Somnath,તા.8
દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં દેશ-વિદેશથી લાખો ભાવિકો દર્શન કરવા આવે છે. ત્યારે સોમનાથના નામે ઓનલાઇન ચીટિંગના બનાવો સામે આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પર બુકિંગ કર્યા વગર અન્ય માધ્યમોથી બુકિંગ કરતા ભાવિકો સાથે છેતરપિંડી થઈ રહી છે.
છેલ્લા દોઢ વર્ષમાં આવા 22 જેટલા બનાવોની ફરિયાદો નોંધાઈ છે. જેમાં યાત્રિકોને રહેવા-જમવાની સુવિધા આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
સોમનાથ આવતા યાત્રિકો પોતાના પરિવારજનો માટે ઓનલાઇન બુકિંગ કરાવતા હોય છે. આનો લાભ લઈ કેટલાક લોકો સોમનાથના નામે ફેક વેબસાઇટ બનાવી છે અને યાત્રિકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આવા ઠગો યાત્રિકોને રહેવા-જમવા સહિતની સુવિધાઓ પોતે અપાવી દેશે તેમ કહી પૈસા પડાવી લે છે અને પછી ફરાર થઈ જાય છે.
2022માં આગળના અન્ય બનાવો સહિતની ફરિયાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ અગાઉ પણ ફરિયાદ આપેલી હતી. આ બનાવમાં પોલીસ અને સાઇબર ક્રાઇમ સહિતનો સ્ટાફ તપાસ કરી રહ્યો છે.
આમ છતાં પોલીસ વિભાગની અપીલ છે કે સોમનાથ ટ્રસ્ટની ઓફિસિયલ વેબસાઈટ (સોમનાથ ડોટ ઓઆરજી) પરથી જ લોકોએ પોતાનું બુકિંગ કરાવવું જરૂરી છે. આવા બનાવવામાં સાવતચેતી જ સલામતી છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ આવા 250 થી વધુ બનાવો બન્યા હોવાનું કહેવાયું છે. આવા બનાવમાં રૂપિયા 80 હજાર થી વધારે ચીટીંગ થયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે આવા ઘણા બનાવોમાં ફરિયાદ નોંધી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
સોમનાથ ટ્રસ્ટની અપીલ
સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓએ યાત્રિકોને અપીલ કરી છે કે તેઓ સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ (સોમનાથ ડોટ ઓઆરજી) પરથી જ બુકિંગ કરાવે. અન્ય કોઈ પણ વેબસાઇટ પર બુકિંગ કરતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ.
યાત્રિકોને સલાહ
સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ બુકિંગ કરો.
અજાણી વેબસાઇટ પર બુકિંગ કરતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લો.
કોઈપણ અજાણી વ્યક્તિને પૈસા ન આપો.
બેંક ખાતાની વિગતો કોઈને ન આપો.
જો તમારી સાથે કોઈ છેતરપિંડી થાય તો તરત જ પોલીસને જાણ કરો.