નાયડુએ પણ ખુશી વ્યક્ત કરી. તેમણે રાજ્યને ચાર એમ્બ્યુલન્સ દાન કરવા બદલ અભિનેતાનો આભાર માન્યો. મુખ્યમંત્રીએ તેમના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પર લખ્યું, “સોનુ સૂદ, તમને મળીને આનંદ થયો અને સોનુ સૂદ ફાઉન્ડેશન દ્વારા આંધ્રપ્રદેશને એમ્બ્યુલન્સ દાન કરવા બદલ આભાર. તમારી પ્રશંસનીય પહેલ આરોગ્યસંભાળ સેવાઓને મજબૂત બનાવશે અને દૂરના વિસ્તારોમાં સમયસર તબીબી સંભાળ પહોંચાડશે.”
અભિનેતા સોનુ સૂદ છેલ્લે તેમની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ ’ફતેહ’માં જોવા મળ્યા હતા. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સંતોષકારક પ્રદર્શન કરી શકી ન હતી. સોનુ સૂદની ફિલ્મે વિશ્વભરમાં ૧૯ કરોડ રૂપિયાની કમાણી કરી. આ ફિલ્મે ભારતમાં ૧૩.૩ કરોડની કમાણી કરી.