બજેટમાં ફાઈનાન્સિયલ અને નોન ફાઈનાન્સિયલ એસેટ્સ પર લાગુ એલટીસીજી, એસટીસીજી, એસટીટી જેવા ટેક્સ રેટમાં વધારો કરવામાં આવતાં શેરબજારમાં વોલેટિલિટી વધી છે. સેન્સેક્સ આજે 769.07 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 280.16 પોઈન્ટ ઘટી 80148.88 પર બંધ રહ્યો છે, જ્યારે નિફ્ટી 65.55 પોઈન્ટ ઘટી 24413.50 પર બંધ રહ્યો હતો.
કેન્દ્રીય બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર સર્જન અને વિકસિત ભારત મિશન પર ફોકસ કરાતા પીએસયુ અને ઈન્ફ્રા શેર્સમાં તેજી જોવા મળી હતી. શેરબજાર નેગેટીવ ઝોનમાં હોવા છતાં સ્ટોક સ્પેસિફિક તેજીના કારણે રોકાણકારોની મૂડી રૂ. 3.35 લાખ કરોડ વધી હતી. આજે 430 શેર્સમાં અપર સર્કિટ અને 229 શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા હતા.
એનર્જી, ઓઈલ-ગેસ શેર્સમાં તેજી
આજે એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, ઉપરાંત ટેલિકોમ શેર્સમાં આકર્ષક તેજી જોવા મળી હતી. જેના સથવારે માર્કેટમાં મોટો કડાકો અટક્યો છે. બીએસઈ ખાતે સેક્ટોરલ ઈન્ડેક્સમાં એનર્જી ઈન્ડેક્સ 1.60 ટકા, ટેલિકોમ્યુનિકેશન્સ 1.24 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.07 ટકા, ઓઈલ એન્ડ ગેસ 1.69 ટકા, પાવર 1.24 ટકા ઉછળ્યા છે. બીજી બાજુ એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઈ અને કોટક મહિન્દ્રા બેન્ક સહિતના બેન્કિંગ-ફાઈનાન્સિયલ શેર્સમાં પ્રોફિટ બુકિંગ વધ્યું હતું.
માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ
શેરબજારમાં ભારે વોલેટિલિટી સર્જાઈ હોવા છતાં માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ જોવા મળી છે. બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 4007 શેર્સમાંથી 2810 ગ્રીન સિગ્નલમાં અને 1088 શેર્સ રેડ સિગ્નલમાં બંધ રહ્યા હતાં. એનએસઈ ખાતે 2770 શેર્સમાંથી 1992 શેર્સ સુધારા તરફી અને 700 શેર્સ ઘટાડા તરફી બંધ રહ્યા હતા.
શેરબજાર કોન્સોલિડેશન તબક્કામાં ટ્રેડ થઈ રહ્યું છે. ફ્લેટ શરૂઆત બાદ નિફ્ટી અને સેન્સેક્સમાં મોટો કડાકો નોંધાયો હતો. જો કે, બાદમાં કડાકો સરભર થયો હતો. ઉલ્લેખનીય છે, છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં આકર્ષક તેજી સાથે રોજ નવી રેકોર્ડ ટોચ બનાવી હતી.