Shimla,તા,12
હિમાચલ પ્રદેશના સિમલામાં સંજોલી મસ્જિદ વિવાદમાં વધુ એક મોડ આવ્યો છે. આ વિવાદ હવે ટુંક સમયમાં ઉકેલાઈ શકે છે. મસ્જિદ કમિટીએ ગુરુવારે (12 સપ્ટેમ્બર) મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની રજુઆત કરી હતી. આ માટે તેઓ સિમલા મ્યુનિસિપલ કોર્પોરેશન (MC) કમિશનર ભૂપેન્દ્ર અત્રીને મળ્યા હતા.
સંજોલીમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામનો મામલો 14 વર્ષ જૂનો છે અને શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટમાં પેન્ડિંગ છે. તાજેતરમાં જ આ મામલો મારામારીની ઘટના બાદ સામે આવ્યો હતો.સંજોલી મસ્જિદના ગેરકાયદે બાંધકામ મામલે છેલ્લા 13 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી મસ્જિદને સીલ કરી દેવી જોઈએ. નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
હાલમાં થયેલા લાઠીચાર્જના વિરોધમાં વેપારી મંડળે ગુરુવારે શહેરની તમામ દુકાનો બંધ રાખી છે. સિમલાના વેપારીઓએ શેર-એ-પંજાબથી ડીસી ઓફિસ સુધી વિરોધ રેલી યોજીને SPને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
કમિશનરે કહ્યું કે, મસ્જિદ કમિટીએ પોતે કહ્યું હતું કે, જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી મસ્જિદના ત્રણ ગેરકાયદે માળને સીલ કરી દેવામાં આવે. આ માટે કમિટી તૈયાર છે. આ સિવાય મુસ્લિમ પક્ષે ખુદ કહ્યું કે, તે પોતે આ ગેરકાયદે ગણાતો હિસ્સો તોડી નાંખશે.
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે સ્થાનિક લોકો શિમલાના સંજોલી વિસ્તારમાં બનેલી મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાની માંગ કરી રહ્યા છે. બુધવારે આ મામલે ભારે હોબાળો જોવા મળ્યો હતો. ‘જય શ્રી રામ’ અને ‘હિંદુ એકતા ઝિંદાબાદ’ના નારા લગાવતા, સેંકડો વિરોધીઓ ભેગા થયા અને વહીવટીતંત્રની ચેતવણીઓ અને પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન કરીને સંજોલી બજાર તરફ કૂચ કરી દીધી હતી. આખરે દેખાવકારોનું મોટું ટોળું વિસ્તારમાં પહોંચી ગયુ હતુ.
દેખાવકારોએ પોલીસ દ્વારા લગાવેલા બેરિકેડ તોડી નાખ્યા અને પથ્થરમારો કર્યો. પોલીસે દેખાવકારોને વિખેરવા માટે વોટર કેનન અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો. પોલીસે વિરોધને કાબૂમાં લેવા હિન્દુ જાગરણ મંચના સચિવ કમલ ગૌતમ સહિત કેટલાક દેખાવકારોની અટકાયત પણ કરી હતી.
આ ઘટનામાં પોલીસ અને મહિલાઓ સહિત 10 જેટલા લોકો ઘાયલ થયા હતા. વિરોધ એટલો ઉગ્ર થઇ ગયો હતો કે,ભારે ભીડ અને અથડામણને કારણે સંજોલી (Sanjauli), ઢલી (Dhalli) અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી શાળાઓમાં અટવાઇ રહ્યાં હતા.
વિરોધની જાણ હોવા છતાં, શાળાઓ બંધ રાખવાના આદેશો જારી ન કરવા બદલ સ્થાનિક લોકોએ પણ વહીવટીતંત્ર સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું હતું કે તેમણે આ મુદ્દે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટી પ્રભારી રાજીવ શુક્લા સાથે વાત કરી છે. બંને નેતાઓને કાયદો અને વ્યવસ્થા બગડી ન જાય તેની ચિંતા છે. રાજ્ય સરકાર પણ આ બાબતે ગંભીર છે. તેમજ રાજ્ય સરકાર તમામ ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહી છે.