Surat,તા.13
સુરતના વરાછા વિસ્તારમાં વિવિધ કામગીરી માટે રસ્તા બંધના જાહેરનામા પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવે છે આ રસ્તા બંધ હોવાના કારણે દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે અને લોકોમાં ભારે આક્રોશ તે તે જોઈને વરાછા રોડના ધારાસભ્ય પણ અકળાયા છે. તેઓએ પોલીસ કમિશનરને પત્ર લખીને પુછ્યું છે કે, ભયંકર ટ્રાફિકની સમસ્યાથી લોકોને પારાવાર મુશ્કેલી ઉભી કરી વિકાસ કરવો કેટલે અંશે વ્યાજબી ? આ ઉપરાંત પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે, ટ્રાફિક નિયમનની સમજ માટે જે પોલીસ મુકવામાં આવી છે તે પોલીસ હેલ્મેટના દંડ ઉઘરાવવામાં વ્યસ્ત રહે છે તેથી લોકોને ટ્રાફિકનો ત્રાસ ન થાય તેવી કામગીરી માટે માંગણી કરી છે.
સુરત શહેરમાં હાલ ચાલી રહેલી મેટ્રોની કામગીરી ઉપરાંત અન્ય કામગીરીના કારણે અનેક રસ્તા બંધ કરવામાં આવે છે. અનેક જગ્યાએ તો મેટ્રો પોલીસ કે પાલિકાને જાણ કર્યા વિના આડેધડ રસ્તા બંધ કરી દે છે જ્યારે કેટલીક વખત પોલીસ જાહેરનામાના આધારે રસ્તા બંધ કરી દે છે તેના કારણે શહેરમાં ભારે ટ્રાફિક સમસ્યા થઈ રહી છે. જોકે, હાલમાં પોલીસ કમિશ્નર દ્વારા વરાછા વિસ્તારમાં રોડ બંધ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે તેના કારણે ભારે ટ્રાફિક સમસ્યા થઈ રહી છે. આ અંગે લોકોની અનેક ફરિયાદ બાદ વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણી અકળાયા છે.કુમાર કાનાણીએ વરાછા વિસ્તારમાં વકરતી ટ્રાફિક સમસ્યા અંગે પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો છે. તેઓએ જણાવ્યું છે કે, છેલ્લા 2 વર્ષથી વરાછા રોડ પર મેટ્રોની કામગીરી ચાલુ હોવાના લીધે સુરત રેલ્વે સ્ટેશનથી બરોડા પ્રિસ્ટેજ સુધીનો લંબે હનુમાન રોડ બંધ છે. તેમજ રામનગર ચાર રસ્તાથી સીમાડા નાકા કેનાલ રોડ મેટ્રોની કામગીરીને લીધે અમુક ભાગનો રોડ ચાલુ છે. સાથે વરાછા મેઈન રોડ પર છેલ્લા 2 માસથી ડ્રેનેજની કામગીરી ચાલુ હોવાના લીધે વરાછા પોલીસ સ્ટેશન થી લઇ હીરાબાગ સુધી બંધ કરવાનું જાહેરનામું અગાઉ બહાર પાડવામાં આવેલ છે. હાલમાં વરાછા પોલીસ સ્ટેશનથી મોહનની ચાલ સુધી આ રોડ સદંતર બંધ છે. વલ્લભાચાર્ય રોડ પર બ્રિજના રેમ્પની કામગીરીને કારણે પી.પી.સવાણી સ્કુલથી હીરાબાગ સુધી રસ્તાનું ડાયવર્ઝન આપેલ છે. આ સિવાય પાણીની મેઈન લાઈન લીકેજને કારણે વરાછા વિસ્તારમાં અવારનવાર આડેધડ ખોદકામ પણ થતા રહે છે.
હાલ થોડા સમય પહેલાં 16 ફેબ્રુઆરીથી વરાછા સેન્ટ્રલ વેર હાઉસ થી લઇ પોદાર સુધીનો રસ્તો 6 મહિના માટે બંધ કરવાનું નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં એફિલ ટાવર અને પોદાર આર્કેડ પાસે જે ટ્રાફિક પોલીસ ઉભી રહે છે તે લોકોને ટ્રાફિક નિયમન અને રસ્તાની ગાઈડ લાઈન માટે છે. પરંતુ તેના બદલે તેઓ હેલ્મેટ દંડ ઉઘરાવવામાં વ્યસ્ત રહે છે. અને ટ્રાફિકની સમસ્યા ઉભી કરે છે. તેમજ પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો બિલકુલ બંધ કરી જાહેરનામાંનો અમલ કરવો જોઈએ.
કાનાણીએ પત્રમાં લખ્યું છે કે, વરાછા વિસ્તારમાં વિકાસના કામો માન્ય છે. પરંતુ બધા રોડ બંધ કરી ભયંકર ટ્રાફિકની સમસ્યાથી લોકોને પારાવાર મુશ્કેલી ઉભી કરી વિકાસ કરવો કેટલે અંશે વ્યાજબી ગણાય ? લોકો ઓછામાં ઓછા હેરાન થાય તે ધ્યાને રાખી વિકાસના કામો થાય પણ લોકોને ટ્રાફિકનો ત્રાસ ન થાય તે રીતે તબક્કાવાર કામોનું આયોજન કરવું જોઈએ અને તબક્કાવાર રોડ બંધ કરવા જોઈએ તેવી માંગણી કરી છે.