Rajkot,તા.29
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાયેલા ત્રીજા ટી-20 મેચમાં ભારતની 26 રને હાત થતા શ્રેણી જીવંત રહી છે. ભારતીય સ્પીનર વરૂણ ચક્રવર્તીની ‘ફીરકી’માં ઈગ્લીશ ક્રિકેટરો સપડાયા હતા અને બહુ મોટો જુમલો ખડકી શકયા ન હતા.પરંતુ ભારતીય બેટરો કાંઈ ઉકાળી ન શકતા પરાજયનો સામનો કરવો પડયો હતો. પાંચ મેચની વર્તમાન શ્રેણીમાં હવે ભારત 2-1 થી આગળ રહ્યું છે.
રાજકોટના લીલાછમ ઘાસ ધરાવતા મેદાન અને ક્રિકેટ પ્રેમીઓથી ખીચોખીચ ભરેલા સ્ટેડીયમમાં ભારે ઉત્સાહ અને રોમાંચ વચ્ચે ભારતનો ઈંગ્લેન્ડ સામેનો ત્રીજો ટી-20 મેચ રમાયો હતો.સપાટ અને બેટીંગ પેરેડાઈઝ વિકેટ પર હાઈ સ્કોરીંગ મેચ થવાની અટકળોથી ચોકા-છ્ગ્ગાનો વરસાદ થવાની આશા સાથે ક્રિકેટ પ્રસંશકો ઉમટયા હતા.
સ્ટેડીયમ ક્રિકેટ પ્રેમીઓથી હાઉસફુલ બન્યુ હતું. ઈંગ્લેન્ડને પ્રથમ દાવ લેવા મેદાને ઉતારાયા બાદ બીજી જ ઓવરમાં તેના ઓપનર સોલ્ટની વિકેટ હાર્દિક પંડયાએ ખેડવી નાખતા દર્શકોએ હર્ષની ચીચીયારીઓથી સ્ટેડીયમ ગજાવી દીધુ હતું જોકે બીજી વિકેટમાં ડકેટ તથા કપ્તાન બટલરે 76 રનની આક્રમક પાર્ટનરશીપ કરી હતી 9 ઓવરમાં જુમલો 83 રને પહોંચાડી દીધો હતો.
બન્ને બેટરોએ ભારતીય બોલરોની ધોલાઈ કરીને હંફાવતા રહ્યા હતા અને ત્યારે ભારતીય સ્પીનર વરૂણ ચક્રવર્તીની ફીરકી શરૂ થઈ હતી. જોશ બટલરને વરૂણ ચક્રવર્તીએ વિકેટ પાછળ સપડાવ્યો હતો. ડીઆરએસમાં તેને આઉટ અપાયો હતો. તેણે 22 દડામાં એક ચોકા અને એક છગ્ગા સાથે 24 રન ઝુડયા હતા.
બટલર કરતા પણ વધુ આક્રમક ડકેટે 24 દડામાં ફીફટી પૂર્ણ કરી હતી. ત્યાં અક્ષર પટેલ ત્રાટકયો હતો અને ડકેટને 51 રને આઉટ કર્યો હતો. તેણે બે છગ્ગા અને સાત ચોગ્ગા સાથે 28 દડામાં 57 રન કર્યા હતા.
આ જોડીની રવાનગી બાદ ઈંગ્લેન્ડની વિકેટો નિયમીત અંતરે ખડવા લાગી હતી. હેરી બ્રુકને 8 રને રવિ બિશ્નોઈએ શિકાર કર્યો હતો. ત્યારબાદ જેમી સ્મીથને 6 રને ચક્રવર્તિએ સપડાવ્યો હતો.બીજા જ દડે જેમી આર્ટરટનને પણ ચક્રવર્તીએ બોલ્ડ કર્યો હતો. આ પછી કર્સેને 4 તથા જોફ્રા આર્ચરને શુન્ય રને આઉટ કર્યા હતા આ સાથે વરૂણે પાંચ વિકેટ ખેડવી હતી એક છેડો સાચવીને ઉભેલા લિવીંગ્સ્ટને પાંચ છગ્ગા ફટકારીને 24 દડામાં 43 રન ઝૂડયા હતા.
ત્યારે હાર્દિક પંડયાએ તેને આઉટ કરતા ઈંગ્લેન્ડ 147 રનમાં 9 વિકેટ ગુમાવી બેઠુ હતું.ઈંગ્લેન્ડ પુરી 20 ઓવર નહિં રમી શકે તેવુ ચિત્ર હતું પરંતુ આદિલ રશીદ અને માર્ક વુડ છેલ્લે સુધી ટકી ગયા હતા અને 10-10 રને અણનમ રહ્યા હતા. ઈંગ્લેન્ડે નિર્ધારીત 20 ઓવરમાં જુમલો 9 વિકેટે 171 રને પહોંચાડી દીધો હતો.
રાજકોટની બેટીંગ વિકેટ પર ભારત સરળતાથી જીતી જશે તેવા આશાવાદ સાથે દર્શકોનો ઉત્સાહ-રોમાંચ બેવડાયો હતો સંજુ સેમસન તથા અભિષેકની જોડી મેદાને આવતા જ હર્ષની ચીચીયારીથી મેદાન ગજવી દીધુ હતું સેમસન 3 રને આઉટ થતાં ભારતને પ્રથમ ઝાટકો લાગ્યો હતો. અભિષેકે ધડાધડ પાંચ ચોકકા ફટકારતાં દર્શકો રોમાંચીત હતા પરંતુ 14 દડામાં 24 રન બનાવીને તે આઉટ થયો હતો.
કપ્તાન સુર્યકુમાર યાદવ પણ 14 રન બનાવીને વધુ એક વખત ફલોપ થતાં દર્શકોમાં સન્નાટો પ્રસરી ગયો હતો.કેટલીક ઈનીંગ્સથી અણનમ રહેવાનો રેકોર્ડ ધરાવતો તિલક વર્મા પણ 18 રને ઉડતા ભારતને વધુ એક ઝટકો લાગ્યો હતો. વોશીંગ્ટન સુંદર પણ ઝીંકી ઝીલી શકયો ન હતો 6 રને આઉટ થતાં ભારત 85 રનમાં પાંચ વિકેટ ગુમાવી બેઠુ હતું. હાર્દિક તથા અક્ષરે 48 રનની ભાગીદારી કરી હતી. ત્યારે અક્ષર 15 રને આઉટ થયો હતો.
આ પછી હાર્દિક પણ 40 રને આઉટ થતા ભારતની જીતની આશા ધુંધળી થઈ ગઈ હતી. હાર્દિક એક ચોગ્ગો તથર બે છગ્ગા સાથે 40 રન બનાવ્યા હતા. ધ્રુવ જુરેલ કે અન્ય ખેલાડી ભારતની નૌકાને પાર લગાવી શકયા ન હતા. 20 ઓવરમાં ભારત 9 વિકેટે 145 રન જ કરી શકયુ હતું અને 26 રને પરાજીત થયુ હતું.
રાજકોટના મેદાન પર 2017 બાદ પ્રથમ વખત ભારતની ટી-20 મેચમાં હાર થઈ હતી.
ભુવનેશ્વર – કુલદીપની ક્લબમાં વરૂણ સામેલ
વરુણ ટી-20 મેચમાં એકથી વધુ વખત પાંચ કે તેથી વધુ વિકેટો લેનાર ભારતનો ત્રીજો ખેલાડી બન્યો છે. તેણે આર્ચરને ગુગલી પર આઉટ કરીને બીજી વખત આ સિધ્ધિ હાંસલ કરી છે. અગાઉ તેને નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે 17 રને પાંચ વિકેટ લીધી હતી, જે તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. તે હવે ભુવનેશ્વર કુમાર અને કુલદીપના ક્લબમાં જોડાયો છે. વરુણ ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની શ્રેણીમાં દસ કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. તેણે 7.08 ઈકોનોમી સાથે દસ વિકેટો લીધી છે.
રાજકોટમાં વરૂણનો પાંચ વિકેટનો રેકોર્ડ: આવેશખાનનો ચાર વિકેટ ખેડવવાનો રેકોર્ડ તૂટયો
ભારતીય સ્પીનર વરૂણ ચક્રવર્તી માટે રાજકોટનો મેચ યાદગાર બની રહ્યો હતો. ઈંગ્લેન્ડની પાંચ વિકેટો એકલા હાથે ખેડવી હતી. રાજકોટના મેદાન પર ટી20 જંગમાં કોઈપણ એક બોલરે પાંચ વિકેટ ઝડપી હોય તેવો આ પ્રથમ બનાવ હતો. આ પુર્વે ભારતીય ફાસ્ટ બોલર આવેશખાનના નામે 4 વિકેટનો રેકોર્ડ હતો જે તેણે 2022માં દક્ષિણ આફ્રિકા સામે બનાવ્યો હતો. 4 ઓવરમાં 18 રન આપીને તેણે 4 વિકેટ ઝડપી હતી. ગઈકાલના મેચમાં ચક્રવર્તીએ ચાર ઓવરમાં 24 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.
હાર્દિક આઉટ થતા જ દર્શકો રવાના થવા લાગ્યા
ઈંગ્લેન્ડ સામેના મેચમાં ભારતના બેટરોનો ફલોપ શો હતો. પાંચ વિકેટ માત્ર 85 રનમાં ગુમાવી હતી છતાં એક છેડો સાચવીને ઉભેલો હાર્દિક પંડયા સમયાંતરે મોટા ફટકા લગાવી દેતો હોવાથી ભારત જીતી શકશે તેવો દર્શકોને વિશ્વાસ હતો પરંતુ 18મી ઓવરના પ્રથમ દડે જ હાર્દિક 40 રને આઉટ થતા હવે ભારત નહીં જીતી શકે તેમ માનીને દર્શકો રવાના થવા લાગ્યા હતા અને સ્ટેડીયમ ખાલી થવા લાગ્યુ હતું.
ભારતવતી સ્પીનરો ચાલ્યા; ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરોએ વિકેટો ખેડવી
ટી20 મેચમાં ઈંગ્લેંડનો પ્રથમ દાવ હતો. હાર્દિક પંડયાએ ઓપનર સોલ્ટની વિકેટ ખેડવ્યા બાદ શમી જેવા બોલર અસરકારક માલુમ ન પડતા સ્પીન એટેક શરૂ થયો હતો. ભારતના દરેક સ્પીનરે વિકેટ મેળવી હતી. વરૂણે સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. અક્ષર-રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ મળી હતી.
બીજી તરફ ઈંગ્લેંડે મોટાભાગની ભારતીય વિકેટો ફાસ્ટ બોલરના સહારે ખેડવી હતી. ભારતની 9માંથી એક માત્ર વિકેટ ઈંગ્લેંડના સ્પીનર રશિદને મળી હતી જયારે ઓવરટનને 3, આર્ચર, કર્સેને 2-2 તથા વુડને એક વિકેટ મળી હતી.
રાજકોટની હાર બાદ પાર્થિવ પટેલે પંડ્યાની બેટિંગ ટેકનિક પર સવાલો ઉઠાવ્યાં
પાર્થિવ પટેલે રાજકોટ ટી-20 મેચમાં હાર બાદ હાર્દિક પંડ્યાની ટીકા કરી હતી તેમણે કહ્યું કે પંડયા એક દબાણની પરિસ્થિતિ દરમિયાન સ્થાયી થવા માટે 20-25 બોલ લઈ શકે નહીં. હાર્દિકે ભારત માટે 40 નો સ્કોર બનાવ્યો હતો. હાર્દિક ખાસ કરીને મધ્ય ઓવરમાં આદિલ રશીદ અને ઇંગ્લેન્ડના બાકીના બોલરો સામે સંધર્ષ કરતો જોવા મળ્યો હતો.
પાર્થિવે કહ્યું કે, ઓલરાઉન્ડરએ ઘણી બધી ડિલિવરી ખાઈને અન્ય બેટર્સ પર ઘણું દબાણ મૂક્યું હતું. ભૂતપૂર્વ વિકેટકીપરે કહ્યું કે ઓલરાઉન્ડરને સતત તેની સ્ટ્રાઈક ફેરવવાની જરૂર છે. પાર્થિવના જણાવ્યા અનુસાર હાર્દિકનો અભિગમ વિશે ભારતને પુનર્વિચારણા કરવાની જરૂર છે.
તેમણે કહ્યું કે ” ટી-20 મેચમાં બોલ ઓછા હોય છે અને રન વધારે બનાવવાના હોય છે તેવામાં સ્થાયી થવા માટે 20-25 બોલ લેવાથી બીજા ખેલાડીઓ પર દબાણ વધે છે અને ટીમ એકંદરે દબાણમાં આવી જાય છે. તેમણે કહ્યું કે પંડયાને તેનો અભિગમ બદલવાની જરૂર છે.
કમબેક પછી શમીને વિકેટ ન મળી
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 14 મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યો હતો, પરંતુ તેને કોઈ વિકેટ મળી ન હતી, શમીને અર્શદીપ સિંહના સ્થાન પર ટીમમાં જગ્યા મળી હતી અને તેને પ્રથમ ઓવર ફેંકી હતી. તેણે પ્રથમ સ્પેલમાં બે ઓવરમાં 14 રન આપ્યાં અને 19 મી ઓવરમાં પરત ફરીને 11 રન આપ્યાં હતાં. તેણે 140 કિ.મી.ની ઝડપે બોલિંગ કરીને તેની તંદુરસ્તી વિશેની ચિંતાઓ દૂર કરી છે. આ ત્રણ વર્ષમાં તેની પ્રથમ ટી-20 હતી. તેણે નવેમ્બર 2022માં એડિલેડમાં ઇંગ્લેન્ડ સામે અગાઉની ટી-20 રમી હતી.
ડકેટની ત્રણ વર્ષ પછી અડધી સદી
ઇંગ્લેંડના 30 વર્ષીય બેટ્સમેન ડકેટે ત્રણ વર્ષ પછી ટી-20માં તેની પ્રથમ અડધી સદી ફટકારી હતી. અગાઉ, તેણે સપ્ટેમ્બર 2022માં પાકિસ્તાન સામે અણનમ 70 રન બનાવ્યાં હતાં, જે તેની કારકિર્દીનો સૌથી મોટો સ્કોર છે. તેણે આ સમય દરમિયાન 350 રન પણ પૂર્ણ કર્યા હતાં. તેણે 28.69 ની સરેરાશથી 15 મેચમાં 373 રન બનાવ્યાં છે.