Vadodara, તા.24
વડોદરા શહેરમાં આજે સવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે શહેરની શાળાઓ અને કોલેજો વહેલી છોડી દેવામાં આવી હતી. જોકે વરસાદના કારણે રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના કારણે શાળાઓમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે સ્કૂલોમાં વાલીઓ અને સ્કૂલ વર્ધીના વાહનોને પહોંચવામાં પણ તકલીફ પડી હતી.
શહેરમાં કેટલીક જગ્યાએ સ્કૂલ વર્ધીના વાહનો રસ્તામાં જ બંધ પડતા બાળકો અટવાઈ ગયા હતા. શહેરમાં તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી સ્કૂલોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. શાળા સંચાલકોએ વાલીઓને ફોન કરી કરીને કે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂકીને તેમના બાળકોને લઈ જવા માટે અપીલ કરી હતી.
માત્ર બે ઇંચ વરસાદમાં જ સ્ટેશનનું ગરનાળુ ભરાઈ ગયું
વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે શહેરના ચાર દરવાજા વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે. માત્ર બે કે ત્રણ ઇંચ વરસાદમાં પણ સ્ટેશનનું ગરનાળુ ભરાઈ જતા વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. શહેરને પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારને જોડતું આ ગરનાળુ બંધ થવાથી અનેક વાહનચાલકો અટવાઈ ગયા હતા.
વડોદરામાં સવારથી અવિરત વરસાદ
વડોદરા શહેર ઉપરાંત જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા સવારના 8થી બપોરના 12:00 વાગ્યા સુધી માત્ર ચાર કલાકના સમયગાળામાં વડોદરા શહેરમાં પાંચ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જિલ્લાની વાત કરીએ તો સિનોર તાલુકામાં પણ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે જિલ્લાના સાવલી તાલુકામાં 11 મીમી વાઘોડિયામાં 8, ડભોઇ 16, પાદરા 57, કરજણમાં 30 મીમી વરસાદ પડ્યો હતો. વડોદરા શહેર અને જિલ્લામાં આજે સવારથી સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સવારથી પડેલા વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, વડોદરા શહેરમાં ચાર કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે.