તંદુરસ્ત, સરસ દાંપત્યમાં પતિ-પત્ની વચ્ચે નોંકઝોંક ચાલતી જ રહે છે. જો એ નોંકઝોંક ન હોય ને બધું સુષ્ઠુ – સુષ્ઠુ જ હોય તો સંસાર નીરસ થઈ જાય, પણ એ નાની વાતો ઝઘડાનું, મનદુઃખનું કારણ ન બની જાય એ જોવું જરૂરી છે. સંસારની સરગમ જેવી તું… તું… મૈં… મૈં…ને કયાંક તો બ્રેક મારવી જ પડે. સ્ત્રીઓને તો હંમેશાં સલાહ સૂચન આપવામાં આવતા હોય છે. આજે થોડી ટીપ્સ પુરુષોને પણ આપવી પડેને! સિગમન્ડ ફ્રોઈડે કહ્યું હતું, તાજેતરમાં થયેલા સંશોધનો એવું જણાવે છે કે સ્ત્રી અને પુરુષ બંને જુદી જુદી રીતે વિચારે છે. જેને કારણે એમ કહી શકાય કે તેમની ગતિવિધિ અને દલીલબાજી પણ અલગ જ રહેવાની. સ્વાભાવિક છે મુશ્કેલી ઊભી થવાની. પુરુષો કદી સ્ત્રીઓને સંપૂર્ણપણે સમજી શકવાના નથી, પણ સ્ત્રીના હોટ-બટન ઈશ્યુઝ તો સમજી શકાય ને? પણ આ હોટ બટન એટલે શું? લો, તમને સમજાવી દઈએ. પત્નીના દેખાવ, કપડાં, વાળ, સ્ટાઈલ વગેરે માટે નકારાત્મક કમેન્ટસ આપવાનું ટાળો, ભૂલમાંયે એવું ન બોલતા કે, ‘‘તે પહેરેલાં ડ્રેસ વધુ પડતાં ચુસ્ત નથી લાગતા?’ તમને ખરેખર એમ લાગતું હોય પણ બોલતા નહીં, વખાણ ન કરતા પણ ટેકટફૂલી કહેજો. દંભ પસંદ ન હોય જો ભૂલચૂકમાંયે તમે તેના ‘ન્યુ લુક’ માટે ઉછળી ઉછળીને અભિપ્રાય આપવાની જરૂર નથી. અને હા, નવા પગરખાંના વખાણ કરી લેજો. તમને ખ્યાલ જ હશે કે સ્ત્રીઓ પોતાના દેખાવ માટે બહુ જ સેન્સીટીવ હોય છે. ખાસ કરીને પોતાના વજન અને વાળ માટે. સ્ત્રી જ્યારે પોતાના ‘વધેલા વજન’ માટે સવાલ પૂછે ત્યારે તમારે વધારે પ્રામાણિક બનવાની જરૂર નથી. ૧૦૦ ટકા પ્રામાણિક થવા કરતાં કહેજો કિલો- બે કિલો ઓછું કરાય તો ઠીક. બાકી વજન એવું કંઈ વધારે નથી. પત્નીએ કરેલી રસોઈ માટે પણ નકારાત્મક ટિપ્પણી ન કરતા. મમ્મીની પુરણપોળી સાથે પત્નીની બનાવેલી પુરણપોળીની સરખામણી તો ભૂલેચૂકે ન કરતા. પત્નીનો જો કોઈ ભૂતકાળ હોય તો તેના વિષે કદી ખરાબ ન બોલતા. એનો ભૂતપૂર્વ પતિ કે પ્રેમી ગમે એટલો ખરાબ હશે અને તમે તેના વિષે ઘસાતું બોલશો તો પ્રોબ્લેમ થશે. એ જ રીતે તમારી ભૂતકાળની ગર્લફ્રેન્ડની સરખામણી પત્ની સાથે કરવાની અક્ષમ્ય ભૂલ કદીયે ન કરતા. આર્થિક ક્ષેત્રે પત્નીના ખર્ચમાં માથું ન મારો. તેના પૈસા કંઈ તમારા પૈસા નથી. પત્ની જો ૧૦,૦૦૦ રૂપિયાનો ડ્રેસ ખરીદે છે તો તે એની પસંદગી છે જો તે કમાતી હોય તો. હા, પ્રેમથી જો એને સમજાવી શકાય તેમ હોય તો તેમ કરવા પ્રયત્ન કરો. એમ તો તમે પણ કયાં મોંઘુંદાટ કારટેપ નથી ખરીદતા? પત્નીના મિત્રો વિષે ખરાબ બોલતા સો વાર વિચારજો, જો તમારે તેમના માટે કંઈ સારું બોલવાનું ન હોય તો કાંઈ જ ન બોલશો. તમે તેમને મૂર્ખ અથવા પંચાતિયા સમજતા હશો પણ આવી ટિપ્પણી જંગ તરફ દોરી જઈ શકે છે!પત્ની જ્યારે તેના બોસ વિષે ફરિયાદ કરતી હોય ત્યારે કોઈ સલાહસૂચન કરશો નહીં, ફકત માથું હલાવે રાખવું, તમને કોઈ પ્રશ્ન પૂછયા વગર જો તમે તમારા જ્ઞાનનું પ્રદર્શન કરવાનું વિચારશો તો બાજી બગડી શકે છે.પત્નીના પરિવારજનો વિષે કદી વાંકું બોલશો નહીં. એ પોતાના પરિવાર, તેના પરિવાર માટે કોઈ અપમાનજનક બાબત બોલતા નહીં, પરિવારનું અપમાન એ તેનું પોતાનું અપમાન છે.
વિવાહીત જીવનમાં નાના ઝગડા જરુરી!!
