Maharashtra,તા.30
મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થવાનો મુદ્દો રાજ્ય સરકાર માટે ભારે પડી રહ્યો છે. આ મુદ્દે સમગ્ર સરકાર જ બેકફૂટ પર આવી ગઈ છે અને કોઈપણ રીતે તેનાથી બચવાના પ્રયત્નમાં છે. ચૂંટણીની સિઝન પહેલા શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થવાથી વિપક્ષને એક મુદ્દો મળી ગયો છે. આ જ કારણ છે કે સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે હુ 100 વખત શિવાજી મહારાજની પ્રતિમાના પગે પડીને માફી માગવા માટે તૈયાર છુ. મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજ પૂજનીય છે અને તેમને રાજકારણથી દૂર રાખવા જોઈએ.
સિંધુદુર્ગમાં સ્થિત આ મૂર્તિ પડવા મુદ્દે અજીત પવારે પણ દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે હુ મહારાષ્ટ્રની 13 કરોડ જનતાની આ મુદ્દે માફી માગુ છુ. મહારાજ શિવાજીની પ્રતિમા ધરાશાયી થવી અમારા માટે એક આઘાત જેવું છે. ‘આ મામલે દોષિત ઠેકેદારોને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. રાજ્યના ડેપ્યુટી સીએમ તરીકે હુ માફી માગુ છુ. મારુ વચન છે કે ભવિષ્યમાં હવે રાજ્યમાં આવી કોઈ ઘટના થવા દેવામાં આવશે નહીં.’
એકનાથ શિંદેએ કહ્યું કે મહારાજ શિવાજી મહારાષ્ટ્રના સંરક્ષક દેવતા છે. હુ તેમના 100 વખત પગે પડીને માફી માગવા માટે તૈયાર છુ. ભાજપ નેતા અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ આ મુદ્દે દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે મહારાજની પ્રતિમાનું નિર્માણ ભારતીય નૌસેનાની દેખરેખમાં થયુ હતું. આમાં રાજ્ય સરકારની કોઈ ભૂમિકા નહોતી. રાજ્ય સરકાર આના કરતાં પણ મોટી શિવાજીની પ્રતિમા લગાવશે અને તેમના સન્માનને અકબંધ રાખવામાં આવશે.
મહારાષ્ટ્રના રાજકારણ અને સમાજમાં શિવાજી મહારાજ એક ભાવનાત્મક પાસું છે. કોઈ પણ દળ કે નેતા તેમના સન્માનની સાથે જ રાજકારણ કરી શકે છે. દરમિયાન તેમની પ્રતિમા ધરાશાયી થવી એક સંવેદનશીલ મુદ્દો છે. જો ચૂંટણી સુધી આ મુદ્દો ખેંચાયો તો પછી એનડીએ ગઠબંધનને તેનું નુકસાન થઈ શકે છે.