Rajkot,તા.27
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી રાજકોટ સહિત રાજયભરમાં ધો.10 અને 12 ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. જેની સાથે જ રાજયભરમાં પરીક્ષાફીવર છવાઈ જવા પામેલ છે.
રાજકોટ શહેર-જીલ્લાના 78430 સહિત રાજયનાં 14.28 લાખ વિદ્યાર્થીઓ શૈક્ષણીક ભાવિની આ કસોટી આપી શકાય છે.જેમાં સૌરાષ્ટ્રનાં 3.40 લાખ જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પરીક્ષાનાં પ્રથમ દિવસે આજે પરીક્ષા કેન્દ્રો પર કલેકટર-પોલીસ કમિશ્નર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ અને કેન્દ્ર સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને મોં મીઠા કરાવી સ્વાગત કરવામાં આવેલ હતુ.
પરીક્ષાનાં પ્રથમ દિવસે સવારના 10 થી 11-5 કલાક દરમ્યાન ધો.10 ના ગુજરાતી,હિન્દી, અંગ્રેજી, (પ્રથમ ભાષા)ની કસોટી પરીક્ષા કેન્દ્રો પરથી લેવામાં આવી રહી છે. તેની સાથોસાથ ધો.12 સામાન્ય પ્રવાહનું સહકાર પંચાયતનું પેપર પણ પરીક્ષા કેન્દ્રો પરથી લેવામાં આવી રહ્યા છે.
જયારે બપોરનાં સેશનમાં બપોરના 3 થી 6-30 કલાક દરમ્યાન ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયના પેપર લેવામાં આવનાર છે.રાજકોટ સેન્ટ્રલ જેલમાં ધો.10 અને 12 ના 6-6 મળી 12 કેદી રાજયમાં કુલ 113 કેદી બોર્ડની આ પરીક્ષા આપી રહ્યા છે.
જેમાં અમદાવાદ સેન્ટ્રલ જેલમાં સૌથી વધુ ધો.10 ના 44 અને ધો.12 ના 21 કેદી ઉપરાંત વડોદરા જેલમાં ધો.10 માં 4 તથા ધો.12 માં 6 તેમજ સુરતની લાજપોર જેલમાં ધો.10 માં 18 અને 12 માં 8 કેદી પરીક્ષા આપી રહ્યા છે.
રાજકોટ શહેર-જીલ્લામાં 74 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ રાઈટર સાથે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્ર પર ગ્રાઉન્ડ ફલોરનાં પરીક્ષા ખંડમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, રાજયમાં 87 ઝોન અને 16660 જેટલા કેન્દ્રો અને 5000 હજારથી વધુ શાળાઓની બિલ્ડીંગોમાં આ પરીક્ષા લેવામાં આવી રહી છે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા માટે 80 હજારથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓનો કાફલો ફરજ પર તૈનાત કરવામાં આવેલ છે.
જેમાં વર્ગ-1 અને 2 ના 1500 થી વધુ અધિકારીઓનો સમાવેશ થાય છે. પરીક્ષાનો પ્રારંભ થતા જ રાજયમાં 68 જેટલી ફલાઈંગ સ્કવોડોએ પોતાની પોઝીશન લઈ લીધી છે. ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્રોની રાઉન્ડ ધ કલોક તપાસણી કરવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓને પરીક્ષા સમયનાં અડધો કલાક પહેલાં જ પરીક્ષા ખંડમાં પ્રવેશ આપી દેવામાં આવેલ હતો. બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થતાં જ પરીક્ષા કેન્દ્રોનાં 100 મીટરની ત્રિજયામાં અધિક કલેકટરનું જાહેરનામું આજથી લાગુ પડી ગયુ છે.
જેમાં પરીક્ષા કેન્દ્રોનાં વિસ્તારમાં લાઉડ સ્પીકરના ઉપયોગ તેમજ ચારથી વધુ વ્યકિતઓને એકત્રીત થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવેલ છે. આ ઉપરાંત ઝેરોક્ષની દુકાનો પણ ચાલુ રાખી શકાશે નહિં. પરીક્ષા શરૂ થતા જ રાજયભરમાં પરીક્ષા ફીવર છવાઈ જવા પામેલ છે.