Saurashtra માં ગાજવીજ સાથે વરસાદ ચાલુ: લાલપુર પાસે વીજળી પડતા બે ભડથું

Share:

RAJKOT,તા.15
સૌરાષ્ટ્રમાં ગઈકાલે પણ ગાજવિજ સાથે વરસાદ યથાવત રહ્યો હતો. ખાસ કરીને દ્વારકા જિલ્લામાં 2 થી 2.5 ઈંચ, બગસરા પંથકમાં 2.5 ઈંચ, વરસાદ પડયો હતો. જયારે જામનગર જિલ્લાનાં લાલપુર પંથકમાં આકાશી વિજળી વેરણ બની હોય તેમ બે-માનવ જીંદગી અને 3 પશુઓનો ભોગ લેવાયો હતો.જયારે છ વ્યકિતઓ દાઝી ગઈ હતી.

આ ઉપરાંત ભાણવડ પંથકમાં પણ વિજળી પડતા દિવાલને નુકસાન થયું હતું.જયારે, ધારી અને સાવરકુંડલા પંથકમાં ભારે વરસાદથી મગફળીને અને અન્ય પાકોને નુકશાન થતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતાં. દરમ્યાન સૌરાષ્ટ્ર માંથી મળતા અહેવાલો અનુસાર ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાનો મુકામ રહ્યો છે.

ત્યારે ગઈકાલે સોમવારે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે બે થી ચાર દરમિયાન સવા બે ઈંચ (55 મી.મી.) વરસાદ વરસી ગયો હતો. જ્યારે ભાણવડમાં બપોરે ચાર થી છ દરમિયાન મુશળધાર અઢી ઈંચ (63 મી.મી.) વરસાદ વરસી ગયો હતો. જેના કારણે ઠેર ઠેર પૂર જેવા પાણી ચાલી નીકળ્યા હતા. આ સાથે દ્વારકામાં 10 મી.મી. વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદના પગલે ખંભાળિયા શહેરના જુદા જુદા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા અને જનજીવન પ્રભાવિત બન્યું હતું. ગઈકાલે વીજળીના ગળગળાટ સાથે આકાશી વીજ ત્રાટકના બનાવોમાં અનેક સ્થળોએ આકાશી વીજ ત્રાટકી હતી. ખંભાળિયાની મેઈન બજારમાં આકાશી વીજ પડતા અનેક વીજ ઉપકરણો બળી ગયા હતા.

ખંભાળિયા તથા ભાણવડ તાલુકાના આ મુશળધાર વરસાદના પગલે ભાણવડ તાલુકામાં આવેલા વર્તુ- 2 ડેમના ચાર દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેતી કેળવવા તંત્ર દ્વારા અવગત કરાયા હતા.

છેલ્લા બે દિવસના આ વરસાદથી અનેક સ્થળોએ મગફળી સહિતના પાકોને નુકસાની થયા પામી છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આજે સવારે સૂર્યનારાયણના દર્શન થયા હતા. આ સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ 94 ઈંચ, દ્વારકા તાલુકામાં સાડા 88 ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 80 ઈંચ અને ભાણવડ તાલુકામાં પોણા 67 ઈંચ વરસાદ વરસી ગયો છે. જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ 265 ટકા જેટલો થવા પામ્યો છે.

તથા બગસરા બગસરા પંથકમાં સાંજના ચારથી 8:30 સુધીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો  ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ મુંજીયાસર ડેમ 98% ભરાયો( સમીર વીરાણી દ્વારા) બગસરાપંથકમાં મેઘમહેર ધીમીધારે અઢી ઈંચ વરસાદ પડ્યો સાંજના ચારથી 8:30 સુધીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે બગસરા ના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.

ગ્રામ્ય વિસ્તારમાં મોટા મુંજીયાસર નાના મુંજીયાસર રફાળા લુંગીયા ઝાંઝરીયા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તેમજ મુંજીયાસર ડેમમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ હોવાને કારણે 98% જેવો ડેમ ભરાઈ ગયો છે અને હજુ પાણીની આવક ચાલુ છે મુંજીયાસર ડેમ ભરાઈ જવાની પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે.

ખેડૂતોમાં ખેતરોમાં નુકસાની જોવા મળી રહી છે અમુક ઉભા પાકને ભારે નુકસાની થઈ હોવાનું ખેડૂતો પાસેથી જાણવા મળેલ છે જેવો વરસાદ પડતા  વરસાદ પડતા સમગ્ર બગસરા પંથકમાં ઠંડક પ્રસરી હતી.

આ ઉપરાંત  જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં સોમવારે સાંજે ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદમાં વીજળી નો કહેર જોવા મળ્યો હતો, અને વરસાદી વીજળીમાં બે માનવ જિંદગી હોમાઈ ગઈ હતી, જ્યારે અન્ય ત્રણ બળદોના મૃત્યુ નીપજ્યા હતા. ઉપરાંત છ વ્યક્તિઓ પણ વરસાદી વીજળીના કારણે દાઝી ગઈ છે.

આ ઘટનાની વિગતો એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં સોમવારે સાંજે 6.00 વાગ્યા બાદ ભારે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો આકાશમાં ભારે ગાજવીજ થઈ હતી, અને લાલપુર તાલુકાના ગજણા ગામના ખેડૂત આદમભાઈ જુમાભાઈ ની વાડીમાં ખેત મજૂરી કામ કરી રહેલા પરબતભાઈ દાનાભાઈ સોલંકી નામના 45 વર્ષના યુવાન તેમજ તેના સાળા ના દીકરા રવિ પુનાભાઈ વાઘેલા નામના સાત વર્ષના બાળક કે જે બંનેના વરસાદી વીજળી પડવાના કારણે અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા.

જે મામલે લાલપુર મામલતદારને જાણ થવાથી લાલપુર પોલીસને જાણકારી અપાય હતી અને લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા અને બંનેના મૃતદેહો નો કરજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં વરસાદી વીજળીના કારણે એકી સાથે પાંચ વ્યક્તિઓ દાજી હતી, અને તે તમામને લાલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે તમામની હાલત સુધારા પર છે.

આ ઉપરાંત લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં પણ વરસાદી વીજળી પડવાના કારણે તુલસીબેન વસાવા નામની 16 વર્ષની તરુણી પણ વરસાદી વીજળીના કારણે દાઝી ગઈ હતી, અને તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

વરસાદી વિજલી પશુઓ માટે પણ જોખમકારક બની હતી, અને લાલપુર તાલુકાના ગોવાણા ગામના રમેશભાઈ ભાદરકા નામના ખેડૂત ની વાડીમાં ભેંસ ઉપર વીજળી પડવાથી મૃત્યુ નીપજયું છે. 

ઉપરાંત મોટા ખડબા ગામના કિશોરભાઈ ડાંગરિયા નામના ખેડૂતની વાડીમાં પણ વરસાદી વીજળી પડવાથી એક બળદનું મોત થયું છે. તે જ રીતે લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં દલપતભાઈ નાથાભાઈ ની વાડીમાં પણ વરસાદી વીજળી પડવાથી એક બળદનું મૃત્યુ થયું છે.

જયારે ભાણવડમાં ગત સમી સાંજે ચાર કલાકનાં સુમારે વિજળીનાં કડાકા અને ભડાકા સાથે વરસાદ ખાબકયો હતો.વરસાદની સાથે શહેરનાં રણજીત પરામાં આવેલ બંધ મકાનમાં વિજળી ખાબકી હતી.અને દીવાલને નુકશાન થયું હતું.

સદ્નસીબે કોઈ જાનહાની નહીં થતાં વહીવટી તંત્રે હાશકારો લીધો હતો.વરસાદથી તંત્રની પ્રિમોન્સુન કામગીરીની વધુ એક વખત પોલ ખુલી હતી.વિજ પૂરવઠો પણ રાબેતા મુજબ પ્રમાણે ખોરવાયો હતો.

તેમજ ધારી શહેરમાં પવન સાથે વરસાદ થવાથી ખેડૂતોના ખેતરમાં પડેલા પાક ઉપજને નુકશાન થઈ રહ્યું હોય ત્યારે ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર પણ આ વરસાદ પડેલ હતો.

સાવરકુંડલાનાં માર્કેટયાર્ડમાં નવી મગફળીની ફુલ આવક થઈ હતી. પરંતુ આજે બપોરના મેઘરાજાની એન્ટ્રી થતા યાર્ડમાં આવેલ શીંગને ભારે નુકશાન થયેલ છે. ખેડુતો દ્વારા હરરાજી થયા બાદ વેપારીને મોમાં આવેલ કોળીયો વરસાદે ઝુંટવી લીધો છે. આમાં વેપારીને પડયા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. અંદાજીત 9000 મણ શીંગની આવકમાં અંદાજિત 6000 મણ શીંગને વરસાદથી અસર થવા પામી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *