Mumbai,તા.23
વર્તમાન નાણાં વર્ષના જૂન ત્રિમાસિકમાં કોર્પોરેટ લોન્સમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે જે કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં વધારો થઈ રહ્યાનું સૂચવે છે. દેશની વીસ જેટલી ખાનગી તથા જાહેર ક્ષેત્રની બેન્કોની લોન બુકના એક રિસર્ચ પેઢી દ્વારા કરાયેલા વિશ્લેષણમાં જૂન ત્રિમાસિકમાં કોર્પોેરેટ લોનમાં ૨૧ ટકા વૃદ્ધિ થયાનું જોવા મળ્યું છે. જો કે નાની કંપનીઓ માટે લોન્સ મેળવવાનું હજુપણ કઠીન બની રહ્યું છે.
લોન બુકમાં વૃદ્ધિને જોતા ખાનગી કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં વધારો કરાઈ રહ્યો હોવાનું કહી શકાય એમ છે.
રિઝર્વ બેન્કના ઓગસ્ટના બુલેટિનમાં પણ વર્તમાન નાણાં વર્ષમાં મૂડીખર્ચ વધી રૂપિયા ૨.૪૫ લાખ કરોડ રહેવાનો અંદાજ મુકાયો છે જે ગયા નાણાં વર્ષમાં રૂપિયા ૧.૫૯ લાખ કરોડ રહ્યો હતો.
એસબીઆઈની આગેવાની હેઠળ બેન્કોની કોર્પોરેટ લોન બુકમાં વધારો જોવા મળ્યો છે. જૂન ત્રિમાસિકમાં એસબીઆઈની કોર્પોરેટ લોન બુક રૂપિયા ૧.૫૭ લાખ કરોડ વધી રૂપિયા ૧૧.૩૯ લાખ કરોડ પહોંચી હતી. દેશમાં ખાનગી મૂડી ખર્ચમાં તબક્કાવાર વધારો થઈ રહ્યો છે તેવા રિઝર્વ બેન્કે તાજેતરમાં કરેલા દાવાને કોર્પોરેટ લોનમાં વૃદ્ધિ ટેકો આપે છે.
નાણાં વર્ષ ૨૦૨૪માં અંદાજે ૯૪૪ પ્રોજેકટસને બેન્કો તથા નાણાં સંસ્થાઓનો ટેકો મળી રહ્યો હતો. આ ૯૪૪ પ્રોજેકટસનો અંદાજિત ખર્ચ રૂપિયા ૩,૯૦,૯૭૮ કરોડ આંકવામાં આવ્યો હતો. નાણાં વર્ષ ૨૦૨૩માં રૂપિયા ૨,૬૬,૫૪૬ કરોડના ખર્ચ સાથેના ૫૪૭ પ્રોજેકટસને બેન્કો તથા નાણાં સંસ્થાઓનો ટેકો મળી રહ્યો હતો.
કોરોનાના કાળ બાદ દેશમાં ખાનગી કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં તબક્કાવાર વધારો જોવા મળી રહ્યો છે.
જો કે અન્ય એક રિપોર્ટમાં એસેટસના અભાવે માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ)ને એસેટસના અભાવે નાણાંકીય ટેકો મળી રહેતો નહીં હોવાનો દાવો કરાયો હતો.
લોન મેળવવા કોલેટરલ તરીકે દર્શાવવા માટે નાના વેપાર ગૃહો પાસે પૂરતી એસેટસ નથી હોતી એમ રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર સ્વામિનાથન જેને રિપોર્ટમાં કહેતા ટંકાયા હતા.
NBFC માટે ભંડોળ એકત્ર કરવામાં પડકારો, AUM વૃદ્ધિ દર ઘટવાની ધારણા
નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) ભંડોળની ઉપલબ્ધતા સંબંધિત પડકારોનો સામનો કરી શકે છે. આ કારણે છેલ્લા બે નાણાકીય વર્ષમાં તેમના ઝડપી વિસ્તરણની સરખામણીમાં વૃદ્ધિ સુસ્ત રહી શકે છે. રેટિંગ એજન્સી ઈકરાના એક રિપોર્ટમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે.
અહેવાલમાં જણાવાયું છે કે એનબીએફસીની અસ્કયામતો અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) માં વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઘટીને ૧૩ થી ૧૫ ટકાની વચ્ચે રહી શકે છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં ૧૮ ટકા કરતાં ઓછો છે. વૃદ્ધિના માર્ગમાં સૌથી મોટો પડકાર ધિરાણ માટે ભંડોળ ઊભું કરવાનો છે.
અહેવાલમાં જણાવાયું છે કે એયુએમ વિસ્તરણ માટે જરૂરી અંદાજિત ડેટ ફાઇનાન્સિંગ રૂ. ૫.૬ થી રૂ. ૬ લાખ કરોડની વચ્ચે હશે. અહેવાલમાં જણાવાયું છે કે નોંધપાત્ર માંગ અને અપૂર્ણ ધિરાણની જરૂરિયાતો વચ્ચે, એનબીએફસી એયુએમ વૃદ્ધિની ગતિ ધીમી રહેવાની શક્યતા છે. તેઓ ભંડોળ એકત્ર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરે છે, જે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જોવામાં આવ્યું છે.