Kerala,તા.01
કેરળના વાયનાડ જિલ્લામાં મંગળવારે (30 જુલાઈ) મેપડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં સેના દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા (Congrss Leader) અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી અને તેમના બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે ભૂસ્ખલન (Landslide) પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી.
ભૂસ્ખલનથી ભારે તારાજી સર્જાઈ
રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા સવારે વાયનાડ પહોંચ્યા હતા. પાર્ટીના મહાસચિવ અને અલપ્પુઝાના સાંસદ કે.સી. વેણુગોપાલ પણ તેમની સાથે છે. રાહુલ (Rahul) અને પ્રિયંકા (Priyanka) મેપડી ખાતેના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર માટે રવાના થયા હતા. ત્યાંથી બંને ડૉ.મૂપેન મેડિકલ કોલેજ અને મેપડી ખાતે બે રાહત શિબિરોની પણ મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે વાયનાડમાં ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ છે. વાયનાડથી આવી રહેલી તસ્વીરો ત્યાંની તબાહીની વાર્તા કહી રહી છે. તબાહીની તસવીરોથી માત્ર કેરળ જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકોને હચમચાવી દીધા છે.
રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી જીત્યા હતા
નોંધનીય છેકે રાહુલ ગાંધીએ 2019માં વાયનાડ (Wayanad) લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી અને 2024ની લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)માં પણ તેઓ અહીંથી ફરી જીત્યા હતા. કોંગ્રેસ નેતાએ ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પણ જીતી ચૂક્યા છે, બાદમાં રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડવાનો નિર્ણય કર્યો હતો. હવે આ બેઠક પરથી પ્રિયંકા ગાંધી પેટાચૂંટણી લડે તેવી શક્યતા છે.