New Delhi,તા,10
દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાએ 86 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. ભારતે બહુમૂલ્ય ‘રતન’ગુમાવી દીધુ છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનથી બિઝનેસ જગત સહિત સમગ્ર દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રતન ટાટાનું જીવન દરેક વ્યક્તિ માટે મોટા ઉદાહરણ સમાન છે. ભારતની કરોડરજ્જુ ગણાતા એવા ઉદ્યોગપતિ રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓ તેમના ઉદાર કાર્યો અને દુરદર્શિતા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતા.
રતન ટાટા એ દુનિયાને અલવિદા કહી દીધું છે પરંતુ તેઓ હંમેશા દેશવાસીઓના દિલમાં રાજ કરતા રહેશે. તેઓ મોટા ઉદ્યોગપતિ તો હતા જ પરંતુ ઉદ્યોગની સાથે-સાથે તેમણે દેશ પ્રત્યે પોતાની જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવી છે. ત્યારે હવે આજે દરેક લોકો તેમના અંગત જીવન વિશે જાણવા માંગે છે કે તેમના પરિવારમાં કોણ-કોણ છે?રતન ટાટાએ લગ્ન નહોતા કર્યા તેવો જીવનભર દેશના વિકાસ અને લોકો માટે વિચારતા રહ્યા. તેઓ ભારતના લોકો માટે જ નહીં પરંતુ વિશ્વભરના લોકો માટે એક મિસાલ હતા. તેમણે ટાટા ગ્રુપને પોતાની મહેનત અને સમજદારીથી ઊંચાઈ પર પહોંચાડ્યું અને આજે પણ ટાટા ગ્રુપ ભારતની સૌથી વધુ કંપનીઓ વાળું ગ્રુપ છે. રતન ટાટાએ પોતાના જીવનમાં ઘણી એવી સિદ્ધિઓ હાંસલ કરી છે જે આજ સુધી કોઈ નથી કરી શક્યું.આ ઉપરાંત જ્યારે પણ દેશ પર કુદરતી આફત જેમ કે કોરોના જેવી કોઈ મુસીબત આવી ત્યારે દેશની મદદ કરવા માટે તેઓ સૌથી આગળ રહેતા હતા. આવા દિગજ ઉદ્યોગપતિની વિદાય એ ભારત માટે મોટી ખોટ છે.
ટાટા ગ્રુપ એટલું મોટું ગ્રુપ છે કે તે ‘મીઠું’ થી લઈને ‘જહાજ’ બનાવે છે. રતન ટાટાએ પોતાના જીવનમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેમને પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. પરંતુ શું તમે તેમની ‘લવ સ્ટોરી’ વિશે જાણો છો? તેમણે ખુદ આ સ્ટોરી શેર કરી હતી.
રતન ટાટાને આ દુઃખ સતાવતું હતું
રતન ટાટા પાસે બધું જ હતું પરંતુ તેમને એક દુઃખ હતું જેનો ઉલ્લેખ તેમણે પોતાના મેનેજર શાંતનુની સ્ટાર્ટઅપ Goodfellowsની ઓપનિંગ દરમિયાન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘તમને નથી ખબર કે એકલા રહેવું કેવું હોય છે? જ્યાં સુધી તમે એકલા સમય પસાર કરવા માટે મજબૂર નહીં થાઓ ત્યાં સુધી તમને એહસાસ નહીં થશે. જ્યાં સુધી તમે ખરેખર વૃદ્ધ ન થઈ જાવ ત્યાં સુધી કોઈને પણ વૃદ્ધ થવાની ઈચ્છા બિલકુલ નથી થતી.’
પ્રેમ થયો પરંતુ લગ્ન ન થઈ શક્યા
રતન ટાટા ના લગ્ન નહોતા થયા પરંતુ તેમની પણ એક લવ સ્ટોરી રહી હતી. જો કે તેમની આ લવ સ્ટોરી અધૂરી રહી ગઈ હતી. રતન ટાટાને એક કંપનીમાં કામ કરવા દરમિયાન લોસ એન્જિલ્સમા પ્રેમ થયો હતો, પરંતુ તેઓ આ મહિલા સાથે લગ્ન કરવાના જ હતા ત્યારે અચાનક તેમને ભારત પરત આવું પડ્યું કારણ કે તેમની દાદીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. રતન ટાટાના મનમાં એમ હતું કે, જે મહિલાને હું પ્રેમ કરું છું તે પણ મારી સાથે ભારત આવી જશે. પરંતુ રતન ટાટાના જણાવ્યા પ્રમાણે ભારત-ચીન લડાઈના કારણે મહિલાના માતા-પિતા તેમના ભારત આવવાના પક્ષમાં ન હોતા અને આવી રીતે તેમનો સંબંધ તૂટી ગયો. અને તેમની લવ સ્ટોરી અધૂરી રહી ગઈ.
પ્રેરણાસ્ત્રોત હતા રતન ટાટા
રતન ટાટા માટે કામ પૂજા સમાન હતું. તેમના મતે કામ ત્યારે જ સારું થાય છે જ્યારે તમે તેનું સન્માન કરો છો. તેમની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ હંમેશા શાંત અને નમ્ર રહેતા હતા. તે કંપનીના નાનામાં નાના કર્મચારીને પણ પ્રેમથી અને સન્માનથી મળતા હતા, તેમની જરૂરિયાતોને સમજતા હતા અને દરેક શક્ય રીતે મદદ કરતા હતા. તેઓ કહેતા હતા કે, જો તમારે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી હોય, તો તે કામની શરૂઆત ભલે તમે એકલા હાથે કરી હોય, પરંતુ તેને ઉંચાઈ પર પહોંચાડવા માટે લોકોના સહયોગ જરૂરી છે. લોકોના સાથે મળીને જ આપણે આગળ વધી શકીએ છીએ.
રતન ટાટાને પ્રાણીઓ અને ખાસ કરીને રખડતા કૂતરા ખૂબ જ પસંદ હતા. તે ઘણી એનજીઓ અને એનિમલ શેલ્ટર્સને પણ દાન આપતા હતા. તેમનો ટ્રસ્ટ આર્થિક સંકટથી પીડાતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે છે. આવા વિદ્યાર્થીઓએ જે.એન. ટાટા એન્ડોમેન્ટ, સર રતન ટાટા સ્કોલરશિપ અને ટાટા સ્કોલરશિપ દ્વારા મદદ પૂરી પાડવામાં આવે છે.