આવતીકાલે વસંત પંચમીએ ૧૯૯મી શિક્ષાપત્રી જયંતી છે. સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં સંવત ૧૮૮૨ના વસંતપંચમીના દિવસે સંપ્રદાયના તમામ આશ્રિત ગૃહસ્થ સત્સંગી, સુવાસિની અને વિધવા બાઈઓ, સાધુ વગેરે પ્રત્યે શિક્ષાપત્રી લખી છે. શિક્ષાપત્રી સર્વ શાસ્ત્રોના નિચોડરૂપ, સારરૂપ છે. શિક્ષાપત્રીમાં ૨૧૨ શ્લોકોને વિસ્તારથી સમજાવતાં અર્થદીપિકા ટીકામાં ૩૪૬ શાસ્ત્રોમાંથી ૩૮૧૪ પ્રમાણો આપ્યાં છે.
સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા, ‘દેશના લોકો જો શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન કરે તો દેશમાં ફોજદારી કાયદો,પોલીસ અને અદાલતોની ઓછી જરૂર પડે.’ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ કહેતા કે, ‘જે ગામમાં સ્વામિનારાયણનું મંદિર હોય ત્યાં પોલીસ કે સુધરાઈની જરૂર ન પડે, કારણ કે શિક્ષાપત્રીના આદેશો મુજબ જ બધા વર્તતા હોય.’
કવિ ન્હાનાલાલ કહે છે, ‘શિક્ષાપત્રી એટલે વ્યવહાર અને સંસારને પરિશુદ્ધતી વિદ્વાન ભાષામાં રચાયેલી નિત્ય નિયમાવલી. આચાર, વિચાર, આહાર, વિહાર વગેરેની વાતો શિક્ષાપત્રીમાં છે. ગાળ્યા વગરનું જળ તથા દૂધ ન પીવું, જે જળને વિષે ઝીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્નાનાદિક ક્રિયા ન કરવી, લોક અને શાસ્ત્ર નિષિદ્ધ કરેલાં સ્થળોમાં મળમૂત્ર ન કરવાં કે થૂંકવું પણ નહિ.’ શ્રી કિશોરલાલ મશરૂવાળાને ભારતના રોગો ટાળવાનો ઉપાય દેખાય છે. તેઓ કહે છે કે, ‘શ્રીજીમહારાજે તેમના શિષ્યો જે ઘણા ખરા નીચલા વર્ગ ના હતા તેમના પ્રત્યે અપાર કરુણા, દયા કરીને સમૃદ્ધ અને આચારશુદ્ધ કર્યા.’
શિક્ષાપત્રી અંગે ગુજરાતના સાક્ષર ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ કહે છે, ‘ગાગરમાં સાગર રુપ શિક્ષાપત્રી સર્વ શાસ્ત્રોના દોહનરૂપ કલ્યાણની સીડી છે. તેનો ઉપલો છેડો આધ્યાત્મિક શ્રેયની સર્વોચ્ચ ભૂમિકાને લાગેલો છે. ત્યારે નીચલો છેડો છેક સામાન્ય લોકજીવનની ભૂમિકા પર ઠેરવેલો છે.’
અંગ્રેજરાજ વખતે મુંબઈના ગવર્નર સર જૉન માલ્કમને સ્વામિનારાયણ ભગવાને તા. ૨૬-૨-૧૮૩૦ના રોજ રાજકોટમાં(હાલ રેલ્વેના કોઠી કમ્પાઉન્ડમાં) શિક્ષાપત્રી ભેટ આપી. જે આજે ઓક્સફર્ડની બોડલિયન લાઇબ્રેરીના એક વિભાગ ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ’ લાઇબ્રેરીમાં આદરપૂર્વક સાચવવામાં આવી છે. આ શિક્ષાપત્રીનો વિશ્વની ૩૮થી વધુ ભાષાઓમાં અનુવાદ થયો છે.
સંવત ૧૯૧૩માં જૂનાગઢમાં માધવચરણદાસે ગુણાતીતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, ‘સ્વામી…! અમે દેશમાં ફરવા જઈએ છીએ ત્યારે હરિભક્તો વરસાદનું પૂછે છે તો અમારે શું કહેવું?’ ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, ‘આપણે તો શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું છે તે પ્રમાણે સૌને વર્તવાનું કહેવું. તે પ્રમાણે જે વર્તશે તે વરસાદ નહિ વરસે તો પણ સુખી થશે અને જો શિક્ષાપત્રી લોપશે તો વરસાદ વરસશે તો પણ દુઃખી થશે. માટે શિક્ષાપત્રી પાળવાનું સૌને કહેવું.’
સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે, ‘અમારી લખેલી જે શિક્ષાપત્રી તેનો પાઠ અમારાં આશ્રિત સર્વેએ નિત્યે કરવો. જેને ભણતાં ન આવડતું હોય તેને નિત્યે શ્રવણ કરવું અને જેને શ્રવણ કરવાનો યોગ ન આવે તેને નિત્યે શિક્ષાપત્રીની પૂજા કરવી, ત્રણમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો.’ શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે આશ્રિતો પ્રત્યેની ચિંતા અને કરુણા કરીને આશીર્વાદ આપ્યાં છે કે, ‘આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ,અર્થ,કામ અને મોક્ષએ પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે.’
Shriji Maharaj પ્રબોધેલી ૧૯૯મી શિક્ષાપત્રી જયંતી
