Rajkot તા.2
રાજકોટ શહેરનાં ગોંડલ રોડ પર આવેલ એસટીની જૂની વિભાગીય કચેરીની બાજુની જગ્યામાં આવેલ એસટીની જ 1431 ચો.મી. જમીન ઉપર નિર્માણ પામેલ રાજકોટ એસટી વિભાગની વિભાગીય કચેરીનું આગામી તા.4ને શનિવારનાં રોજ બપોરે એક કલાકે રાજયનાં ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે લોકાર્પણ થનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી આ નવી કચેરીનું નિર્માણ થતું હતું. જે તાજેતરમાં જ પૂર્ણ થયું છે.
રૂા.6.37 કરોડનાં ખર્ચે નિર્માણ થયેલ એસટીની નવી વિભાગીય કચેરી ગ્રાઉન્ડ પ્લસ બે ફલોર એ રીતે બનાવવામાં આવી છે. અદ્યતન સુવિધાઓ સાથે બનેલી આ નવી કચેરીનાં ગ્રાઉન્ડ ફલોરમાં બાંધકામ શાખા, સિવિલ રેકોર્ડ રૂમ, નાયબ ઈજનેરની ઓફીસ, ડ્રાઈવર ટેસ્ટ રૂમ, વેલ્ફેર રૂમ, સ્ત્રી-પુરૂષનાં અલગ શૌચાલય તથા પ્રથમ માળે હિસાબી શાખા, કેશ રૂમ, રેકર્ડ રૂમ, એકાઉન્ટ ઓફીસર રૂમ, વહીવટી શાકા રેકોર્ડ રૂમ, વહીવટી અધિકારીની કચેરી, વિગેરે સુવિધા ઉપલબ્ધ હશે.
જયારે બીજા માળે લેબર શાખા, લેબર ઓફીસરનો રૂમ, આંકડા શાખાનાં ઓફીસરનો રૂમ, પરિવહન શાખા, ડી.ટી.ઓ. ઓફીસરોનાં રૂમો, રેકોર્ડ રૂમ, જી.પી.એસ. રૂમ, સર્વર શાખા, તથા સ્ત્રી-પુરૂષ માટે શૌચાલય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે.