જાહેર રસ્તા ઉપર કલર ઉડાડવા, ફુગ્ગા ના ઘા કરવા કે તૈલી પદાર્થનો રાહદારીઓ ઉપર ઘા કરવા ઉપર પ્રતિબંધ
Rajkot, તા.૭
હોળી એ ઉત્સાહ અને ઉજવણીનો તહેવાર છે. આ તહેવારે આખો દેશ રંગોથી રંગાતું હોય છે. ત્યારે ઉજવણી જ્યારે મર્યાદા વટાવી જાય ત્યારે રંગમાં ભંગ પડતો હોય છે. ત્યારે આવું જ કંઈક ન થાય તે માટે રાજકોટ પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ, શહેરમાં હોળીના તહેવાર પર કેટલાક પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા હોળી અને ધુળેટીના તહેવારને લઈને જાહેરનામાનું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ, જાહેર રસ્તા ઉપર કલર ઉડાડવા, ફુગ્ગા ના ઘા કરવા કે તૈલી પદાર્થનો રાહદારીઓ ઉપર ઘા કરવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે. સાથે જ રંગોના તહેવારમાં મહિલાઓ, બાળકો અને રાહદારીઓ ઉપર કલરના કે પાણીના ભરેલા ફુગ્ગાઓ ઉડાડવા ઉપર પણ મનાઈ છે. હોળી અને ધુળેટી બંને દિવસે પોલીસ સઘન પેટ્રોલિંગ કરશે. છાકટા બનેલા અસામાજિક માનસિકતા ધરાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આગામી તા.૧૩/૦૩/૨૦૨૫ ના રોજ હોળી તથા તા.૧૪/૦૩/૨૦૨૫ ના રોજ ધુળેટી પર્વની ઉજવણી થનાર છે. આ ધાર્મિક તેમજ સામાજીક પર્વની ઉજવણી રાજકોટ શહેરના જુદા-જુદા મહોલ્લાઓ, સાર્વજનીક જગ્યાઓ, ધાર્મિક જગ્યાઓમાં થતી હોય છે. સદરહું ઉત્સવમાં પુરૂષો, સ્ત્રીઓ તથા બાળકો જાહેર રસ્તાઓ, જાહેર જગ્યાઓએ જતાં આવતાં રાહદારીઓ ઉપર તથા એક બીજા ઉપર કોરા રંગ (પાવડર), પાણી ભરેલા ફુગ્ગાઓ તેમજ રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ, કાદવ, રંગ મિશ્રિત પાણી, અથવા તૈલી પદાર્થો, કે તૈલી વસ્તુઓ ફેંકતાં હોય છે જેને લીધે જાહેર રસ્તાઓ/શેરીઓ/ગલીઓમાં ચાલતા જાહેર જનતાને અડચણ, ત્રાસ અથવા ઇજા થવાની તેમજ જાહેર સલામતી જોખમાય અને કોમી લાગણી ઉશ્કેરાય તેવી શકયતા નકારી શકાય નહીં.
રાજકોટ શહેરની વર્તમાન પરીસ્થિતિને લક્ષમાં લઈ સામાન્ય સંજોગોમાં હોળી-ધુળેટીના તહેવારની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તા ઉપર મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. આ હોળી પર્વની ઉજવણી શાંતી અને કોમી એખલાશ ભર્યા વાતાવરણમાં થાય અને જાહેર સલામતી તેમજ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે નીચે મુજબના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ મુકવાની આવશ્યકતા જણાય છે.
હોળી તેમજ ધુળેટીના તહેવાર દરમ્યાન કોઈપણ પુરૂષો, સ્ત્રીઓ તથા બાળકો જાહેર રસ્તાઓ ઉપર કે જાહેર જગ્યાઓ ઉપર જતાં આવતાં રાહદારીઓ ઉપર કે એક બીજા ઉપર કોરા રંગ (પાવડર), પાણી ભરેલા ફુગ્ગાઓ તેમજ રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ, કાદવ, રંગ મિશ્રિત પાણી, અથવા તૈલી પદાર્થો કે તૈલી વસ્તુઓ ફેંકવા નહી અને તે માટેના સાધનો પોતાની સાથે લઈ જવા નહી તથા હોળી ધુળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા નહી તેમજ જાહેર રસ્તાઓ ઉપર આમ તેમ દોડવું નહી કે અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનુ વર્તન કરવું નહી કે જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ થાય કે અકસ્માત થાય કે કોઈને કે પોતાને ઈજા કે હાની થાય તેવી કોઈપણ પ્રવૃતિથી ટ્રાફિકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અડચણ કરવું નહી.આ હુકમનો અમલ તા.૧૩/૦૩/૨૦૨૫ ના ૭.૦૦/૦૦ થી તા.૧૪/૦૩/૨૦૨૫ ના ક.૨૪/૦૦ સુધીનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી)-૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર છે.