Rajkot યુવાન અને તેની મંગેતરનું અપહરણ કરનાર ચારે’ય લુખ્ખાઓ ઝડપાયા

Share:

Rajkot,તા.03

નાના મવા વિસ્તારમાં રહેતા અને બાંધકામનાં વ્યવસાય સાથે સંકળાયેલા યુવક અને તેની મંગેતર થર્ટી ફર્સ્ટની રાત્રે અવધ રોડ પરથી કારમાં પરત જઈ રહ્યા હતા ત્યારે કારમાં ધસી આવેલા ચાર લુખ્ખાઓએ પોલીસ તરીકેની ઓળખ આપી બન્નેના અપહરણ કરી, મારકુટ કરી, રૃા. ૧૭૦૦ પડાવી લઈ, ખંડણીની માંગણી કરી, યુવકની મંગેતરની છેડતી કરી હતી. આ ચારેય લુખ્ખાઓને ગાંધીગ્રામ-૨ પોલીસે ઝડપી લઈ તપાસ આગળ ધપાવી છે.

ઝડપાયેલા આરોપીઓમાં વિપુલ લાભુભાઈ મેતા (રહે, પરીશ્રમ સોસાયટી, સંસ્કૃતિ પાર્ટી પ્લોટની બાજુમાં), અલ્પેશ ઉર્ફે અપ્પુ નરેશ મકવાણા, પરીમલ ત્રીભુવન સોલંકી  અને તેના ભાઈ વિજય ઉર્ફે કાળીયો (રહે, ત્રણેય અવધનો ઢાળ, આંબેડકનગર આવાસ યોજનાના કવાટર)નો સમાવેશ થાય છે.

ચારેય આરોપીઓ લાંબો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. આરોપી વિપુલ વિરૃધ્ધ આ અગાઉ ખુન, અપહરણ, મારામારી સહિતનાં ત્રણ ગુના નોંધાયા છે. બીજા આરોપી અલ્પેશ વિરૃધ્ધ ચોરી, ધાકધમકી આપવી, મારામારી, પ્રોહીબીશન, હુમલા સહિતનાં નવ ગુના નોંધાયેલા છે. ૨૦૨૪ની સાલમાં તે પાસાની હવા પણ ખાઈ આવ્યો છે.

ત્રીજા આરોપી પરીમલ વિરૃધ્ધ દારૃ, મારામારી, બળાત્કાર સહિતનાં સાત ગુના નોંધાયેલા છે. ચોથા આરોપી વિજય ઉર્ફે કાળીયા વિરૃધ્ધ, ચોરી, મારામારી, હુમલો સહિતનાં સાત ગુના નોંધાયેલા છે.

પોલીસ સુત્રોએ જણાવ્યું કે, આરોપી વિપુલની વર્ના કારમાં જઈ આ ગુનો આચરવામાં આવ્યો હતો. આરોપીઓનો હેતુ પૈસા પડાવવાનો હતો. પરંતુ આરોપીઓની ધારણાથી ઓછા પૈસા મળ્યા હતાં. ભોગ બનનાર યુવાન પાસેથી માત્ર રૃા. ૧૭૦૦ મળતા આરોપીઓએ વધુ પૈસા પડાવવા માંટે તેના પિતાને કોલ કરી ખંડણીની માંગણી કરી હતી. જેથી યુવાનના પિતાએ કોલ ઉપર પોતે આવી રહ્યાનું કહેતા આરોપીઓ ડરી ગયા હતાં. જેને કારણે ખંડણી વસુલ કર્યા વગર ત્યાંથી ભાગી ગયા હતાં.

ચારેય આરોપીઓ લાંબો ગુનાઈત ઈતિહાસ ધરાવતા હોવાથી પોલીસની પધ્ધતિથી વાકેફ હતાં. જેને કારણે પોલીસના નામે પૈસા પડાવવાની યોજના બનાવી હતી. સાથોસાથ ભોગ બનનાર યુવાનની મંગેતરની છેડતી પણ કરી હતી. ચારેય આરોપીઓની ગાંધીગ્રામ-૨ પોલીસે ધનીષ્ઠ પુછપરછ શરૃ કરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *