૨૫ વર્ષનો બેભાન યુવક બે કલાકની સારવાર પછી પણ ભાનમાં ન આવતા મૃત જાહેર કરાયો હતો
Rajasthan , તા.૨૩
રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના ડોકટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવેલ ૨૫ વર્ષીય વ્યકિત અગ્નિ સંસ્કારના થોડાક જ સમય પહેલા ભાનમાં આવી જતાં ત્રણ ડોકટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બહેરા અને મૂંગા વ્યકિતની ઓળખ રોહિતાશ કુમાર તરીકે કરવામાં આવી છે. આ વ્યકિતને ફરીથી જિલ્લા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. આ વ્યકિતનું કોઇ પરિવાર નથી. તે આશ્રય ગૃહમાં રહેતો હતો.અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વ્યકિતની હોસ્પિટલના આઇસીયુમાં સારવાર ચાલી રહી હતી ત્યારબાદ તેને જયપુર મોકલવામાં આવ્યો હતો પણ રસ્તામાં જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઝુનઝુનુ જિલ્લા કલેક્ટર રામઅવતાર મિણાએ મેડિકલ બેદરકારીને ધ્યાનમાં રાખીને ડો. યોગેશ જાખર, ડો. નવનીત મીલ અને પીએમઓ ડો. સંદીપ પાચારને સસ્પેન્ડ કર્યા છે. આ કેસની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે અને મેડિકલ વિભાગના સચિવને આ અંગેની જાણ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આશ્રય ગૃહમાં બેભાન થયા પછી કુમારને ઝુનઝુનુના બીડીકે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. બે કલાકની સારવાર પછી પણ તે ભાનમાં ન આવતા બપોરે બે વાગ્યે તે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યો હતો. પોલીસે પંચનામું તૈયાર કરી મૃતદેહને સ્મશાન ગૃહ પહોંચાડયો હતો. જ્યારે તેને ચિતા પર સુવડાવવામાં આવ્યો તો અચાનક તેણે શ્વાસ લેવાનું ચાલુ કર્યુ અને તે ભાનમાં આવી ગયો હતો. ત્યારબાદ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને તેને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે વધુ સારવાર માટે જયપુર લઈ જતી વખતે રસ્તામાં તે મૃત્યુ પામ્યો હતો.આ ઘટનાની જાણ થતાં મહેસૂલ અધિકારી મહેન્દ્ર મુંડ, ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ પવન પૂનિયા તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતાં.