Rajkot,તા.૨૨
રાજકોટમાં સર્વજ્ઞાતિય સમુહલગ્નમાં આયોજકો ફરાર થતા વરરાજા-વહુ અને જાનૈયાઓ રઝળી પડ્યા હતા. મોટો વિવાદ ઉભો થતા પોલીસને બોલાવવી પડી હતી અને પોલીસે સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટ પોલીસે જ તમામ ૨૮ યુગલોના લગ્ન કરાવ્યા હતા.
રાજકોટ પોલીસ વરઘોડીયાઓની વહારે આવી હતી. રાજકોટ પોલીસે લગ્ન કરાવ્યા હતા.. રાજકોટ ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમારે કહ્યું કે, જેટલા યુગલો અહીં છે તેમના લગ્ન રાજકોટ પોલીસ કરાવશે. ૨૮ યુગલોના લગ્ન હતા પણ આયોજકો ફરાર થઇ જતા વિવાદ થયો હતો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.કોંગ્રેસના નેતા વશરામ સાગઠીયા પણ મંડપ ખાતે પહોંચ્યા હતા. વિપક્ષે પણ યુગલોના લગ્ન કરાવવાની તૈયારી દર્શાવી છે તેમજ આયોજકો સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રાજકોટમાં ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ૨૮ નવદંપત્તિ લગ્નના તાંતણે બંધાવાના હતા. જોકે જ્યારે લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ત્યા કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી. કન્યા પક્ષ અને વર પક્ષે આરોપ લગાવ્યો છે કે, અમારી પાસેથી ૧૫-૧૫ હજાર રૂપિયા ઉઘરાવવામા આવ્યા હતાં અને એન.વી ઈવેન્ટ ગ્રુપ નામથી રસીદ પણ આપવામાં આવી હતી. ડિસેમ્બર-૨૦૨૪માં સમૂહ લગ્ન માટેનું બુકિંગ કરવામાં આવ્યું હતું. હવે રુપિયા લઈને આયોજકો ફરાર થઈ ગયા છે. તેમણે ફોન પણ બંધ કરી દીધો છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા છે. સવારે ૪થી ૬ના ગાળામાં ૨૮ જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી હતી.