New Delhi , તા.24
આજના જમાનામાં ફ્લાઇટ મુસાફરી એટલે કંટાળાજનક સફર. ખાસ તો એટલા માટે કે હવાઈસફર દરમિયાન મોબાઇલમાં ઇન્ટરનેટ નથી ચાલતું. સોશિયલ મીડિયાથી ફરજિયાતપણે પરેજી પાળવી પડે છે. આવા માહોલમાં પ્લેન મુસાફરી કરનાર બહુ બહુ તો મોબાઇલમાં ફિલ્મો અને વેબસિરીઝ જોઈ શકે, સંગીત સાંભળી શકે છે કે પછી પુસ્તકો/અખબારો/મેગેઝિનનું વાંચન કરી શકે. મોટાભાગના મુસાફરો એ રીતે જ હવાઈસફર પૂરી કરતા હોય છે. પણ જો તમને એમ કહેવામાં આવે કે મનોરંજન કરે એવા કોઈપણ ઉપાય અજમાવ્યા વિના તમારે કલાકોની હવાઈ મુસાફરી કરવાની છે તો? અશક્ય લાગે છે ને ટાસ્ક? પણ એવો એક ટાસ્ક હાલમાં ટ્રેન્ડમાં છે. લોકો હવાઈ મુસાફરીમાં કશું એટલે કશું જ કર્યા વિના ફક્ત બેસી રહેવાનો ટ્રેન્ડ ફોલો કરી રહ્યા છે, જેને નામ અપાયું છે ‘રૉડૉગિંગ’. શું છે આ નવીનતમ ટ્રેન્ડ? ચાલો જાણીએ.
શું છે રૉડૉગિંગ?
રૉડૉગિંગ એટલે એવી હવાઈ મુસાફરી જેમાં તમારે કંઈ કરતાં કંઈ જ કરવાનું નથી. ન મોબાઇલ જોવાનો, ન વાંચન કરવાનું, ન સંગીત સાભળવાનું, ન ફિલ્મો જોવાનું. મનોરંજન મળે એવું કશું જ નહીં કરવાનું. એ તો ઠીક, રૉડૉગિંગ કરતા હો ત્યારે ખાવા-પીવાનીય મનાઈ હોય છે. ખોરાક ને દારૂ તો ઠીક પાણી સુદ્ધાં નહીં પીવાનું! અરે, ઊંઘવાનીય મનાઈ છે! તમને થશે કે આ તો કંઈ વધારે પડતું જ કહેવાય. હા, વધારે પડતું તો છે, પણ એ જ છે રૉડૉગિંગ.
શા માટે ટ્રેન્ડમાં આવ્યું રૉડૉગિંગ?
આધુનિક જમાનામાં માણસમાત્રને ‘કિક’ મળે એવું નીતનવું કરવાનું જોઈતું હોય છે. રૉડૉગિંગ એવી જ ખેવનામાંથી ઉપજેલો ખયાલ છે. મનોરંજન આપે અને વ્યસ્ત રાખે એવા કોઈપણ પ્રકારના બાહ્ય સાધનોનો ઉપયોગ કર્યા વિના હવાઈ મુસાફરી કરવાનો આ લેટેસ્ટ ટ્રેન્ડ સોશિયલ મીડિયા પોસ્ટના પ્રતાપે શરૂ થયો છે. કોઈક ફ્લાઇટમાં કશીક ટેકનિકલ ખરાબીને કારણે પ્લેનના બધા ટીવી સ્ક્રીન કામ કરતાં બંધ થઈ ગયા અને મુસાફરોએ મનોરંજન વિના સમય પસાર કરવો પડ્યો, એમાંથી કોઈ ભેજાબાજે રૉડૉગિંગનો કન્સેપ્ટ રજૂ કર્યો અને એના સાચા-ખોટા ફાયદા જણાવ્યા. એ પછી એનું અનુકરણ કરીને લોકો આ ટ્રેન્ડ ફોલો કરતાં થઈ ગયા.
શું કરવાનું હોય છે રૉડૉગિંગમાં?
પ્લેન ગગનગામી થાય એટલે મોબાઇલમાં સર્વિસ પ્રોવાઇડર તો ગાયબ થઈ જ જાય. ઇન્ટરનેટના અભાવમાં આપણે મોબાઇલમાં સંઘરેલી ફિલ્મો અને વેબસિરીઝો જોવા માંડીએ. રૉડૉગિંગમાં એ બધું કરવાની મનાઈ હોય છે. મોબાઇલ ગજવે ઘાલી દેવાનો. ભેગા કોઈ છાપા/મેગેઝિનો પણ નહીં લેવાના. પ્લેનમાં અપાતું સાહિત્ય પણ નહીં વાંચવાનું. ખાવાનુંય નહીં, પીવાનુંય નહીં, પાણી પણ નહીં ને ઊંઘવાનુંય નહીં. આજુબાજુના મુસાફરો સાથે પંચાતેય નહીં કરવાની. તો કરવાનું શું? બસ, વિચાર કરવાના. ‘મૈં ઔર મેરી તન્હાઈ’ને માણવાનું. જાત સાથે મૌન સંવાદો સાધવાના, એમ કરીને ‘સ્વ’ની ઓળખ મેળવવી, ખુલ્લી આંખે મેડિટેશન કરીને ધ્યાનાનંદ મેળવવો, એવો ઉમદા વિચાર છે રૉડૉગિંગનો.
શું ફાયદા છે રૉડૉગિંગના?
સ્વયં-લાદિત એવા રૉડૉગિંગનો મોટો ફાયદો એ કે તમે પોતાની જાત સાથે સંવાદ સાધી શકો. લાંબી ફ્લાઇટમાં કલાકો સુધી ગંભીર, વિચાર, મનન, મંથન કરી શકો. એમ કરવામાં આધ્યાત્મિક અને આત્મિક આનંદ મળે છે, ‘સ્વ’ની ઓળખ થાય છે. મૌન પાળવાથી શારીરિક શક્તિ બચે અને મનને શાંતિનો અનુભવ થાય છે. રૉડૉગિંગ થકી આત્મ-જાગૃતિ, આત્મ-નિરીક્ષણની તક મળે છે, એના લીધે વ્યક્તિની સમસ્યાનું નિરાકરણ મળી શકે છે. એને મેડિટેશન તરીકે લો તો તણાવ અને ચિંતામાં રાહત પણ થઈ શકે છે. ભવિષ્યની યોજનાઓ વિશે વિચારવા માટે તથા તમારી જાત પ્રત્યે અને તમારી લાગણીઓ પ્રત્યે વધુ સભાન અને સહાનુભૂતિશીલ બનવામાં પણ રૉડૉગિંગ મદદરૂપ થઈ શકે છે.
શું ખરેખર એમ થાય છે?
થઈ શકે. એક હદ સુધી રૉડૉગિંગ ફાયદાકારક નીવડી શકે એમ છે. પણ એના પણ જોખમો છે. આપણે સૌ બાહ્ય ઉપકરણોના એટલા આદિ થઈ ચૂક્યા છીએ કે એની પરેજી પાળવામાં ઉલમાંથી ચૂલમાં પડવા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને લાંબી મુસાફરી દરમિયાન રૉડૉગિંગ જોખમી નીવડી શકે એમ છે.
કેવી મુસીબત નોંતરી શકે છે રૉડૉગિંગ?
પડકાર તરીકે લેવાઈ રહેલા આ રૉડૉગિંગ સામે સ્વાસ્થ્ય નિષ્ણાતો લાલ બત્તી ધરે છે. મનોચિકિત્સકો અને અન્ય ફ્રેટરનિટીના ડોક્ટરો કહે છે કે, કલાક, બે કલાકની ફ્લાઇટ દરમિયાન રૉડૉગિંગ કરવામાં વાંધો નથી, એટલા સમય માટે તો કોઈપણ મનોરંજન-માહિતી-મોબાઇલ વિના રહી શકે, પણ એનાથી વધુ સમય માટે રૉડૉગિંગ કરવું માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. ખાસ કરીને વાતવાતમાં ચિંતા કરવાનો સ્વભાવ હોય એવા એન્ગ્ઝાઇટી ઇશ્યૂ ધરાવનાર લોકો માટે રૉડૉગિંગ હિતાવહ નથી. એમ કરવામાં એમની સમસ્યા વકરવાની પૂરી સંભાવના હોય છે. રૉડૉગિંગ કરવામાં તમારું ચિંતાગ્રસ્ત મગજ એકના એક વિચારો કરીકરીને પેનિક એટેક જેવી સમસ્યા પણ નોંતરી શકે છે. મોબાઇલ, વાંચન, ખોરાક અને એના જેવા અન્ય બાહ્ય પરિબળો થકી મળતી ઉત્તેજનાની સંપૂર્ણ ગેરહાજરીને કારણે ક્લોસ્ટ્રોફોબિયા અને બેચેની જેવી સમસ્યાઓ પણ સંભવી શકે છે, જેના પરિણામે શારીરિક અને માનસિક તકલીફ થાય છે.
બીજું બધું તો ઠીક, પણ રૉડૉગિંગ દરમિયાન પાણી ન પીવાથી ગંભીર શારીરિક સમસ્યા થઈ શકે છે. વિમાનમાં હવા ખૂબ જ શુષ્ક હોય છે, જેને કારણે પાણી ન પીવાય તો ડિહાઇડ્રેશન થઈ શકે છે. એ જ રીતે, લાંબા અંતરની ફ્લાઇટમાં રૉડૉગિંગ કરવાની લાયમાં ઘણા લોકો પેશાબ કરવાય નથી જતાં, જે બિલકુલ હિતાવહ નથી. એ જ પ્રકારે ઊંઘ આવતી હોવા છતાં ન ઊંઘવાથી શરીર પર પ્રતિકૂળ અસર પડી શકે છે.
શું કહે છે નિષ્ણાતો?
મનોચિકિત્સકો કહે છે કે, ટૂંકા ગાળાની ફ્લાઇટમાં રૉડૉગિંગ થેરપી જેવું લાગી શકે છે, પણ લાંબી ફ્લાઇટમાં આ અખતરો કરવા જેવો નથી, કેમ કે એ કરવામાં ફાયદા કરતાં નુકશાન વધારે છે. આધુનિક જમાનામાં માણસને પારિવારિક, આર્થિક, સ્વાસ્થ્ય-સંબંધિત એમ હજાર જાતની ચિંતા હોય છે, એવી ચિંતાઓ લાંબા સમય સુધી રૉડૉગિંગ કરવામાં વધી જવાનું જોખમ છે. મનોરંજનના માધ્યમો સૌને ચિંતામુક્ત રાખવાનું કામ કરે છે, પણ એની પરેજી ચિંતાઓમાં વધારો કરવાનું કામ કરે છે. ભૂતકાળમાં બનેલી ભયાનક દુર્ઘટનાના વિચાર પણ રૉડૉગિંગ દરમિયાન વરવું સ્વરૂપ ધારણ કરી શકે છે.
કોણ ફોલો કરી રહ્યું છે રૉડૉગિંગનો ટ્રેન્ડ?
મુખ્યત્વે પુરુષો આ ચેલેન્જ ઉપાડીને રૉડૉગિંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ફોટો અને વિડીયો મૂકીને અનેક મેલ યુઝર્સ એમના રૉડૉગિંગના અનુભવ શૅર કરી રહ્યા છે, જેને ફોલો કરીને અન્ય લોકો પણ આ અખતરો કરી રહ્યા છે. એર અરેબિયા જેવી અમુક ફ્લાઇટમાં રૉડૉગિંગ કરવું સરળ બની જતું હોય છે, કેમ કે એવી ફ્લાઇટમાં મફતમાં પાણી પણ નથી આપતા.
ક્યાંથી આવ્યો આ શબ્દ?
રૉડૉગિંગ શબ્દનું મૂળ જાણશો તો ચોંકી જસો. અસુરક્ષિત યૌન સંબંધ બાંધવાની ક્રિયા માટે રૉડૉગિંગ શબ્દ વપરાય છે! એનો એક બીજો અર્થ છે, કોઈપણ પ્રકારની તૈયારી કે તાલિમ કે રક્ષણાત્મક અભિગમ વિના કોઈ પ્રવૃત્તિમાં ઝુકાવી દેવું, ભાગ લેવો. હવાઈયાત્રાના સંદર્ભમાં જોઈએ તો સમય પસાર કરવા માટેની કોઈપણ પ્રકારની પ્રવુત્તિઓથી પરેજી પાળવી એટલે રૉડૉગિંગ.
રૉડૉગિંગ કરવું જ હોય તો..?
ટ્રેન્ડ ફોલો કરવા ખાતર પણ તમારે ધરાર રૉડૉગિંગ કરવું જ હોય તો વચ્ચેનો રસ્તો અપનાવી શકાય. અતિની ગતિ નથી હોતી, એ ધ્યાનમાં રાખીને તમે રૉડૉગિંગ કરી શકો. જેમ કે, મોબાઇલ, સંગીત અને વાંચનથી ભલે દૂર રહો, પણ પાણી અને ખોરાકથી પરહેજ ન કરો. પેશાબ જેવા શારીરિક આવેગોને ન દબાવો. ઊંઘ આવે તો ઊંઘી લો. ‘ગો વિથ ધ ફ્લો’ની રીતે રૉડૉગિંગ કરશો તો નુકશાન નહીં થાય.
લાંબી વાતનો ટૂંકો સાર એ જ કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કોઈપણ ટ્રેન્ડને આંખ બંધ કરીને ફોલો કરવો નહીં. રૉડૉગિંગ જેવા ટ્રેન્ડનો આધ્યાત્મિક એન્ગલ પકડી શકો, એને સભાનપણે અનુસરી શકો અને એના ફાયદા મેળવી શકો તો એનાથી રૂડું બીજું કશું નથી, પણ એનું આંધળું અનુકરણ કરીને મુસીબતોને આમંત્રણ આપવામાં ડહાપણ નથી.