મુંબઈમાં માળવાળી બસો દોડે છે, ૭૫થી ૯૦ માળની ગગનચુંબી ઈમારતો બંધાતી જાય છે, એટલું જ નહીંં, હવે તો સાર્વજનિક શૌચાલયો પણ બે-બે ત્રણ-ત્રણ માળના બંધાય છે. ત્યારે બીજી તરફ રાજસ્થાનમાં એક એવું ગામ છે, જ્યાં બધા ંમકાન એક માળનાં છે. એક પણ મકાન બે કે ત્રણ માળનું નથી. ચૂરૂ જિલ્લાના ઉડસર ગામમાં છેલ્લાં ૭૦૦ વર્ષથી એક માળથી ઊંચા મકાનો બંધાયાં જ નથી. ગ્રામજનો પાસે પોતાપોતાની જમીન છે સુખી-સંપન્ન છે છતાં બે માળનું મકાન કોઈ બાંધતું જ નથી. એવી માન્યતા છે કે એક માળથી ઊંચું મકાન બાંધે તો તેના પરિવાર પર આફત આવી પડે છે. આ આ માન્યતા પાછળ એવી લોકવાયકા કાને પડી કે ૭૦૦ વર્ષ પહેલાં ભોમિયા નામનો એક હિમ્મતવાળો જણ ગામમાં રહેતો હતો. એક વાર ગામમાં સશસ્ત્ર ચોર-લૂંટારા ત્રાટક્યા. ભોમિયો એકલો હોવા છતાં બહાદુરીથી ચોર-લૂંટારાની ટોળી સાથે બાથ ભીડી. ગંભીર રીતે જખમી થયેલા ભોમિયાને અહેસાસ થઈ ગયો કે આટલા બધાની સામે એકલા ઝાઝી ઝીંક નહીં ઝીલાય. એટલે એ વખતે ભોમિયાના સસરાનું ઉડસરમાં બે માળનું મકાન હતું. એનાં પગથિયાં લથડતાં લથડતાં ચડી બીજે માળે પહોંચી સંતાઈ ગયો, પણ ચોર તેને ગોતતા ગોતતા ઉપર પહોંચી ગયા અને ભોમિયાનું ગળું છરાથી રહેંસી નાખ્યું. ભોમિયાની પત્ની કલ્પાંત કરતી આવી અને ગામવાળાને શ્રાપ આપ્યો કે મારા ધણીનો બીજે માળે જીવ ગયો એટલે જે કોઈ બે માળના મકાન બાંધશે તેનો સર્વનાશ થશે. બસ, ત્યારથી ગામમાં બે માળનું મકાન જ બંધાતું નથી.
Rajasthan માં એક એવું ગામ છે જ્યાં બધા મકાન એક માળનાં છે
