કંગનાએ કહ્યું,સ્વાભાવિક છે, મારી ફિલ્મ રિલીઝ થવા માટે તૈયાર હતી, તેથી મેં મારી અંગત મિલકત દાવ પર લગાવી હતી
Mumbai, તા.૨૦
કંગના રણૌત સોમવારે નવી દિલ્હીના એક કાર્યક્રમમાં હાજર રહી હતી, ત્યારે તેણે ખુલાસો કર્યો કે મુંબઈમાં પાલિ હિલ ખાતે આવેલો બંગલો તેણે વેચવો પડ્યો છે. તેણે કહ્યું કે ‘ઇમરજન્સી’ રિલીઝ ન થતાં તેને ઘણું નુકસાન વેઠવું પડ્યું છે, તે ભરપાઈ કરવા માટે તેણે આ નિર્ણય લેવો પડ્યો છે. કંગનાએ કહ્યું,“સ્વાભાવિક છે, મારી ફિલ્મ રિલીઝ થવા માટે તૈયાર હતી. તેથી મેં મારી અંગત મિલકત દાવ પર લગાવી હતી. હવે તે રિલીઝ ન થઈ, તો આમ પણ તમારી મિલકત તો મુશ્કેલીના સમય માટે જ હોય છે.” આ મહિનાની શરૂઆતમાં અહેવાલો આવ્યા હતા, જેમાં કંગનાએ એક વિવાદાસ્પદ મિલકત ૩૨ કરોડમાં વેચી હોવાની વાત હતી. કંગનાએ આ બંગલો સપ્ટેમ્બર ૨૦૧૭માં ૨૦.૭ કરોડમાં ખરીદ્યો હતો. તેણે ડિસેમ્બર ૨૦૨૨માં આ માટે આઈસીઆઈસીઆઈ બૅન્કમાંથી લૉન પણ લીધી હતી. કંગનાના પ્રોડક્શન હાઇસ મણિકર્ણિકા ફિલ્મ્સની ઓફિસ તરીકે આ બંગલાનો ઉપયોગ થતો હતો. સપ્ટેમ્બર ૨૦૨૦માં બીએમસીએ આ બંગલાનો કેટલોક હિસ્સો ગેરકાયદેસર બાંધકામના કારણે તોડી પાડ્યો હતો. ૯ સપ્ટેમ્બરે બોમ્બે હાઇકોઈર્ટે સ્ટે ઓર્ડર આપતાં આ તોડી પાડવાની કામગિરી અટકાવી દેવામાં આવી હતી. કંગનાએ બીએમસી વિરુદ્ધ કેસ કરીને ૨ કરોડના વળતરની માંગણી કરી હતી. પરંતુ મે ૨૦૨૩માં તેણે આ કેસ પાછો ખેંચ્યો હતો. કંગનાની ‘ઇમરજન્સી’ ૬ સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. પરંતુ સેન્સર બોર્ડે ક્લીયર ન કરતાં ફિલ્મની રિલીઝ અઠકી ગઈ. કેટલીક શીખ સંસ્થાઓ દ્વારા આ ફિલ્મ પર પ્રતિબંધ લાદવાની માગણી કરી છે. આ કાર્યક્રમ દરમિયાન કંગનાએ કહ્યું,“આ આપણો ઇતિહાસ છે અને તે ઇરાદાપૂર્વક છુપાવવામાં આવ્યો છે. આપણને એ કહેવાયો જ નથી. ભલા માણસોનો જમાનો જ નથી. મારી ફિલ્મ રિલીઝ થવા માટે તૈયાર છે. ૪ ઇતિહાસકારોએ ફિલ્મની તપાસ કરી છે. અમારી પાસે ચોક્કસ દસ્તાવેજો પણ છે. ફિલ્મમાં કશું ખોટું નથી. પરંતુ કેટલાંક લોકો ભિંદરાનવાલેને સંત, ક્રાંતિવીર કે નેતા ગણે છે, તેઓ અરજીઓથી મને ડરાવવા ધમકાવવા માગે છે. મને ધમકીના ફોન પણ આવ્યા છે. આ પહેલાની સરકારે ખાલીસ્તાનીઓને આતંકવાદી જાહેર કર્યા હતા. ભિંદરાનવાલે મંદિરમાં એકે૪૭ લઈને બેઠો હતો, એ સંત નહોતો.”