Rajkotમાં તરખાટ મચાવનાર સમડી બેલડી ઝડપાય, આઠ ચિલઝડપનો ભેદ ઉકેલાયો

Share:
સોનાના દાગીના, વાહન, મોબાઈલ સહીત કુલ રૂ. 4.52 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી ક્રાઇમ બ્રાન્ચ
Rajkot,તા.04
શહેરમાં છેલ્લા એક માસથી ચીલઝડપના બનાવો છાસવારે સામે આવી રહ્યા હતા ત્યારે શહેરમાં બનેલી કુલ આઠ ચિલઝડપની ઘટનાને અંજામ આપનાર સમડી સુનિલ ઉર્ફે આર્યા અને જીતેશ ઉર્ફે જીનીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ સોનાના દાગીના, વાહન, મોબાઈલ ફોન સહીત કુલ રૂ. 4.52 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં છેલ્લા એક માસના સમયગાળાના ચીલઝડપની પાંચથી વધુ ઘટનાઓ અલગ અલગ પોલીસના ચોપડે નોંધાઈ હતી. જે પૈકી બે ચીલઝડપ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં જયારે ત્રણ યુનિવર્સીટી પોલીસ મથક વિસ્તારમાં નોંધાઈ હતી.
ક્રાઇમ બ્રાન્ચે સુનિલ ઉર્ફે આર્યા ભાવેશભાઈ શિયાળ(ઉ.વ.21 રહે  લોહાનગર રામાપીરના મંદિર પાસે, ગોંડલ રોડ, રાજકોટ) અને જીતેશ ઉર્ફે જીની નરેશભાઈ દુધરેજીયા(ઉ.વ.19 રહે લોહાનગર, ગોંડલ રોડ, રાજકોટ)ની ધરપકડ કરી એક સોનાની માળા, ત્રણ સોનાના ચેઇન, એક સોનાના ચેઇનની ટુકડો, એક હીરો સ્પલેન્ડર પ્લસ વાહન અને મોબાઈલ મળી કુલ રૂ. 4,52,500નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીઓએ છેલ્લા એક માસમાં કુલ આઠ ચિલઝડપ કર્યાની પ્રાથમિક કબૂલાત આપી છે. જે પૈકી તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્તાર સ્પીડવેલ ચોક નજીક નિવૃત શિક્ષિકાના ગળામાંથી સોનાનો હાર જયારે વૃદ્ધાના ગળામાંથી સોનાનો ચેઇન ઉઠાવી ગયાં હતા. જયારે યુનિવર્સીટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં યુવતીના ગળામાંથી ચેઇન, વૃદ્ધાના ગળામાંથી ગોપાલ ચોક નજીકથી સોનાનો ચેઇન ઝુંટવી ગયાની કબૂલાત આપી હતી. ઉપરાંત બેલડીએ એ ડિવિઝન પોલીસ તાબાના રામકૃષ્ણનગર નજીક એક્ટિવા ચાલક મહિલાના ગળામાંથી સોનાનો ચેઇન, ગાંધીગ્રામ પોલીસ તાબાના હનુમાનમઢી ચોક નજીકથી 20 દિવસ પીર્વે વૃદ્ધાના ગળામાંથી સોનાનો ચેઇન જયારે આમ્રપાલી અંડરબ્રિજ નજીકથી વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચિલઝડપ કરી લીધાની કબૂલાત આપી છે. આઠ બનાવ પૈકી પાંચમા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સુનિલ ઉર્ફે આર્યા વિરુદ્ધ હત્યાની કોશિશ, ચોરી, લૂંટ હિતના ગુના રાજકોટ અને જામનગરમાં નોંધાઈ ચુક્યા છે જયારે આર્યા અગાઉ પાસા પણ કાપી ચુક્યો છે. અન્ય આરોપી જીની વિરુદ્ધ વર્ષ 2023માં ભક્તિનગર પોલીસમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાઈ ચુક્યો છે.
સમડી ગેંગ સામે સંગઠિત અપરાધની કલમનો ઉમેરો કરવા તજવીજ
સમડી ગેંગના બે સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને શખ્સોં સાથે મળીને જ ચીલઝડપને અંજામ આપતાં હતા પરંતુ ચીલઝડપ મારફત મેળવેલ મુદ્દામાલ સગેવગે કરવામાં હજુ અમુક શખ્સોની ભૂમિકા ખુલવા પામી હોય હવે પોલીસે બીએનએસ એક્ટની કલમ 111 એટલે કે સંગઠિત અપરાધની કલમનો ઉમેરી કરવા તજવીજ હાથ ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *