Rahul Gandhi ઉપર મહિલા સાંસદને ધક્કો મારવાનો આરોપ

Share:

New Delhi, તા.૧૯

સંસદની બહાર આજે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ધક્કામુક્કીને લઈને વિવાદ વધ્યો છે. હવે ભાજપે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર મહિલા સાંસદને ધક્કો મારવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું હતું કે, મને મહિલા સાંસદ તરફથી ફરિયાદ મળી છે. મહિલા સાંસદ રડતી મારી પાસે આવ્યા હતા. અહેવાલો અનુસાર, નાગાલેન્ડના સાંસદ ફાંગનોન કોન્યાકે ધોક્કો લાગ્યાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે, મહિલા સાંસદ રડતાં રડતાં મારી પાસે આવ્યા હતા. તેમણે મને લેખિત ફરિયાદ કરી છે. તે ભારે આઘાતમાં હતી. નાગાલેન્ડના ભાજપના સાંસદ ફાંગનોન કોન્યાકે જણાવ્યું હતું કે,’હું રાજ્યસભાના અધ્યક્ષને મળી છું. મેં મારી સુરક્ષાની માંગણી કરી છે. આજે હું બહાર શાંતિપૂર્વક વિરોધ કરી રહી હતી. રાહુલ ગાંધી એકદમ નજીક આવીને ઊભા રહ્યા. હું અસ્વસ્થ બની ગઈ હતી. રાહુલ ગાંધી મારા પર બૂમો પાડવા લાગ્યા. આ રીતે બૂમો પાડવી રાહુલ ગાંધીને શોભતું નથી. હું ખૂબ જ દુઃખી છું અને મને રક્ષણ જોઈએ છે.’ આ પહેલા ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, ’કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમારા સાંસદો સાથે  ધક્કામુક્કી કરી હતી. અમારા બે સાંસદો ઈજાગ્રસ્ત થયા છે. નાગાલેન્ડ ભાજપના મહિલા સાંસદ ફાંગનોન કોન્યાકને રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હતો.’ સંસદમાં ગુરૂવારે (૧૯મી ડિસેમ્બર) હોબાળો થતાં વાતાવરણ ગરમાયું છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને ધક્કો મારી પાડી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે, રાહુલે સ્પષ્ટતા કરી હતી કે, અમને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા અને ત્યાં ધક્કામુક્કી થઈ ગઈ હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *