Mumbai,તા.06
રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો વનડે અને ટેસ્ટ કેપ્ટન કોણ હશે તે એક મોટો સવાલ છે. ચારેકોર રાહુલ, પંત, સૂર્યા, ગિલની ચર્ચા થઈ રહી છે તેવામાં આ સવાલ પર ટીમ ઈન્ડિયાના પૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે મોટો દાવો કર્યો છે. શ્રીધરે કહ્યું છે કે શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન બનવા જઈ રહ્યો છે. તેમના મતે રોહિતના નિવૃત્તિ બાદ શુભમન ગિલને વનડે અને ટેસ્ટ ટીમની કપ્તાની સોંપવામાં આવશે. શ્રીધરે પોતાના આ તર્ક પાછળનું કારણ પણ જણાવ્યું છે.
ગિલ વિશે શ્રીધરનો મોટો દાવો
આર શ્રીધરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, શુભમન ગિલ તમામ ફોર્મેટનો ખેલાડી છે અને તે રોહિત શર્માનો ઉત્તરાધિકારી બનશે. તે ટેસ્ટ અને વનડેમાં રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનશે. શ્રીધરે આશા વ્યક્ત કરી કે શુભમન ગિલ 2027ના વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનવા જઈ રહ્યો છે.
BCCIના તાજેતરના નિર્ણયોમાં શ્રીધરની સંભાવનાને હકારાત્મક પ્રતિસાદ પણ મળી રહ્યો છે. શ્રીલંકા સીરીઝ પહેલા જ ગિલને ટીમ ઈન્ડિયાનો ODI અને T20 વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ તેને વાઈસ કેપ્ટન બનાવવાના અહેવાલો સામે આવ્યા છે. હવે જોઈએ કે આગળ શું થાય છે પરંતુ વર્તમાન પરિસ્થિતિ આ દિશામાં ઈશારો કરી રહી છે.
ગિલ માટે કપરા ચઢાણ :
જોકે શુભમન ગિલ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનવું એટલું સરળ નથી. આ માટે સૌથી પહેલા તેણે પોતે વ્યક્તિગ ધોરણે સતત સારૂ પ્રદર્શન કરવું પડશે, જે હાલ આંકડાઓમાં શક્ય નથી દેખાઈ રહ્યું. ખાસ કરીને ટેસ્ટ અને ટી20 ફોર્મેટમાં સતત સારૂ પરફોર્મન્સ આપવામાં નિષ્ફળ રહ્યો છે.
ક્રિકેટજગતાના ઘણા નિષ્ણાતોએ ગિલને ટી-20 ટીમનો વાઈસ કેપ્ટન બનાવવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. વાસ્તવમાં ટી-20માં ગિલના સ્ટ્રાઈક રેટ પર હંમેશા સવાલો ઉઠતા રહ્યાં છે. વર્તમાન નવનિયુક્ત મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પોતે જ ગત વર્ષે એક ઈન્ટરવ્યુમાં પૃથ્વી શૉને ગિલ કરતા વધુ સારો T20 બેટ્સમેન ગણાવ્યો હતો. આવી સ્થિતિમાં જો ગિલ કેપ્ટન બનવા માંગે છે તો તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવું પડશે અને જાળવી રાખવું પડશે.