Bhavnagar,તા.01
શેત્રુંજી સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની માંગણીને લઈ ૧૨૦૦૦ હેકટર સામે ૧૦૦૦ ફોર્મ આવતા ગત તા. ૧૫થી પ્રથમ પાણ આપવાનું શરૂ કર્યું હતું અને આ દિવસ દરમ્યાન બંને કાંઠામાંથી ૭૦ આસામી વગર ફોર્મ ભર્યે પાણી લેતા મળી આવ્યા હતા. જેઓને ૧૫ દિવસમાં ફોર્મ ભરી જવા તાકીદ કરાય છે. જ્યારે આગામી ચાર દિવસ પછી આ પાણ બંધ કરી આગળની કાર્યવાહી કરાશે.
મળતી વિગતો મુજબ સેત્રુંજી સિંચાઈ વિભાગ દ્વારા ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવાથી રવિ – શિયાળુ પાક માટે ખેડુતોની માંગણીને લઈ તા. ૧૫ જાન્યુઆરીથી પ્રથમ પાણ આપવાનું શરૂ કરાયું હતું. જોકે આ સાથે નિયત ફોર્મ ભરવા પણ તાકીદ કરી હોવા છતાં ૧૨૦૦૦ હેકટર સામે ૧૦૦૦ હેકટરના ફોર્મ વિભાગને મળ્યા હોવાનું જણાયું છે. જોકે હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા તા. ૩૧-૧ સુધી હતી તે તા. ૨૮-૨ સુધી લંબાવવાનો નિર્ણય પણ કરાયો છે. જ્યારે પ્રથમ પાણનું પાણી હાલ જમણાકાંઠાનાં દાઠા સુધી અને ડાબા કાંઠાના ભુંભલી સુધી પહોંચ્યું છે ત્યારે આગામી ચારેક દિવસોમાં આ પ્રથમ પાણને બ્રેક લગાવવામાં આવશે. આ પ્રતમ પાણ અપાયા બાદ થતાં ચેકીંગ દરમ્યાન જમણા કાંઠાના વિસ્તારમાંથી ૪૦ આસામી અને ડાબા કાંઠાના વિસ્તારમાંથી ૩૦ આસામી ફોર્મ ભર્યા વગર પાણી લેતા મળી આવ્યા છે. જેઓને આગામી ૧૫ દિવસોમાં નિયત ફોર્મ ભરી જવા તાકીદ કરાઈ છે. અન્યથા તૈયાર થયેલ ૭૦ આસામી સામે દંડનીય કાર્યવાહી કરવા પણ જણાવાયું છે. આમ પ્રથમ પાણ બાદ ૧૫ દિવસના બ્રેક બાદ સંભવતઃ બીજુ પાણ આપવાની યોજના પણ સિંચાઈ વિભાગ દ્વારા ઘડાઈ હોવાનું જણાયું છે.