Rajkot, તા.21
રાજકોટ શહેરમાં નાની સગીરાઓ પર અત્યાચારના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધું એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. કાલાવડ રોડ વિસ્તારમાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી છાત્રાને વિધર્મી શખ્સે પ્રેમજાળમાં ફસાવી અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ સગીરા સાથે ખાનગી વિડીયો ઉતારી આરોપીએ સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામમાં શેર કરી વાયરલ કરવાની ધમકી આપી હતી. છાત્રા વિધર્મી શખ્સ સાથે ફોનમાં ચેટ કરતી હોવાથી પરિવારજનોને શંકા જતા છાત્રાનો ફોન તપાસતા ફાંડો ફુટયો હતો અને મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
બનાવ અંગે કાલાવડ રોડ પર રહેતાં અને મૂળ ઉત્તરપ્રદેશના વતની યુવાને નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કાલાવડ રોડ પર ઈસ્કોન મંદિર પાછળ આદિત્ય વિંગમાં રહેતાં સેફ ઇલ્યાસ મેમણનું નામ આપતાં યુની. પોલીસે પોકસો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેની પુત્રી ધો.12માં અભ્યાસ કરે છે. તેમની પુત્રી કાલાવડ રોડ પ્રેમમંદીર પાછળ આવેલા કવાર્ટરમાં રહેતો
અને સ્કુલવાન ચલાવતો સેફ ઈલીયાઝ નામના વિધર્મી શખ્સની વાનમાં સ્કુલે જતી હોવાથી આરોપીને છાત્રા સાથે મિત્રતા થઈ હતી. બાદમાં બન્ને ઈન્સ્ટાગ્રામમાં ચેટ કરતા હતા અને બન્ને વચ્ચે ગાઢ સંબંધ થતા વિધર્મી શખસે તેનો લાભ લઈ છાત્રાને વિવિધ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. છાત્રા તેના ફોનમાં આરોપી સાથે ચેટ કરતી હતી ત્યારે પરિવારને શંકા ઉપજતા છાત્રાનો ફોન લઈ તપાસતા સમગ્ર ઘટનાનો ભાંડો ફુટયો હતો. જે અંગે છાત્રાને પરિવારજનોએ પુછતા તેણીએ સત્ય હકકીત પરિવારજનોને કહેતાં જણાવ્યું હતું કે, તેણીને આરોપી અનેક જગ્યાએ લઈ જઈ તેની સાથે બળજબરી કરી હતી અને ખાનગી પળોના વિડીયો ઉતારી તેમને સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામમાં મોકલ્યા હતાં. ઉપરાંત તું જો મને અવારનવાર મળવા નહીં આવે તો વિડીયો વાયરલ કરી નાંખવાની ધમકી આપી હતી. દિકરીની વાત સાંભળી પરિવારની નીચેથી જમીન સરકી ગઈ હતી.
બાદમાં પરિવારજનો ભોગ બનનાર પુત્રીને લઈને યુનિ.પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને બનાવ અંગેની પોલીસને વાતચીત કરતાં પીઆઈ એચ.એન. પટેલ અને ટીમે સગીરાના પરિવારજનોની ફરિયાદ પરથી વિધર્મી શખ્સ સામે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી શખ્સને સકંજામાં લીધો હતો.