Rajkot માં હવેની પ્રથમ ટર્મમાં જનરલ, બીજી ટર્મમાં SC મહિલા

Share:

Rajkot, તા. 20
રાજયમાં જુનાગઢ મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો મોટો રાઉન્ડ પૂરો થયો છે અને ચારે તરફ કમળની સુવાસ ફેલાઇ છે ત્યારે હવે મેયર સહિતના પદાધિકારીઓ પસંદ કરવા કવાયત ચાલી રહી છે. આ દરમ્યાન રાજય સરકારે રાજયના કુલ આઠ કોર્પોરેશન માટે આગામી ટર્મના મેયરના રોટેશન જાહેર કરી દીધા છે.

જુનાગઢમાં હવે પ્રથમ અઢી વર્ષ માટે જનરલ અને બીજા અઢી વર્ષની ટર્મ માટે બેકવર્ડ કલાસ મહિલા મેયર બનવાના છે. તો ડિસેમ્બરમાં યોજાનારી રાજકોટ મહાપાલિકાની ચૂંટણી બાદ સૌ પહેલા આ વખતે જનરલ અને બાકીના અઢી વર્ષની ટર્મ માટે શેડયુલ કાસ્ટ મહિલાને મેયર બનાવવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.

શહેરી વિકાસ વિભાગે પ્રસિધ્ધ કરેલા નોટીફીકેશનમાં તમામ આઠ મહાપાલિકાના આ રોસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. ચાલુ ટર્મમાં રાજકોટમાં પ્રથમ ટર્મમાં ઓબીસી મેયર તરીકે ડો.પ્રદીપ ડવ હતા. તો હાલ જનરલ મહિલા કેટેગરીમાં   નયનાબેન પેઢડીયા કામ કરી રહ્યા છે. હવે આવતા વર્ષે પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદ સામાન્ય જ્ઞાતિમાંથી મળવાનું હોય, ડિસેમ્બરમાં ચૂંટણી લડવા માંગનારા સામાન્ય, ઉજળીયાત જ્ઞાતિના ઉમેદવારોમાં થનગનાટ વધશે.

રાજકોટ સહિતના બાકીના કોર્પોરેશનોની ચૂંટણી પણ પ્રથમ વખત 27 ટકા અનામત સાથે યોજાવાની છે. પ્રથમ વખત રાજકોટના કુલ 18 વોર્ડની 72 બેઠક પૈકી 27 ટકા બેઠક ઓબીસી માટે અનામત રહેવાની છે. મહાપાલિકામાં અગાઉથી જ 50 ટકા બેઠક અનામત છે. હવે મહિલા અને ઓબીસી અનામતનું સંતુલન રાજકીય પક્ષોએ કરવાનું થશે. આ બે કેટેગરી સિવાયની અનામત કેટેગરીમાં પણ બેઠક ફાળવવામાં આવે છે તે ઉલ્લેખનીય છે.

દરમ્યાન શહેરી વિકાસ વિભાગે જુનાગઢ કોર્પો.ની ચૂંટણી સાથે તમામ કોર્પોરેશનમાં મેયરના પાંચ વર્ષની બે ટર્મના   રોટેશન જાહેર કર્યા છે. તે અનુસાર રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ જનરલ, બીજા અઢી વર્ષ શેડયુલ કાસ્ટ મહિલા મેયર બનશે.

તો અમદાવાદમાં પ્રથમ અઢી વર્ષ બેકવર્ડ કલાસ અને બીજા અઢી વર્ષ મહિલા, સુરતમાં મહિલા અને જનરલ,  વડોદરામાં શેડયુલ કાસ્ટ અને મહિલા બેકવર્ડ કાસ્ટ, ભાવનગરમાં મહિલા અને જનરલ, જામનગરમાં મહિલા અને જનરલ, ગાંધીનગરમાં બેકવર્ડ કલાસ અને મહિલા એ પ્રકારે અઢી-અઢી વર્ષના મેયર બેસશે.

દર વર્ષે મેયર પદને લઇને રાજકીય પક્ષોમાં ખુબ ઉત્તેજના હોય છે. હવે આ વખતે રોટેશન જાહેર થઇ જતા ઉમેદવારોની પસંદગીમાં પણ આ બાબત ધ્યાન પર રાખવામાં આવે તેવી ગણતરી છે.

જુનાગઢ કોર્પો.ની ચૂંટણી યોજાઇ ગયા બાદ વર્ષના આખરમાં રાજકોટ સહિત મુખ્ય ચાર મહાનગરોમાં મહાપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જે માટેની ગતિવિધી પણ થોડા મહિનામાં શરૂ થઇ જાય તેમ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *