વહ દિન યાદ કરો…

Share:

કેવું સુંદર મજાનું કર્ણપ્રિય ગીત છે ‘વો દિન યાદ કરો…’ આ મધુર ગીત સાંભળતા કે યાદ કરતા કરતા આપણને છેલ્લા ૬૦ કે ૭૦ વરસો પહેલાંની આલીશાન ફિલ્મો યાદ આવ્યા વિના નથી રહેતી. બહુ જૂની નહીં તેવી પેઢીના પ્રેક્ષકો દેવઆનંદ, દિલીપકુમાર, રાજકપુર, રાજકુમાર, રાજેન્દ્રકુમાર, ધર્મેન્દ્ર, સુનિલદત્ત, મનોજકુમાર, વહીદા રહેમાન, વૈજતીમાલા, સાધના, માલાસિંહા, મધુબાલા, નરગીસ, મીનાકુમારી, શર્મીલા ટાગોર, મહેમુદ, જોનીવોકર, આગા, ઓમપ્રકાશ, મોહનચોટી, ધુમાલ, ટુનટુન,મુકરી, છેલ્લે છેલ્લે અમિતાભ બચ્ચન, રાજેશખન્ના જેવા સુપર સ્ટારોને ભૂલ્યા નહીં હોય.

આજે પણ ઝી ટીવી સિનેમા પર બહુ જૂના નહીં તેવા પચાસથી સાંઈઠ પહેલાંના ચલચિત્રો જ્યારે રજૂ થાય છે ત્યારે દર રવિવારે આ ઉંમરના પ્રેક્ષકો એકધારા બેસીને પરિવાર સાથે થિયેટરમાં જોતાં હોય તેવો આનંદ મેળવે છે અને નવી પેઢીને પોતાના પ્રિયમાં પ્રિય કલાકારેાનો પરિચય કરાવતા જાણે કે તેમના સગા સંબંધીઓ હેાય તેવો આનંદ નવી પેઢીના પોતાના સંતાનો સાથે કરાવે છે ત્યારે નવી પેઢીના સંતાનો મોઢું મચકાવીને પોતાના મોબાઈલ સાથે બીજા સ્થાને ગોઠવાઈ જતાં હોય છે તેઓને તે વખતના હીરો હીરોઈન જાણે સામાન્ય જ લાગતા હોય છે આમ છતાં કેટલીક યુવતીઓ આજે પણ રાજેશખન્ના અન દેવાનંદ કે શશીકપુર સહિત હાસ્ય કલાકરોમાં ખાસ મહેમુદ અને ગોવિંદાને ચાહતા હોય છે.

૧૯૬૪ પછીનો સમયગાળો એવો હતો કે તે વખતે ફકત જાણીતા મનગમતા કલાકારોનો કાફલો જ લોકપ્રિય નહોતો પણ ચલચિત્રોની વાર્તાઓમાં પણ દમ હતો. ગીત-સંગીતની બોલબાલા હતી. પ્રેક્ષકો આ બધું જોવાનો આનંદ અનુભવતા હતા. જેમ કે એક જ દાખલો લઈએ તો ચલચિત્ર ગુમનામ એક એવું ચલચિત્ર હતું જેમાં રહસ્ય હતું ભાગ્યે જ કોઈ જાણી શકે કે આ વાર્તામાં ખરેખર ખુની કોણ હતું…આ ચલચિત્રમાં તમામ ગીતો અને સંગીત પણ બેનમુન હતું. શંકર જયકિશન તો જાણીતા જ હતા. હેલનનો અદ્‌ભૂત અભિનય તે સાથે મહેમુદની કોમેડી વિસરાય નહીં તેવી હતી. પરિણામે આ ચલચિત્રની કથાવસ્તુ પણ એવી હતી કે પ્રેક્ષકો ઈન્ટરવેલ પુરો થાય તે પહેલાં પોતાની બેઠક જલ્દી મેળવી લેતા હતા અથવા થિયેટરમાં છેલ્લે સુધી પોતાની જગ્યાએ બેસી રહેતા હતા. આવું જ જડબેસલાક ચલચિત્ર હતું ‘બીસ સાલ બાદ’ વિશ્વજીતના અભિનયમાં તે વખતે ખાસ રોનક નહોતી છતાં તે આ ચલચિત્રમાં યોગ્ય હતો તે સાથે વહીદા રહેમાનનો અભિનય અને હંમેશા પીઢ કલાકાર તરીકે અભિનયમાં ક્યરે ક્યારે નજરે પડતા મનમોહન પણ આ ચલચિત્રમાં દીપી ઉઠ્યા હતા. આ ચલચિત્રમાં હેમંતકુમારનું ભવ્ય સંગીત ચલચિત્રની કથાને અનુસરતું જ હતું.

આ ચલચિત્રમાં જ્યારે ગુમનામ વ્યકિતનો પંજો પડદા પર આવતો જોઈને પ્રેક્ષકોને સખત આંચકો લાગી જતો હતો કેટલાય સિનેમા થિયેટરોમાં આગલી બેઠકોના તો લાકડાના પાટીયા પણ તૂટી ગયાના બનાવો બન્યા હોવાનું જાણમાં છે. આ પ્રકારની બેનમુન તાકાત તે સમયના ચલચિત્રોમાં હતી. તમામ રીતે નિર્દેશકો પ્રેક્ષકોની ભાવના અને ચાહનાનો ચોક્કસપણે ખ્યાલ રાખતા હતા. પ્રેક્ષકોને શું ગમે છે તે રીતના ચલચિત્રો રજૂ થતાં અને તેમાં થઈ શકે તેટલી વાસ્તવિકતા દર્શાવવામાં આવતી હતી.

કોઈપણ શહેરમાં જ્યાં એક નહીં બે નહીં ડઝન ડઝન જેટલા થિયેટરો હતા તે સમયમાં જેમાં અનેક તમામ પ્રકારના ચલચિત્રો રજૂ થતાં હતા ફકત રાજકોટનો જ દાખલો લઈએ તો તે વખતે હરિશ્ચંદ્ર, પ્રહલાદ, કૃષ્ણા, એનેકેસી, ગેસ્ફોર્ડ, રાજ, ગિરનાર, એસ્ટ્રોન, આમ્રપાલી અને ગેલેકસી જેવા સિનેમા હતા. તેમાં સિનેમાની કેપેસિટી તેમજ તે વિસ્તારની ઓળખ મુજબના પ્રેક્ષકોની આવન જાવન રહેતી હતી જેમા ગેલેકસીમં ચલચિત્રો આવતા તેની પસંદગી ખાસ પ્રકારના પ્રેક્ષકો માટેની હતી તેમાં સામાજિક અને મોંઘા તેમજ પસંદગીના કલાકારોના ચલચિત્રો રજૂ થતાં હતા જ્યારે તે રીતે ગિરનારમાં પણ એવું જ હતું. સૌથી વધારે બેઠકો ધરાવતા સિનેમામાં ગિરનારનું નામ મોખરે હતું. ગેસ્ફોર્ડમાં મોટાભાગે ગુજરાતી ચલચિત્રો જ દર્શાવવામાં આવતા હતા. જ્યારે રાજ, કૃષ્ણા અને એનેકસીમાં અગાઉ રજૂ થઈ ગયેલા ચલચિત્ર રીપીટ તરીકે રજૂ થતાં હતા જેમાં તે વિસ્તારના પ્રેક્ષકોની ભીડ જામતી હતી.

આ રીતે પે્રક્ષકો પોતાના ચાહીતા કલાકારોનો પણ ભાગ પાડી લેતા હતા.

તે વખતે એટલે કે આજથી પચાસ-સાંઈઠ વરસ પહેલાં ત્રીપુટીની કમાલ હતી. તેમની બોલબાલા હતી તેવા રાજકપુર, દિલીપકુમાર અને ચાર્મિંગ હેન્ડસમ દેવઆનંદના તમામ ચલચિત્રો જ્યાં જ્યાં રજૂ થતાં હંમેશા જ હાઉસફૂલના પાટીયા લાગી જતાં જ્યારે દિલીપકુમાર અને રાજકપુર આરામ ફરમાવતા હોય ત્યારે દેવઆનંદની મારકેટ જોરમાં રહેતી ઉપરા ઉપરી વધુમાં વધુ દેવઆનંદના ચલચિત્રો મેદાન મારી જતા હતા.આ અરસામંત દેવઆનંદના ચલચિત્રોમાં ગાઈડ, તેરે મેરે સપને, જ્વેલ થ્રીફ, હમદોનો, લવમેરેજ, માય વિ. ખૂબ જ સફળ રહ્યાં હતા એટલું જ નહીં તે તમામ ચલચિત્રોમાં કથાઓ હતી. ગીત સંગીતની લહેજત પણ હતી એટલે તે આજસુધી લોકપ્રિય રહ્યાં છે.

ગાઈડ ચલચિત્રમાં દેવઆનંદની ઉછળકુદ તો નહોતી તેમ છતાં વહીદા રહેમાનનો અભિનય અને આ ચલચિત્રના તમામ ગીતો અને સંગીત એ પ્રેક્ષકોને દિવાના બનાવી દીધા હતા. આ પ્રકારના ચલચિત્રોની અસર પ્રેક્ષકોના મન પર લાંબા ગાળા સુધી રહેતી હતી. આજના જમાનામાં એવી અસર ધરાવતા ચલચિત્રો રજૂ થતાં નથી. પતંગિયાની જેમ આવે છે અને તુરતે અદ્રશ્ય થઈ જોય છે. ફકત યુવાનિયા ઉપર કલાકારોની જ અસર રહે છે જ્યારે ચલચિત્રની કથા કે સંગીત કે ગીતો કોઈને યાદ રહેતા નથી.

અભિનેત્રી નૂતન, અશોકકુમાર, પ્રદીપકુમાર તેમજ સુનિલદત્તના ચલચિત્રો ખૂબજ સામાજિક કક્ષાના હતા તેમની કથાઓ તે સાથે તે ચલચિત્રોના ગીત સંગીત પણ અમર જ રહ્યાં છે. ખાનદાનમાં નૂતન અને સુનિલદતનો અભિનય તેમજ ગીત-સંગીત આજે પણ તેટલો જ લોકપ્રિય રહ્યો છે. અંદાજે પચાસથી સાંઈઠ વરસની ઉંમર ધરાવતા પ્રેક્ષકોને સુનિલદત્તના તે વખતના ચલચિત્રો યાદ રહ્યાં હશે જેમાં મિલન, વક્ત, હમરાજ, યાદે સહિતના ચલચિત્ર આજે પણ ટીવી ચેનલો પર આવતા હોય છે ત્યારે વચગાળાની પેઢીન પ્રેક્ષકો ટીવી સેટ સામે ગોઠવાઈને જૂની યાદ સાથે તે વખતના ચલચિત્રો જોવાનો આનંદ મેળવતા હોય છે.

વક્ત એક મલ્ટી સ્ટાર ચલચિત્ર હતું જેમાં મહાન કલાકારોનો કાફલો હતો. પીઢ કલાકાર બલરાજ સહાની, ખુંખાર અભિનેતા બુલંદ અવાજના શહેનશાહ રાજકુમાર સહિત સાધના અને સુનિલદત્ત જેવા ધરખમ કલાકારોના આ ચલચિત્રમાં સુંદર મજાની કથા હતી તે સાથે તેના તમામ ગીતો ખૂબ જ લોકપ્રિય રહ્યાં હતા તેમાં ખાસ કરીને તેની કવ્વાલી તો આજદિન સુધી લોકપ્રિય રહી છે અને અનેક કવ્વાલીઓના કાર્યક્રમમાં તે કવ્વાલી રજૂ થતી હોય છે તે સાથે મોહમદ રફી સાહેબનું ગીત વક્ત સે કલ ઔર આજ…આજના સમયને જાણે સ્પર્શ કરતું હોય તેવું મધુર કર્ણપ્રિય અને બંધબેસતું રહ્યું છે.

કાજલ ચલચિત્રમાં મીનાકુમારી, રાજકુમાર, ધમેન્દ્ર જેવા કલાકારોનો કાફલો હતો તે સાથે તેની કથા પણ જોરદાર હતી તે સાથે ગીત-સંગીત આજે પણ સાંભળવા ગમે તેવા હતા. રાજકુમારનો અભિનય આમેય પ્રેક્ષકોની પ્રશંસાને પાત્ર રહેતો હતો. રાજકુમારની એન્ટ્રી તેની ડાયલોગ સંવાદોની છટા પ્રેક્ષકોને જકડી રાખતી હતી. તે વખતે રાજકપુરના જીસ દેશ મે ગંગા બહેતી હૈની ખ્યાતનામ હીરોઈન પદમીનીનો દબદબો હતો. રાગીની અને પદમીનીના આ ચલચિત્રો પણ તેટલા સફળ રહ્યાં હતા.

આ અરસામાં મદ્રાસના અનેક સામાજિક કથાવસ્તુ અને ગીત સંગીતની મહેેેફિલ ધરાવતા અનેક ચલચિત્રો ખૂબ જ સફળ રહેતા હતા જેમાં મોટાભાગે દક્ષિણના કેટલાક નામી કલાકારો સાથે હિન્દી ચલચિત્રોના પણ નામાંકીત કલાકારો ગીતકારો, સંગીતકારોને લઈને જેમીની પી.પી. પ્રસાદ એવીએમ જેવા નિર્માતાઓએ અઢળક કમાણી કરી હતી અને અનેક હિન્દી કલાકારોને રાજી પણ રાખ્યા હતા. રાજેશખન્નાનો જ્યાર દબદબો હતો ત્યારે મદ્રાસ ખાતેના ખ્યાતનામ નિર્માતાએ જંગી રકમ તે પણ રોકડેથી રાજેશખન્નાના ઘરે જઈને હાથમાં સોંપતા તેની પેલી સફળ ફિલ્મ હાથી મેરે સાથી માં ચમકાવ્યો હતો. રાજેશખન્નાની સાથે તે નિર્માતાનું પણ નસીબ ચમકી ગયું હતું. તેના ગીતો સંગીત કાયમી યાદગાર બની ગયા હતા. આજે પણ અનેક સરકસોમાં કે જાહેર કાર્યક્રમોમાં આ ચલચિત્રનું પેલું જાણીતું ગીત ચલ ચલ મેરે હાથી મેરે સાથી ગવાતું હોય છે.

રાજેન્દ્રકુમાર,ધર્મેન્દ્ર અને મનોજકુમાર આ કલાકારો દેશના ભાગલા પછી ભારતીય ચલચિત્ર જગતમાં મોડેથી છવાયા હતા. તેમનું આગમન પણ આકર્ષક રહ્યું હતું. વચન ચલચિત્રથી દિલ એક મંદિર, આઈ મિલન કી બેલા, આરઝુ, આશ કા પંછી જેવા સફળ ચલચિત્રો રાજેન્દ્રકુમાર દ્વારા રજૂ થયા હતા. આ પ્રકારના અનેક ચલચિત્રો સફળ રહેતા આ કલાકાર સુપર સ્ટારના બદલે જ્યુબિલી સ્ટાર બની ગયો હતો. તેના તમામ ચલચિત્રો સફળ થતાં તે સિલ્વર જ્યુબિલી સુધી પહોંચ્યા હતા. રાજેન્દ્રકુમાર સાથેની તમામ હીરોઈન પણ તેટલી સફળ રહી ચુકી હતી. જેમાં માલા સિંહા, મીનાકુમારી, સાધનાએ તો રંગ જમાવ્યો હતો તે સાથે રાજેન્દ્રકુમારના તમામ ચલચિત્રો સારી કથાવસ્તુ ધરાવતા હતા તે સાથે તે તમામ ચલચિત્રોમાં ગીત સંગીત ખૂબ જ લેાકપ્રિય રહ્યાં હતા. દિલ એક મંદિરમાં રાજકુમાર જેવા ધુંઆધાર કલાકારની સામે રાજેન્દ્રકુમારનો અભિનય અડગ જ રહ્યો હતો તે સાથે રાજકપુરની સામે સંગમમાં રાજેન્દ્રકુમારનો અભિનય જીવંત રહ્યો હતો. આ ચલચિત્રોમાં સંગમના તમામ ગીતો લોકપ્રિય રહ્યાં હતા તો દિલ એક મંદિરના ગીતો આજે પણ ટીવી ચેનલો અને રેડીયો પર મધુર રહ્યાં છે.

સંગમ ચલચિત્રમાં લિખે હૈ જો ખત તુઝે…યે મેરા પ્રેમ પત્ર પઢકર…તેમજ ઝુક ગયા આસમાન માં કૌન હે જો સપનો આ બધા ગીતો આજે પણ સાંભળવા ગમે તેવા હતા તે કારણે રાજેન્દ્રકુમારને સારી લોકપ્રિયતા મળી હતી. આ રીતે ધર્મેન્દ્ર પણ તેના અસલી હીરોપણન કારણે સારી સફળતા મેળવી શક્યો હતો. ફુલ ઔર પત્થરમાં તો જાજરમાન મીનાકુમારીનું દિલ જીતી લીધું હતું, તો આદમી ઔર ઈન્સાનમાં સાયરાબાનુ ધર્મેન્દ્ર માટે દિવાની બની ગઈ હતી. જો કે તે પછી તેણીને દિલીપકુમાર જ લઈ ગયો હતો. ધર્મેન્દ્રની તમામ ફિલ્મો સફળ રહી હતી, તેના તમામ ગીત-સંગીત સફળ અને લોકપ્રિય રહ્યાં હત. આદમી ઔર ઈન્સાનમાં તેનો અભિનય ફીરોઝખાન સાથે હતો જ્યારે આઈ મિલન કી બેલામાં ધર્મેન્દ્રનો અભિનય વિલનનો હતો. જેમાં તે સફળ રહ્યો હતો તેના તમામ ગીતો સફળ રહ્યાં હતા.

ધર્મેન્દ્રની યાદગાર ફિલ્મ રહી હતી આંખે. દેશભક્તિ પરની આ ફિલ્મમાં ધર્મેેેેેેેેેેેેન્દ્રનો અભિનય લાજવાબ હતો તેના તમામ ગીતો સફળ રહ્યાં હતા જેમાં ખાસ કરીને માલાસિંહા પર દર્શાવવામાં આવેલ ગીત મિલતી હૈ જિંદગી મેં મહોબત કભી કભી તથા મહેમુદ પર ફિલ્માવેલ ગીત અરે, કહાં છુપ કહાં હૈ કઠોર પણ ખૂબ જ સફળ રહ્યાં હતા. આ ફિલ્મમાં શંકર જયકિશનની મહેનત મહેનત લેખે લાગી હતી. કાજલમાં ધમેન્દ્રનો અભિનય ખુંખાર અભિનેતા રાજકુમાર સામે ઝાંખો પડે તેવો નહોતો. ધર્મેન્દ્રએ હિંમતવાન અભિનય આપ્યો હતો. આ ચલચિત્રની કથાવસ્તુ ગીત સંગીતથી ભરપુર હતી.

ભારતીય ચલચિત્રોમાં જે કલાકારો અભિનય આપતા હોય છે તેમાં તેઓ એટલા તો ઓતપ્રોત થઈ જતાં હોય છે કે એમ જ અનુભવ થાય કે તેઓ તે કથાવસ્તુના સાચા પાત્રો જ છે. જ્યારે ગુજરાતી ચલચિત્રોમાં કલાકારોનો અભિનય નાટકીય લાગતો હોય છે તેમાં ખરેખર વાસ્તવિકતા જોવા નથી મળતી. ગામડામાં રહેતા હોય તેવા રહેવાસીએ આકાશવાણીના ઉદ્‌ઘોષ જેવી વાતો કરતા નથી હોતા તેમાં જે ભાષાકીય લઢણ હોય છે તે જ તેવી ખરી વાસ્તવિકતા હોય છે જ્યારે ગુજરાતી કલાકારો લોકજીવનમાં બોલાતી ભાષા નથી રજૂ કરી શકતા એટલે ખાસ પ્રકારના પ્રેક્ષકોએ આજે પણ પોતાની માતૃભાષામાં જ રજૂ થતાં ચલચિત્રો જોવા નથી ગમતા.

હિન્દી કે ઉર્દૂ આપણી માતૃભાષા નથી આમ છતાં ભારતીય હિન્દી ચલચિત્રોમાં કલાકારો દ્વારા બોલવામાં આવતી હિન્દી ભાષા ગમે તેવા અભણ અને ગામડાના રહેવાસી સારી રીતે સમજી શકતા હોય છે તે પાછળનું કારણ કલાકારોના અભિનયની વાસ્તવિકતા જ હોય છે. હિન્દી કલાકારો પાસે નિર્દેશકો તેવી રીતે જ કામ લેતા હોય છે તે માટે અનેક પ્રકારની મહેનત કરવી પડતી હોય છે સામાન્ય માનવી જો શુટીંગ જોવા જાય તો તે કંટાળી જ જતો હોય છે કેમ કે એટલા રીટેક લેવાતા હોય છે કલાકારો પાસે કોઈપણ ચલચિત્રની કથાવસ્તુનો સાચો નિચોડ આપવા માટે નિર્દેશક ખૂબ જ મહેનત કરતો હોય છે.

ચોકલેટી હીરો મનોજકુમારે શરુઆતમાં પ્રેમી તરીકેની છાપ ચલચિત્રોમં ઉભી કરી હતી અનેક ચલચિત્રોમાં તેણે દિલીપકુમારની નકલ કરીને પોતાની એક ખાસિયત પ્રેક્ષકોના દિલ દિમાગ પર ઉભી કરી હતી તે પછી તે દેશપ્રેમી બનીને તેણે અલબત એવા સારા ચલચિત્રો રજૂ કર્યાં કે આજે પણ તે ચલચિત્રોની કથા અને તેના ગીત સંગીત કાયમી લોકપ્રિય રહ્યાં છે. ગુમનામ, હરિયાલી ઔર રાસ્તા જેવા સફળ ચલચિત્રો પછી તેના તમામ દેશભક્તિના ચલચિત્રો સફળ રહ્યાં હતા. દશ નંબરીનો આ હીરો ઉપકાર, ક્રાંતિ, શહીદ જેવા ચલચિત્રોમાં તેનો અભિનય તેના ચાહકો પૂરતો સફળ રહ્યો હતેા. જ્યારે તે ચલચિત્રોના તમામ ગીતો સંગીત અમર રહ્યા હતા.

બધાથી અલગ એવો તોફાની નટખટ શમ્મીકપુર પણ તે વખતમાં ખૂબ જ છવાયેલો હતો તેના ચલચિત્રોમાં શંકર જયકિશન સંગીતકારનો સારો એવો સથવારો રહ્યો હતો. આ ઉછળકુદ કરનારો શમ્મીકપુર ફકત એક જ એવા ચલચિત્ર ઉજાલામાં જ ગંભીર રહ્યો હતેા. બાકીના ચલચિત્રોમાં તેના વાંદરાવેડા ખૂબ જ પ્રેક્ષકોને પસંદ પડ્યા હતા જે યાદગાર રહ્યાં છે.

જંગલી અને પ્રોફેસરમાં તેનો ડબલ પ્રકારનો અભિનય લાજવાબ રહ્યો હતેા જંગલીમાં તે એક ખુંખાર ક્રોધી યુવાન રહ્યો હતો. જ્યારે કાશ્મીરમાં ગયા પછી સાયરાબાનુનો સાથ મળતા તે તદ્દન જ બદલાઈ જાય છે અને નટખટ બની રહે છે. આ ચલચિત્રમાં શંકર જયકિશનની પણ કમાલ રહી હતી. આ ચલચિત્રનું ટાઈટલ ગીત આજે પણ તેટલું પ્રિય રહ્યું છે. ચાહે કોઈ મુઝે જંગલી કહે યાહુ તે પછી અહેસાન હોગા મુઝ પર તે સાથે કાશ્મીર કી કલી હું મે…આજે પણ જાણીતું છે. અબ કહાં જાયે હમ…મન્નાડેના કંઠે ગવાયેલું ગીત અનેક પ્રાર્થનાઓમાં રજૂ થતું હોય છે.

શમ્મીકપુરનો અભિનય રાજકુમારમાં ખૂબજ સફળ રહ્યો હતો. અભિનેત્રી સાધના સાથે શમ્મીકપુર સારી રીતેત ખીલ્યો હતો. આ ચલચિત્રના તમામ ગીત સંગીત લોકપ્રિય રહ્યાં હતા. ઈસ રંગ બદલતી દુનિયા મેં ઈન્સાન કી નિયત ઠીક નહીં. આ ગીત આજના યુવાન યુવતીઓને પણ લાલબતી દર્શાવતું યાદગાર બની ગયું છે. જેમાં કવિએ જણાવ્યું કે નિકલા ના કારો તુમ સજધમ કે ઈન્સાનકી નિયત ઠીક નહીં યુવતીએ એવા વસ્ત્રોનો પરિધાન કરવો જોઈએ નહીં કે કોઈની નજર લાગી જાય. આ સાથે આ ચલચિત્રનું લતાજીએ ગાયેલું ગીત આજા મેરે રાજકુમાર…પણ લોકપ્રિય રહ્યું છે તે સામે મોહમદરફીનું ગીત હમ હૈ યહાં કે રાજકુમાર પણ આજે અનેક કાર્યક્રમોમાં ગવાતું હોય છે.

શમ્મીકપુરની અદા ખાસ કરીને જૂના ચાયના ટાઉનમાં લાજવાબ હતી. શકીલા સાથેનો અભિનય તથા હાથ પરની બે આંગળીની ઝલક ચલચિત્ર નિહાળનારની છાપ પર કાયમી રહી જાય તેવી હતી. આ ચલચિત્રમાં તેની બેવડી ભૂમિકા હતી. ઓ.પી. નૈયરનું સંગીત જેમાં હતું તેમાં શમ્મીકપુર ખૂબ જ સફળ રહ્યો હતો જેમાં ખાસ કરીને ફિર વેાહી દિલ લાયા હું યાદગાર બની રહ્યું હતું.

ભારતીય ચલચિત્ર જગતમાં મહેમુદ જેવો હાસ્ય કલાકાર મળવો મુશ્કેલ છે. આ કલાકારએ પોતાના જીવનકાળમાં લોકોને હસાવ્યા છે તો રડાવ્યા પણ છે ભૂત બંગલા જેવી ભયાનક રહસ્યમય ફિલ્મ દ્વારા ડરાવ્યા પણ છે તો હીરો બનીને અનેક ચલચિત્રોમાં પ્રેમના રાગ પણ ગાયા છે. છોટે નવાબ પછીથી તેની લોકપ્રિયતા ખૂબ જ વધી હતી. આ પછી મદ્રાસના તમામ ચલચિત્રોમાં મહેમુદનો અભિનય તો હંમેશા રહેતો હતો. પડોશનમાં તો સુનિલદત્ત અને કિશોરકુમાર સાથે તેનો અભિનય શ્રેષ્ઠતમ રહ્યો હતો. આંખેમાં ધર્મેન્દ્રની શોધમાં ફકીર બનીને વિદેશની ધરતી પર માલાસિંહા સાથે ગીત ગાતો મહેમુદ રોમેન્ટીક લાગતો હતો. દે દે અલ્લાહ કે નામ પે દે દે…આ ગીત મોહમદરફીનું ખૂબ જ સફળ રહ્યું હતું તો મહેમુદએ ગાયેલું ગુમનામ માં હમ કાલે હૈ તો ક્યા હુવા દિલવાલે હૈ મુળ ગીત મહેમુદ રફી સાહેબ ગાયું છે જ્યારે મહેમુદનો વચ્ચે વચ્ચે સુર હતો. આ રીતે મહેમુદે ચલચિત્ર કુંવારા બાપમાં કિશોરકુમારના કંઠે ગવાયેલું ગીત આ નીંદીયા આ માં તો પ્રેક્ષકોને રડાવી દીધા હતા.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *