Rajkot, તા.29
રાજ્યભરમાં સૌથી વધુ રાજકોટ ખાતે બે નંબરી ધંધો કરી વ્યાપક કરચોરી કરતા લોખંડ ભંગારના ધંધાર્થીઓને ત્યાં અનેકવાર જીએસટીના દરોડા પડ્યા છે પરંતુ થોડા દિવસો માટે બેનંબરી ધંધો સંકેલી ફરી રાબેતા મુજબ, કરચોરીનો આ વેપલો મોટા પાયે થવા લાગે છે.
ત્યારે ફરી એકવાર રાજકોટમાં લોખંડ ભંગારના ધંધાર્થીઓ સક્રિય બન્યાની બાતમી સ્થાનિક જીએસટી વિભાગને મળતા વડી કચેરીની સુચના અનુસાર આજે બપોરથી શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલ ભંગારનાં ધંધાર્થીઓની પેઢીઓ ઉપર જીએસટી વિભાગ અત્યંત ગુપ્ત રીતે ત્રાટક્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
આ અંગેની જાણવા મળતી વધુ વિગતો મુજબ ટોટલ બીલ વિના ચાલતા લોખંડ-ભંગારના ધંધામાં ખરીદ-વેંચાણના કોઇપણ પ્રકારના વ્યવહારો ચોપડે દર્શાવાતા નથી અને જંગી રકમની કરચોરી કરવામાં આવે છે. ત્યારે આજરોજ ઉપરોક્ત કારણોસર સ્થાનિક જીએસટી વિભાગની ટીમો અત્યંત ગુપ્ત રીતે કોઠારીયા રોડ અને બાપુનગર વિસ્તારમાં આવેલ ભંગારના 3 થી 4 ધંધાર્થીઓનાં ડેલામાં ત્રાટકી છે.
આજે મોડી બપોરથી આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ભંગારના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડી ટર્નઓવર, ખરીદ-વેચાણ, બિલીંગ સહિતની બાબતો અંગે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.
જીએસટી વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ ઉપરોક્ત તપાસોના અંતે તંત્રને લાખો રૂપિયાની કરચોરી હાથ લાગે તેવી શક્યતા છે.