Rajkot,તા.03
મોરબીના જબલપુર ગામે રહેતા અને ડોનની છાપ ધરાતા શખ્સના સાગ્રીતો સાળા-બનેવીનું અપહરણ કરી હાથ પગ ભાંગી નાખ્યાંના ગુનામાં નીચેની કોર્ટ બાદ ઉપલી કોર્ટે પણ જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.
આ બનાવની હકીકત મુજબ મોરબીનાં જબલપુર ગામે રહેતા અને ડોનની છાપ ધરાતા બાબુભાઈ હીરાભાઈ ઝાપડાના બંગલાના પ્લમબીંગ કામ રાજકોટમાં રહેતા અને પ્લમ્બર કામ કરતા ફરીયાદી ગૌતમભાઈ મનુભાઈ વ્યાસે દોઢ વર્ષ પહેલા બંગલાનું કામ રાખ્યું હતુ અને બાદમાં ફરીયાદીનાં મીત્ર પ્રશાંતને આ બંગલામાં ફર્નીચર કામ અપાવ્યું હતુ. જે દરમિયાન ફરીયાદીનું મકાન અને તેનાં બનેવીનું મકાન બળજબરીથી પડાવી લીધું હતું. જે અંગે ફરીયાદીએ રાજકોટ તાલુકા પોલીસને અરજી કરતા ફરીયાદીનું મકાન પાછુ આપતુ પડેલ જેનો ખાર રાખી બાબુ ઝાપડા અને તેનાં સાગ્રીતોએ ફરીયાદી ગૌતમ વ્યાસ અને તેના ઈજા પામનાર બનેવી વિપુલ પાંભરનું રાજકોટથી કારમાં અપહરણ કરી જબલપુર ગામે રામવાડી પાસે લઈ જઇ ઢોર માર મારી બંનેના હાથ પગ ભાંગી નાખ્યા હતા. જે ગુનામાં આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જેલ હવાલે રહેલા આરોપીઓ પૈકી હકા મશરૂભાઈ ઝાપડા, શાહીલ અલ્લારખા ઉર્ફે સલીમભાઈ શાહમદાર, મેહુલ ઉર્ફે લાલો નાથાભાઈ ઝાલા અને ઈમ્તીયાઝ વલીભાઈ ખેરાણીની નીચેની કોર્ટે જામીન અરજી નામંજુર થતા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ ફરિયાદી પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો ધ્યાને લઇ એડી. સેશન્સ જજ બ્રહમભટે આરોપીઓની રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.આ કેસમાં ફરીયાદી વતી રાજકોટનાં યુવા ધારાશાસ્ત્રી રાજેશ બી. ચાવડા, સોના કાથરોટીયા, મન ડોડીયા, કાંતી પી. ભટ્ટ અને સરકારી વકીલ પ્રશાંત પટેલ રોકાયા હતા.