Mumbai,તા.૩
ટીમ ઈન્ડિયામાં એક ખેલાડી એવો છે, જે રોહિત શર્મા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો ટેસ્ટ કેપ્ટન બનવાનો સૌથી મોટો દાવેદાર છે. ભારતીય ટીમના આ ખેલાડીએ યુવા વયે શાનદાર સિદ્ધિ હાસિલ કરી છે. ૩૭ વર્ષીય રોહિત શર્મા લગભગ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ સુધી ટીમનો કેપ્ટન રહી શકે છે. ત્યારબાદ બીસીસીઆઈએ નવા કેપ્ટનની શોધ કરવી પડશે.
ટેસ્ટ, વનડે અને ટી૨૦ ત્રણેય ફોર્મેટ્સમાં જગ્યા પાકી કરી ચૂકેલ શુભમન ગિલ આગામી ટેસ્ટ કેપ્ટન બનવાનો સૌથી મોટો દાવેદાર છે. ટીમ ઈન્ડિયાનો યુવા ઓપનિંગ બેટર ગિલ ભારતનો આગામી ટેસ્ટ કેપ્ટન બની શકે છે. ૨૪ વર્ષીય ગિલ પોતાની શાનદાર બેટિંગ માટે જાણીતો છે. રોહિત શર્માનું ટેસ્ટ કરિયર હવે લાંબો સમય ચાલશે નહીં. તેવામાં ગિલને વનડે અને ટી૨૦ ફોર્મેટમાં વાઇસ કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે. બીસીસીઆઈનો આ સંકેત જણાવે છે કે તેને શુભમન ગિલ પર કેટલો વિશ્વાસ છે.
માત્ર ૨૪ વર્ષની ઉંમરમાં શુભમન ગિલ ભારત માટે ટેસ્ટ, વનડે અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર બેટર બની ગયો છે. શુભમન ગિલ ટી૨૦ ક્રિકેટમાં ૨૧ મેચમાં ૫૭૮ રન ફટકારી ચૂક્યો છે. તે યુવા છે એટલે લાંબા સમય સુધી રમી શકે છે. શુભમન ગિલ પાસે ટેસ્ટમાં પણ ઓપનિંગ કરવાનો અનુભવ છે. તેવામાં તે ભવિષ્યમાં ટીમની કમાન સંભાળી શકે છે.
શુભમન ગિલની બેટિંગમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની ઝલક જોવા મળે છે. શુભમન ગિલ જે પ્રકારનો બેટર છે. તેને જોતા તે આગામી ૧૦-૧૨ વર્ષ સુધી રમી શકે છે. શુભમન ગિલે અત્યાર સુધી ૪૫ વનડે મેચમાં ૬૦.૧૮ની એવરેજથી ૨૨૮૭ રન ફટકાર્યા છે. જેમાં ૧ બેવડી સદી, ૬ સદી અને ૧૩ અડધી સદી સામેલ છે. ગિલે ભારત માટે ૨૫ ટેસ્ટ મેચમાં ૧૪૯૨ રન બનાવ્યા છે. જેમાં ૪ સદી અને ૬ અડધી સદી સામેલ છે.