New Delhi, તા.20
હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વહેચણી અંગે રાહુલ ગાંધીએ નાના-મોટા નેતાઓ અંગે શરત સ્પષ્ટ કરી દીધી છે. દેશમાં ટૂંક સમયમાં હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજવા જઈ રહી છે આ ચૂંટણી અંગે પૂર જોશમાં તૈયારીઓ પણ ચાલી રહી છે અને ટિકિટ વહેચણી મુદ્દે પાર્ટીઓમાં ઉથલપાથલ પણ છે. કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીમાં સોમવારે આ મુદ્દે અનેક મોટા નિર્ણયો લેવાયા. આ રાજ્યોમાં ટિકિટ વહેંચણી અંગે રાહુલ ગાંધીએ કડક વલણ અપનાવ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, કેટલો પણ મોટો નેતા કેમ ન હોય માત્ર તેની ભલામણના આધાર પર ટિકિટ નથી આપવાની પરંતુ મજબૂત પાર્ટી કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવશે ભલે તેનું નામ કોઈ મોટા નેતા દ્વારા આપવામાં ન આવ્યું હોય. તેમણે આગળ કહ્યું કે, બીજી પાર્ટીમાંથી આવેલા નેતાને માત્ર એ આધાર પર ટિકિટ આપવામાં નહીં આવશે કે તે જીતી શકે છે અને તેની પાસે સંસાધન છે. જો પાર્ટીના નેતાની જીતવાની સંભાવના છે તો પ્રાથમિકતા તેને જ આપવામાં આવશે.
મોટા નેતાઓ માટે પણ શરત લાગુ….
રાહુલ ગાંધીએ એ પણ સ્પષ્ટ કરી દીધું કે, કોઈ પણ નેતા માત્ર મોટા હોવાથી તેને ટિકિટ નહીં મળશે. તેમણે કહ્યું કે પાર્ટીના નેતા મોટા હોય અને જીતી શકે છે પરંતુ જો તેના ઉપર ભ્રષ્ટાચાર, ગંભીર કેસ, મહિલા અથવા દલિત વિરુદ્ધ ગંભીર ગુનાની શ્રેણીમાં કેસ નોંધાયેલો હશે તો તેને ટિકિટ ન મળવી જોઈએ. પાર્ટી પણ સર્વે કરાવી રહી છે તેથી તમારી તપાસ દરમિયાન આવેલા નામ અને સર્વેના નામને પણ મેચ કરીશું.