Saurashtra ના ઉદ્યોગો માટે ભારતીય રેલવે સાથે ધંધો વિકસાવવાની ઘર આંગણે સુનેરી તક

Share:

Rajkot,તા. 13

લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગ આયોજીત ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીલ ફેર-2025ના કારણે સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને ભારતીય રેલવે સાથે ધંધો કરવાની અને વધારવાની ઉજળી તક ઘર આંગણે ઉપલબ્ધ બનશે. ફેરમાં ભારતીય રેલવે માટે ત્રણ હજાર ચોરસ મીટરના અલાયદા ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં રેલવેના તમામ વિભાગ ભાગ લેશે.

ગુજરાતના એકઝીબીશનના ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં ભારતીય રેલવેના તમામ વિભાગ ભાગ લઈ રહ્યા છે અહીં તેમના દ્વારા વેન્ડર રજીસ્ટ્રેશન સહિતની કામગીરી માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે એમ લઘુ ઉદ્યોગ ભારતીના માર્ગદર્શક હંસરાજભાઈ ગજેરા અને એકસ્પોના ચેરમેન ગણેશભાઈ ઠુંમરની એક યાદીમાં જણાવાયું છે.

એક્ઝીબીશનના મુખ્ય આયોજક હંસરાજભાઈ ગજેરા, ચેરમેન ગણેશભાઈ ઠુંમરની આગેવાનીમાં તાજેતરમાં લઘુ ઉદ્યોગ ભારતીના પ્રતિનિધિઓએ ભારત સરકારના રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવની રૂબરૂ મુલાકાત કરી ભારતીય રેલવે માટે જરૂરી વિવિધ વસ્તુનું ઉત્પાદન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ સારી રીતે કરી શકે છે અને સારી કવોલીટી સાથે સમયસર અને વ્યાજબી ભાવે માલ સપ્લાય કરવા સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ સક્ષમ છે એ વાત મંત્રીશ્રીને સમજાવવામાં તેઓ સફળ થયા હતાં અને પરીણામ સ્વરૂપે ગુજરાતના એક્ઝીબીશનના ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં ભારતીય રેલવેના તમામ વિભાગ એક સાથે ભાગ લઈ રહ્યા છે.

રેલવેના વિવિધ વિભાગો જેવા કે ઉત્તર રેલવે, દક્ષીણ રેલવે, પૂર્વ રેલવે, પશ્ચીમ રેલવે, મધ્ય રેલવે, કોંકણ રેલવે, મેટ્રો રેલવે વગેરે એક્ઝીબીશનમાં ઉપસ્થિત રહી પોતાની જરૂરીયાતની પ્રોડક્ટનું પ્રદર્શન કરશે. ભારતીય રેલવેને દરેક પ્રકારના કાસ્ટીંગ્સ અને ફોજીંગ્સ, ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ, ટુલીંગ, હાર્ડવેર, કીચન વેર-કટલેરી, ફેબ્રીકેશન, બેરીંગ, ઈલેક્ટ્રીક મોટર પંપ અને વાલ્વસ, મશીનીંગ પાર્ટસ, ઈલેક્ટ્રીકલ્સમાં કેબલ, સ્વીચીસ, પેનલ બોર્ડ વગેરે, અલહોલ્ટ્રી, ફૂડ રીલેટેડ આઈટેમ્સ, પ્લાસ્ટીક પ્રોડકટસ, પાઈપ્સ અને ફીટીંગ્સ, બાથરૂમ ફીટીંગ્સ, લેમીનેટસ, ટ્રાન્સફોર્મર, બ્રાસપાર્ટસ, સીરામીક્સ, સેનેટરીવેર, એલીવેટર મશીન્સ સહિત અનેક નાની મોટી પ્રોડક્ટની જરૂરીયાત હોય છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગ ગૃહો મોટા ભાગની પ્રોડકટ સારી કવોલીટીમાં સપ્લાય કરવા સક્ષમ છે.

લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગના મેન્ટર હંસરાજભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આગામી તા. 2 થી 5 ફેબ્રુઆરી એમ ચાર દિવસ માટે રાજકોટના એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ ખાતે ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-2025નું આયોજન કરવામાં આવ્યુ છે તેમાં ભારતીય રેલવેના તમામ વિભાગો ભાગ લેવાના છે. રેલવે માટે ત્રણ હજાર ચોરસ મીટરના અલાયદા ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે.

જેમાં રેલવેના તમામ વિભાગો દ્વારા પોતાની પ્રોડકટ રજુ કરવામાં આવશે અને જે તે પ્રોડક્ટ માટે વેન્ડર રજીસ્ટ્રેશન માટે માર્ગદર્શન આપવામાં આવશે આમ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓને રાજકોટમાં ઘર આંગણે રેલવે સાથે ધંધો કરવાની અને ધંધો કરતા હોય તો વધારવાની ઉજળી તક ઉપલબ્ધ બનશે. ત્રણ હજાર ચોરસ મીટરના આ ડોમમાં રેલવેના વિવિધ વિભાગો જેવા કે સેન્ટ્રલ ઓગેનાઈઝેશન ફોર મોર્ડનાઈઝેશન ઓફ વર્કશોપ (COFMOW), સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન ફોર રેલવે ઈલેક્ટ્રીફીકેશન (CORE), રીસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO), રેઈલ ઈન્ડીયા ટેકનીકલ એન્ડ ઈકોનોમીક સર્વિસ (RITES), ઈન્ડીયન રેલવે કન્સ્ટ્રક્શન ઈન્ટરનેશનલ લીમીટેડ (IRCON), કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લી. (CONCOR), કોંકણ રેલવે કોર્પોરેશન લી. (KRCL), રેલવે વિકાસ નિગમ લી. (RVNL), ઈન્ડીયન રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (IRCTC), ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લી. (DFCCIL), રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લી. (RCIL), મુંબઈરેલવે વિકાસ કોર્પોરેશન લી. (MRVC), ઈન્ડીયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન લી. (IRFC), સેન્ટર ફોર રેલવે ઈન્ફોર્મેશન સીસ્ટમ્સ (CRIS), રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટીસ (RLDA), બ્રેથવેટ એન્ડ કંપની લીમીટેડ (BCL), નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લી. (NHSRCL) સહિત રેલવેના વિવિધ વિભાગોના સ્ટોલ રાખવામાં આવ્યા છે.

જેમાં જવાબદાર અધીકારીઓ દ્વારા તેમની જરૂરીયાત પ્રમાણેની પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવશે અને સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ આ પ્રોડકટ ડેલવપ કરીને રેલવેને સપ્લાય કરી શકે એ માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત ડાયરેક્ટર જનરલ રેલવે બોર્ડ, જોઈન્ટ ડિરેક્ટર નેશનલ રેલ મ્યુઝીયમ ખાસ ઉપસ્થિત રહેશે.

આઈ.આઈ.એફ. 2025ના ચેરમેન  ગણેશભાઈ ઠુંમરે એક્સપોના ફાયદા ગણાવતા જણાવ્યું હતું કે, અમો અથાક પ્રયાસો બાદ પહેલી વાર ભારતીય રેલવેના તમામ વિભાગો અહી ઘર આંગણે લાવી રહ્યા છીએ ત્યારે આ તક ઝડપવાનો અને રેલવેને સારા સપ્લાયર મળી રહે એ પડકાર ઉપાડવાની જવાબદારી હવે આપણે ઉદ્યોગ ગૃહોની છે.

આપના ઔદ્યોગીક એકમની ક્ષમતા અને પ્રોડક્ટની ગુણવત્તા રેલવેના સીનીયર અધીકારીઓ સમક્ષ રજુ કરી શકો એ માટે ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-2025માં આપના સ્ટોલ બુક કરાવો અને રેલવે સહિતના વિવિધ વિભાગોના જવાબદાર અધીકારીઓ સાથે સીધા સંપર્ક કરી ઘંઘાના વિકાસની તક ઝડપી શકો છો. રેલવેના અનુસંઘાને જરૂર પડશે તો વધારાના સ્ટોલ ઉભા કરવાની આયોજકોની તૈયારી છે. અંતમાં તેમણે સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને ઘંઘો વિકસાવવાના મોકાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.આઈ.આઈ.એફ.-2025ના આયોજન માટે લઘુ ઉદ્યોગ ભારતીના માર્ગદર્શક હંસરાજભાઈ ગજેરા, ચેરમેન ગણેશભાઈ ઠુંમર, લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગના મહામંત્રી જયભાઈ માવાણીની આગેવાનીમાં ટીમ કાર્યરત છે.

લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગના માર્ગદર્શક હંસરાજભાઈ ગજેરા અને ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-2025ના ચેરમેન ગણેશભાઈ ઠુંમર તાજેતરમાં ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની રૂબરૂ મુલાકાત કરી સૌરાષ્ટ્રના ઉદ્યોગગૃહો રેલવેની વિવિધ જરૂરીયાતની પ્રોડક્ટસ પૂરી પાડવા સક્ષમ હોવા વિશે ચર્ચા કરી તે પ્રસંગની તસવીર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *