Rajkotની Axis Bank ના મેનેજર-ત્રણ એજન્ટોએ ડિજિટલ ફ્રોડથી12.2 કરોડ તફડાવી લીધા

Share:

Rajkot તા.31
દેશમાં વધતા સાઈબર ફ્રોડ સામે સરકાર નાગરિકોને સતત ચેતવી રહી છે જયારે સામાન્ય નાગરિકો તો ઠીક જાણીતી ડીજીટલ કંપનીઓ પણ ગાફેલ રહી જાય છે અને તેમાં બેંગ્લોર સ્થિત કંપનીને 12.2 કરોડ ગુમાવવા પડયા છે. આ કૌભાંડમાં રાજકોટના એકસીસ બેંકના મેનેજર કમીશન એજન્ટ તથા વીમા એજન્ટ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ક્રેડીટકાર્ડ બીલ માટેના પેમેન્ટ પ્લેટફોર્મ એવા ‘ક્રેડ’નુ સંચાલન કરતી કંપની ડ્રીમપ્લગ પેટેક સોલ્યુશન પ્રાઈવેટ લીમીટેડ આ કૌભાંડમાં માંગ બની હતી અને તેના એકઝીકયુટીવ નરસિંહા વસંજા શાસ્ત્રીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે રાજકોટની એકસીસ બેંકના રીલેશનશીપ મેનેજર વૈભવ પીઠડીયા (ઉ.વ.29)ની ધરપકડ કરી હતી.

આ સિવાય રાજકોટના જ વિમા એજન્ટ શૈલેષ તથા કમીશન એજન્ટ શુભમ (ઉ.વ.26)ને પણ પકડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુરત સ્થિત બેંક એજન્ટ નેહા વિપુલ પરમારની પણ ધરપકડ કરવામાં આવી હતી.

બેંગ્લોરના પોલીસ અધિકારીએ કહ્યું હતું કે એકસીસ બેંકનો રીલેશનશીપ મેનેજર વૈભવ પીઠડીયા સમગ્ર ઘટનાનો સુત્રધાર રહ્યો છે. તેણે કંપનીના ખાતાઓની સંવેદનશીલ માહિતી એકસેસ કરી હતી અને કંપનીની નિષ્ક્રીય ‘યુઝર આઈડી’ના આધારે કૌભાંડ આચર્યું હતું.

આ સમગ્ર કૌભાંડમાં સુરતની નેહા પરમારે બેંક તથા કૌભાંડીયાઓ વચ્ચે વચેટીયા તરીકે કામ કર્યુ હતુ અને કૌભાંડ આચરવામાં મદદ કરી હતી. કૌભાંડમાં સામેલ વિમા એજન્ટ શૈલેષ બનાવટી સહી, કંપનીના બોર્ડના બોગસ ઠરાવ સહિતના નકલી દસ્તાવેજો બનાવી દીધા હતા અને તેના આધારે ખાતાઓ સાથે ચેડા કરાયા હતા.

ચોથા આરોપી શુભમ દ્વારા તફડાવાયેલા નાણાં સગેવગે કરવાનુ કામ કર્યુ હતું. દેશની જુદી-જુદી બેંકોમાં 17 ખાતા ખોલાવ્યા હતા. તફડાવેલા નાણા આ ખાતા જમા કરાવીને નાણાં સગેવગે કર્યા હતા.

આ સમગ્ર કૌભાંડની જાણ કંપનીને 12મી નવેમ્બરે થઈ હતી. કંપનીના બેંકખાતામાં મોટી માત્રામાં અસામાન્ય વ્યવહારો ધ્યાને આવ્યા હતા. કંપનીના એકસીસ બેંકમાં રહેલા કરંટ તથા નોડલ ખાતામાંથી 12.2 કરોડ ઉપડી ગયા હતા.

બન્ને ખાતા કંપનીએ 2021માં ખોલાવ્યા હતા. એકસીસ બેંકે કંપનીને કોર્પોરેટ આઈડી ઉપરાંત અન્ય ચાર યુઝર આઈડી આપ્યા હતા તેમાંથી બે સક્રીય હતા અને બેનો ઉપયોગ કરાતો ન હતો. આ બન્ને નિષ્ક્રીય યુઝર આઈડી મેળવીને સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યુ હતું.

કૌભાંડ કેવી રીતે આચરાયુ?
એકસીસ બેંકની પ્રોસેસની ખામીનો કૌભાંડીયાઓએ ગેરલાભ ઉઠાવ્યો હતો. તેઓએ કંપનીના બોર્ડના બોગસ ઠરાવ, સીલ તથા સહી સાથેના બનાવટી દસ્તાવેજો આપીને અનઅધિકૃત રીતે કંપનીના ખાતાના એકસેસ મેળવ્યા હતા. કંપનીના ખાતામાં અપાયેલા મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડી પણ બદલાવી નાખ્યા હતા અને તેના આધારે વનટાઈમ પાસવર્ડ આંચકીને નાણાંકીય વ્યવહાર-નાણાં તફડાવવાનું કૌભાંડ આચર્યુ હતું.

મહત્વની વાત છે કે કંપનીનું કાર્યક્ષેત્ર બેંગ્લોર હોવા છતાં દસ્તાવેજો-ફોન-આઈડી બદલાવની પ્રક્રિયા ગુજરાતમાંથી કરવામાં આવી હતી. ખાતામાં બદલાવ માટેની એક અરજી 22 જુલાઈએ અંકલેશ્વરમાંથી તથા બીજી 12 ઓકટોબરે સુરતમાંથી થઈ હતી.

14 દિવસમાં 37 વ્યવહારો કરીને 12.2 કરોડ તફડાવી લીધા
પોલીસ તપાસમાં એવુ ખુલ્યુ છે કે કૌભાંડીયાઓમાં 29 ઓકટોબરથી 11 નવેમ્બર દરમ્યાન 14 દિવસમાં કંપનીના બેંક ખાતામાં 37 નાણાંકીય વ્યવહારો કર્યા હતા અને 12.2 કરોડ ઉપાડી લીધા હતા.

રૂા.3 કરોડ બચી ગયા: કુલ 15.2 કરોડ ઉપાડવાના હતા
પોલીસ ફરિયાદ નોંધાવનાર ડ્રીમપ્લગના એકઝીકયુટીવે ફરિયાદમાં એમ કહ્યું કે કૌભાંડીયાઓએ પ્રથમ તબકકે કંપનીના ખાતામાંથી 15.2 કરોડ ટ્રાન્સફર કરાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે સફળ થયો ન હતો. 12.2 કરોડ તફડાવવામાં તેઓ સફળ થયા હતા. આમ કંપનીના ત્રણ કરોડ બચી ગયા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *