ચામુંડા સોસાયટીમાં બીમારી કંટાળી યુવાને જીવન ટૂંકાવ્યું
Rajkot,તા.05
શહેરના કાલાવડ.રોડ નજીક સરીતા વિહાર સોસાયટી પાસે અર્ચન એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.જેની જાણ થતા યુનિવર્સિટી પોલીસે બનાવસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.યુવાને આર્થિક ભીંસથી કંટાળી આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, સરીતા વિહાર પુલ પાસે આવેલા અર્ચન એપાર્ટમેન્ટમાં રહેતા અને ચોકીદારી કરનાર યુવાન અમર ઉર્ફે અરૂણ પ્રેમજીભાઇ પરિહાર(ઉ.વ ૨૫) એ ગઇકાલે રાત્રે અહીં પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ લીધો હતો.જેની જાણ થતા ૧૦૮ ના ઇએમટીએ અહીં આવી જોઇ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો.બનાવને પગલે યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો હતો.યુવાનના માતા હયાત નથી તેના પિતા માનસિક બીમાર છે.યુવાન અહીં તેના દાદી અને પિતા સાથે રહેતો હતો.બંનેની જવાબદારી યુવાન પર હોય આર્થિક ભીંસથી કંટાળી જઇ તેણે આ પગલું ભરી લીધુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ ડી.આર.રત્નુ ચલાવી રહ્યા છે.
જયારે અન્ય એક બનાવમાં રણછોડદાસ બાપુ આશ્રમ પાછળ ચામુંડા સોસાયટીમાં રહેતા મુકેશ રણછોડભાઇ બારૈયા(ઉ.વ ૨૫) નામના યુવાને ગઇકાલે સમી સાંજના પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો.જે અંગેની જાણ થતા ૧૦૮ ના ઇએમટીએ અહીં આવી જોઇ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.યુવાન મજુરી કામ કરતો હોવાનો અને તેના માતાપિતાનો એકનો એક સંતાન હોવાનું જાણવા મળ્યું છે.યુવાન છેલ્લા ઘણા સમયથી માનસિક બીમાર હોય તેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એમ.એન.પીઠીયા ચલાવી રહ્યા છે.